સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં પૂ.ભાનુબાઈ મ.સ.ના સાંનિધ્યે જપ-તપ અને આરાધનાના વિવિધ આયોજનો: પૂજય સાધ્વીજીઓની વ્યાખ્યાન માળાનો લાભ લેવા જૈન શ્રાવકો-શ્રાવિકાઓની ભીડ જામી
સ્થાનકવાસી તેમજ દેરાવાસી જૈન સમાજના અતિ પાવન અને સર્વે પર્વોનાં રાજા ગણાતા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો મંગલ પ્રારંભ થઈ ચુકયો છે. જેમાં દેરાવાસીઓમાં ગઈકાલથી તેમજ સ્થાનકવાસી જૈનોમાં આજથી પર્વાધિરાજનો શુભારંભ થયો છે. રાજકોટ શહેરનાં તમામ જિનાલયમાં જૈન સમુદાય દ્વારા શ્રદ્ધાપૂર્વક પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દેરાસરોમાં પૂજન અર્ચન સાથે મહારાજ સાહેબના પ્રવચનો સાંભળવા માટે શ્રાવકો-શ્રાવિકાઓ પ્રથમ દિવસે જ ઉમટી પડયા હતા.સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળામાં પર્યુષણ પર્વ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ.ભાનુબાઈ મ.સ.ના સાંનિધ્યે આઠેય દિવસ વિવિધ આયોજનો કરવામાં આવનાર છે. જેમાં પ્રથમ દિવસે મહાસતીજીઓના શ્રીમુખેથી પ્રેરણાત્મક પ્રવચન-વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાસતીજીઓના દિવ્ય દર્શન વાણીનો લાભ લેવા વિરાણી પૌષધશાળાએ ભાવિકોની ભીડ જામી હતી.આ તકે સ્થાનકવાસી જૈન મોટાસંઘના પ્રમુખ હિતેષ બાટવીયાએ જણાવ્યું હતું કે, જુના રાજકોટમાં સૌપ્રથમ વખત આ ઉપાશ્રય બનાવવામાં આવ્યો છે. માંડવી ચોક અને બોઘાણી શેરીના બંને ઉપાશ્રયો હતા પણ ત્યારે દીર્ઘદષ્ટિવાળા વિરાણી પરિવારના શેઠે વિચાર્યું કે ભવિષ્યમાં સ્થાનકવાસી જૈનોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે એટલે તેઓએ આ વિશાળ હોલનું નિર્માણ ૧૯૫૪ આસપાસ આજથી ૬૨ વર્ષ પહેલા કર્યું હતું. આ હોલમાં ૧૮૦૦ થી ૨૦૦૦ લોકો આરામથી સમાય શકે છે અને આ હોલનો ઈતિહાસ એ જણાવે છે કે આ હોલમાં ૪૫થી વધુ સંયમી જીવનની દિક્ષા થયેલી છે. ૬૦ થી વધુ દીક્ષા થયેલી છે. પ્રખર આચાર્યો, જૈનના પ્રાણ ગુરુદેવ, જશાજી મહારાજ, પુરુષોતમજી મહારાજ સર્વે મહારાજો આ ઉપાશ્રયની અંદર ચોમાસુ કરી ગયેલ છે અને તેમના અવાજો આ દિવાલોની અંદર હજુ પણ ગૂંજતા ફરે છે.પંજાબ કેશરી અને મહાત્માજી મહારાજે પણ અહીં ચોમાસા કરી ઘણા જૈનોના હૃદય પાવિત કર્યા છે અને આ સ્થાનકવાસી જૈન સમાજ આજે રાજકોટમાં વધુ વસ્તી ધરાવે છે અને અનેક ઉપાશ્રયો થવા છતા પણ આ ઉપાશ્રય ઐતિહાસિક ઉપાશ્રયથી લોકો અહીં સભ્યપદ માટે પણ આગ્રહી દે અને ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા તત્પર રહે છે.વધુમાં હરિભાઈ વખારિયાએ કહ્યું હતું કે, પર્વાધિરાજ પર્યુષણ પર્વ ૮ દિવસના હોય છે. સ્થાનકવાસી, દેરાવાસીના પર્વ શ‚ થયેલ છે. રાજકોટમાં કુલ ૩૫ ઉપાશ્રય છે. સૌપ્રથમ રાજકોટનો આ ઉપાશ્રય છે વિરાણી પૌષધ ઉપાશ્રય, જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપની આરાધના પર્યુષણ પર્વ નિમિતે કરવામાં આવે છે. આત્માનું શ્રેય કરીએ, ધર્મનું ગૌરવ વધારીએ શાસનની શોભા વધારવી એવી પરમ કૃપાળુ સ્વામી ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવે છે.પર્યુષણ પર્વ નિમિતે વિરાણી પૌષધ શાળામાં કૌશિકભાઈ વિરાણી, હિતેશભાઈ બાટવીયા, દિનેશભાઈ જોષી, સતીષભાઈ બાટવીયા, હરિભાઈ વઘારિયા, હિતેશભાઈ દોષી, જયેન્દ્રભાઈ મહેતા, ભદ્રેશભાઈ કોઠારી, યોગિનાબેન મહેતા, મંજુબેન દોષી, વર્ષાબેન પારેખ તથા ઈશ્ર્વરભાઈ દોષી સહિતના કાર્યરત છે.