મેળામાં તમામ ફિરકાના અપરણિત યુવકયુવતીઓ ભાગ લઈ શકશે સૌરાષ્ટ્રના ૩૦ સેન્ટરો પર ફોર્મ ઉપલબ્ધ: આયોજકો અબતકના આંગણે

જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આગામી ૧૭ ફેબ્રુઆરીના રોજ જૈન અપરણિત યુવક યુવતીઓ માટે પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ભાગ લેવા માટેના ફોર્મ સૌરાષ્ટ્રમાં આવેલા ૩૦ કેન્દ્રો ખાતે ઉપલબ્ધ કરાશે આ અંગે વિસ્તૃત વિગત આપવા જૈન જાગૃતી સેન્ટરનાં પ્રમુખ દિવ્યેશ દોશી, પૂર્વ પ્રમુખ ભરતભાઈ પારેખ, મંત્રી દિવ્યેશ બાવીશી અને દિશીત મહેતા સહિતના આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ૨૦૧૫ના પરિચય મેળાની ભવ્ય સફળતા બાદ આગામી ૧૭ ફેબ્રુઆરીને રવિવારના રોજ રાજકોટની વીવીપી એન્જીનીયરીંગ કોલેજ ખાતે યુવક યુવતી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં જૈનોના કોઈ પણ ફિરકાના અપરણીત યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. લગ્ન ઈચ્છુક ઉમેદવારોએ સૌરાષ્ટ્ર ખાતેનાં ૩૦ જેટલા સેન્ટરો કાર્યરત છે. ત્યાંથી ફોર્મ મેળવીને ભરવાનું રહેશે. બાદમાં ઉમેદવારો આ ફોર્મ ઓનલાઈન પણ સબમીટ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આગેવાનોએ ગત પરિચય મેળા અંગે જણાવ્યું કે ૨૦૧૫માં યોજાયેલા પરિચય મેળામાં તે સમયનાં પાણી પૂરવઠામંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. આ વખતે પણ તેઓને ખાસ આમંત્રણ પાઠવવામાં આવશે. આ પરિચય મેળામાં ૬૦૦થી વધુ લગ્ન ઈચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વધુ વિગત માટે પ્રમુખ દિવ્યેશ દોશી મો.નં. ૯૮૨૪૩ ૭૫૮૨૦ અથવા મંત્રી દિશીત મહેતા મો.નં. ૯૩૨૭૪ ૫૦૧૫૨નો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.