વાંકાનેરમાં બસ્સો ઓગણીસ વર્ષ પુરાણા તિર્થકરના દેરાસરમાં સ્થાપના દિને ધ્વજારોહણ મહોત્સવ ઉજવાયો

વાંકાનેરના 219 વર્ષ જુના તિર્થકર અજીતનાથદાદા અને તિર્થકર ચંદ્રપ્રભુસ્વામીના જૈન દેરાસરમાં આજે સ્થાપના દિને ધર્મધ્વજારોપણ મહોત્સવ ઉજવાયો હતો.

ચાતુર્માસ પરિવર્તન કરી વિહાર કરતાં સાધ્વીજી ભગવંત તત્વપ્રજ્ઞાશ્રીજી મહારાજે આ પ્રસંગે શિખ આપતા કહ્યું કે વાંકાનેરના બહારગામ વસતા કુટુંબો આવા પ્રસંગે વતનમાં આવે તો માતૃભૂમિ પ્રત્યે લગાવ રહે છે, ગામની પરંપરાઓ, ગામ તરફની ફરજોની યાદ આવશે જે દુ:ખ ઓછું કરવા, સુખ ઉપજે તેમ કરવા, કરૂણા, દયા, સ્નેહ, પ્રેમમાં પરિણમે છે અને માનવતા વિકસે છે. જૈન દર્શન વિશ્ર્વના જીવમાત્રના કલ્યાણ માટેની કામના સાકાર કરવાનો સંદેશ આપે છે.

સાધ્વીજી ભગવંત તત્વપ્રજ્ઞાશ્રીજી મહારાજે જણાવ્યું કે દેરાસરો મનને મંગલમય બનાવે છે, મનને દિવ્યતાનો અનુભવ કરાવે છે, મન રમણીય બને છે.

રાગ-દ્વેષ, વિષય-કષાયની ધૂળ ખંખેરાય, પ્રભુજીનો સ્પર્શ, વિશુધ્ધ ભાવે, એકચિત્ત થતાં દરેકને શાંતિ-સ્વસ્થતાનો અનુભવ કરાવે છે.

મુખ્ય ધ્વજાનો લાભ વાંકાનેર નિવાસી (હાલ વડોદરા) કિશોરભાઇ બાબુલાલ દોશી પરિવારે લીધો હતો. આ પ્રસંગે રાતડીયા નિવાસી દોશી કુટુંબના 70 મહેમાનો તથા સાધ્વીજી મહારાજ સાહેબના સાંસારીક સગા-વ્હાલાએ હાજરી આપી હતી. દેરાસરમાં હજારો દીપમાળાઓનો ઝગમગાટ, લાખો ફૂલોની મહેક, રંગમંડપમાં રંગોળી, જિનભક્તિની ભાવના તથા સંઘજમણ યોજાયા હતા.

સંઘના ટ્રસ્ટીઓ પ્રવિણભાઇ દોશી, સેક્રેટરી રાજુભાઇ મહેતા, ડો.અમીનેષ શેઠ, મહિલા મંડળના નિલાબહેન દોશી, જયશ્રીબહેન દોશી સહિત 600 જેટલા તપગચ્છ જૈન સંઘના શ્રાવક-શ્રાવિકાઓ બે દિવસના વાર્ષિક કાર્યક્રમોમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.