જૈન સંપ્રદાયના આચાર્ય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ વિહાર કરીને રાજકોટ ખાતે પધાર્યા છે. આ વિદ્વાન સાધુ સાથે ‘અબતકે’ મુલાકાત કરી તેમના વિચારો જાણ્યા હતા. જેનું સંકલન અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
ધર્મોનો પ્રભાવ છે એટલે વિકૃતિની અસર ઓછી વર્તાય છે
આચાર્ય હેમપ્રભસૂરિશ્ર્વરજી મહારાજને પૂછ્યું કે એક બાજુ ધર્મોનો પ્રભાવ વધી રહ્યો છે ને બીજી બાજુ પાપાચાર વધતો જાય છે આવું ઇમબેલેન્સ કેમ? તો તેમણે કહ્યું કે અત્યારે અવસરપીણી કાળ ચાલે છે એટલે કે વિકૃતિનો સમય છે. હજુ ભયંકર ખરાબ સમય આવશે. હાલ ધર્મોનો પ્રભાવ છે એટલે વિકૃતીની અસર ઓછી વર્તાય છે. જો ધર્મોનો વ્યાપ ન હોય તો અત્યારે અતિ ભયંકર કાળ ચાલતો હોત.
લોકકલ્યાણ ન કરીએ તો અમારે ભોગવવું પડે!
સાધુ-સંતો લોકોના દુ:ખ દૂર કરવા શુભાશિષ આપતા હોય છે પણ લોકોના દુ:ખ ટાળીને સાધુ-સંતોએ ભોગવવું પડતું હોય છે? એવું પૂછતાં આચાર્ય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું કે ના, અમે પરોપકાર માટે જ છીએ. અમારો ધર્મ લોકોનું શક્ય એટલું ભલું કરવાનો છે. જો અમે એમ ન કરીએ તો ભોગવવું પડે. અમે લોકોનું ખાઇએ છીએ એટલે લોકોનું કલ્યાણ થાય એવો પ્રયાસ અમારે કરવો જ પડે.
વિજ્ઞાનની સારી બાબતો સ્વીકારી ધર્મને માર્ગે ચાલીએ
આજે વિજ્ઞાનનું મહત્વ વધ્યું છે તો શું ધર્મને એકબાજુ મૂકી દેવાનો? એવો સવાલ કરતા આચાર્ય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે વિજ્ઞાન પણ ખૂબ જ જરૂરી છે. વિજ્ઞાનની સારી બાબતો અમારે સાધુઓએ પણ સ્વિકારવી રહી. બિમાર પડ્યે ત્યારે દવા લેવી પડે વિજ્ઞાન ત્યાં કામનું છે પણ ધર્મને જાળવી રાખવાનો છે. બંને સાથે કેમ ન રાખી શકાય?
અનિવાર્ય બાબતોમાં જૈન સાધુઓએ નિયમો બદલવા પડે
જૈન સાધુઓના કેટલાક આકરા નિયમો હોય છે, સમય સાથે તે બદલવા જરૂરી છે? એવા પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે આત્માને અસર ન કરે એવા નિયમોમાં ફેરફાર કરી શકાય. જેમ કે અમારે અત્યારે વિજળી, માઇક, કેમેરા વગેરેની જરૂર નથી તો અમે એના વગર ચલાવી લઇએ છીએ પણ જ્યારે અશક્ત હોઇએ ત્યારે ચાલવાને બદલે વ્હીલચેરનો ઉપયોગ કરીએ છીએ એટલે કે જે અનિવાર્ય છે તેમાં બાંધછોડ કરી શકાય બાકી નાની-મોટી બાબતોમાં અમે બાંધછોડ કરવાનું ઇચ્છતા નથી.
જૈન ધર્મ અતિ સૂક્ષ્મ જીવની અહિંસામાં માને છે
આચાર્ય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજના મતે બધા ધર્મો સમાન રીતે ચાલતા હોય છે પણ જૈન ધર્મ અહિંસા ભાવમાં સૌથી વધુ શ્રદ્વા રાખે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની હિંસા ન થાય એવો જૈન ધર્મનો સિદ્વાંત છે. જગતના બધા ધર્મો ગાય સહિતના જીવોની હિંસા ન કરવા સૂચવે છે પણ જૈન ધર્મ જીવ માત્રની હિંસા ન કરવા કહે છે એટલે જૈન ધર્મ જગતનો એકમાત્ર ધર્મ છે જે અતિ સૂક્ષ્મ જીવની અહિંસામાં માને છે.
માતા-પિતાએ સંતાનોને ધર્મ અને સાધુઓના સંસર્ગમાં રાખવા જરૂરી
યુવાનો બગડ્યા છે એવી ફરિયાદ થઇ રહી છે આ માટે જવાબદાર કોણ? એવું પૂછતા તેમણે કહ્યું કે સૌથી પહેલી જવાબદારી મા-બાપની છે. માતા-પિતાએ પોતાના બાળકોને સુસંસ્કારી કરવા ધર્મ અને સાધુઓના સંપર્કમાં રાખવા જોઇએ. જો માતા-પિતા આવું કરશે તો તેમના સંતાનો ક્યારેય બગડશે નહિં. લંડનનો એક ચાર વર્ષનો છોકરો પોતાના માતા-પિતાના કહેતાથી ધર્મ અને સાધુઓના રંગે રંગાયો છે એ અમારી નજર સામેનો દાખલો છે. બાળકોને ખીજાઇને નહિં પણ પ્રેમથી સમજાવવા જોઇએ તો જ તેઓ મોટા થઇને સન્માર્ગે ચાલશે. મૈત્રી, પ્રમોદ, સંવેદના અને કોઇનો તિરસ્કાર ન કરવો એવા ગુણ બાળકોમાં ખિલવવાથી તેઓ મોટા થઇને બગડશે નહિં.
બાલ્યાવસ્થાના સંસ્કાર લાંબો સમય ટકતા હોય છે માટે બાલદીક્ષા આપવામાં કશું ખોટું નથી
બાલદીક્ષા બાબતે ઘણો ઉહાપો થયો છે, આપ શું માનો છો? એવા સવાલના ઉત્તરમાં આચાર્યજીએ જણાવ્યું કે બાલ્યવસ્થામાં જે સંસ્કાર તમારા મન પર પડે તે લાંબો સમય ટકતા હોય છે એટલે કે 7-8 વર્ષની ઉંમરે જો બાળક દીક્ષા લે તો તેના પર ધર્મનો ખૂબ પ્રભાવ પડતો હોય છે. ઘણા આચાર્ય ભગવંતોની દીક્ષા બાલ્યાવસ્થામાં થઇ હોય એવા દાખલા નજર સામે છે. સમાજ માટે આપનો સંદેશો શું છે? એવું કહેતા આચાર્ય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે દરેક જીવ પ્રત્યે પ્રેમ અને કરૂણા રાખો. હમેંશા પોઝીટીવ વિચાર રાખો, પરોપકાર કરો અને સારો સમય આવી રહ્યો છે એવું વિચારો તો આગામી સમય ગમે એવો કપરો હોય તો પણ સમાજ માટે સારો સાબિત થશે.