જેતપૂરના નાજાવાડા પરા વિસ્તારમાં બે વર્ષ પુર્વે આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી જે કેસ જેતપૂરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને હત્યાના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા રૂ.૫ હજાર દંડ ભરવા આદેશ કર્યો છે.
આ કેસની વિગતો મુજબ જેતપનૂરના નાજાવાડા વિસ્તારમાં ગત તા. ૪-૯-૧૬ના રોજ આધેડ બહાદૂરભાઈ નાથાભાઈ ભડેલીયાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી આ બનાવ અંગે મૃતકના ભત્રીજા સંજય ભુપતભાઈ ભડેલીયા ફરિયાદ પરથી મિતેશ રામજી સરવૈયા નામના શખ્સ સામે ગુનો નોંધાયો હતો.
પોલીસની તપાસ દરમિયાન બહાદૂરભાઈ રખડતું ભટકતું જીવન પસાર કરતા હોય અને નાજાવાડા પરા વિસ્તારમાં રહેતા મિતેષ ઉર્ફે મિતિયો રામજીભાઈ સરવૈયા નામના શખ્સ સાથે તેમને મિત્રતા હોય બનાવના દિવસે બંને વચ્ચે દારૂ પીવા બાબતે બોલાચાલી થયા બાદ મિતેષ ઉર્ફે મિતુએ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું ખૂલ્યું હતુ જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતુ.
આ કેસ જેતપૂરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષ દ્વારા પોતાનો કેસ સાબીત કરવા માટે ૧૯ સાહેદોની જુબાની લેવામાં આવી હતી તેમજ ૩૧ જેટલા દસ્તાવેજી પૂરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા બંને પક્ષોની દલીલો તેમજ રેકર્ડપર રજૂ થયેલા પૂરાવાઓને ધ્યાને લઈ એડી. સેશન્સ જજ જે.એમ. ઠકકરે આરોપી મિતેષ રામજીભાઈ સરવૈયાને હત્યાની કલમ ૩૦૨ હેઠળ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા રૂ.૫ હજાર દંડ ભરવા આદેશ કર્યો છે. અને દંડનીઆ રકમ ભરવામાં કસુર ઠરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. કે.એ.પંડયાએ દલીલો કરી હતી.