જયદેવને કવિ કલાપીના લાઠી અને તેમના પત્ની રમાબા તથા પ્રેમીકા શોભનાના વતન રોહા કચ્છ બન્ને જોવાનો મોકો મળેલો !
લાઠી નગરની વાત આવે એટલે લગભગ તમામને ત્રણ મહાનહસ્તીઓની યાદ અવશ્ય આવે. સૌ પ્રથમ લાઠીના રાજવી, સાહિત્યકાર અને પ્રેમીકવિ એવા કલાપી કે જેમનું પૂરૂ નામ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હતુ. બીજા યાદ આવે ઐતિહાસીક યુવરાજ હમીરજી ગોહિલ કે જેઓ વિદેશી યવનોનાં સોમનાથ મહાદેવ મંદિર ઉપરના આક્રમણ સમયે સોમનાથ મંદિરની સખાતે ગયેલા અને મંદિરના રક્ષણ માટે ધર્મયુધ્ધ લડતા લડતા ધર્મ અને સંસ્કૃતિ કાજે શહીદ થઈ ગયા હતા. હાલમાં પણ વેરાવળ પ્રભાસ પાટણમાં સોમનાથ મહાદેવ મંદિરનાં પટાંગણમાં આ લાઠી યુવરાજ હમીરજી ગોહિલનીપ્રતિમા તેમની શહાદતની યાદમાં મુકવામાં આવેલ છે. ત્રિજી હસ્તી એટલે દેદો.
સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં નાની નાની બાળાઓ માટે મોળાકત કે ગૌરીવ્રતના તહેવારો આવે છે.જેમાં નાની ક્ધયાઓ અલગ અલગ વર્ષે વ્રતના દિવસો દરમ્યાન મીઠા વગરનું મોળુ, તીખાશ વગરનું, ગળપણ વગરનું વિગેરે જમવાનું હોય છે. અને વ્રતના દિવસો દરમ્યાન કન્યા ઓ ગૌરી પૂજન (પાર્વતી) કરે છે. અને રાત્રીનાં અમુક પ્રહર સુધી જાગરણ કરે છે. અને સાંજના સમયે ગામના પાદરમાં કન્યા ઓ એકઠી થઈ પ્રતિકાત્મક રીતે દેદાનું મરણ થયું હોય તેમ તેની યાદમાં દેદાને કુટે છે. એટલે કે કૃત્રિમ વલોપાત કરે છે. આ દેદો કુંવારી કન્યા ઓની સખાતે લાઠીના ચોકમાં શહાદતને વરેલો. આ રીતે શ્રાવણ મહિનામાં દિકરીઓ બચપણથી જ વ્રતની સાથે જ કૌટુંબીક વ્યવહારીકતા અને સંસ્કારીતાના રમતા-રમતા આનંદથી જ ભણે છે.
ફોગદાર જયદેવે ઘણા કવિઓ અને લેખકોને વાંચેલા પરંતુ ખાસ કવિ કલાપી પ્રત્યે અતિશય અનુરાગ હોવાનું કારણ એ હતુ કે કવિ કલાપીની કવિતાઓ વાસ્તવીક પ્રેમ, કરૂણા અને દયાથી ભરપૂર ઉપરાંત ગુઢ તત્ત્વજ્ઞાનનું પણ તેમાં નીરૂપણ જણાય આવે છે જે યાદ આવતા આજે પણ આંતરીક લાગણીઓના તાર ને ઝણ ઝણાવી મૂકે તેવી છે. આ કવિતાનો અનુભવ જાણે વાચકનો પોતાનો જ હોય તેવી અનુભૂતી થવા લાગે છે.
કવિ કલાપીની ભણવામાં આવતી કવિતાઓ પૈકીની યાદી રૂપે મનમાં રહી ગયેલા અમુક અંશો હજુ પણ આ પ્રમાણે મનમાં સંગ્રહાયેલા પડયા છે.
(૧) જયાં જયાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની (આપની યાદી)
(૨) તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો લાગ્યો તેને અરર… પણ ફાળ હૈયે પડી..
(૩) રસહીન થઈ ધરા, દયાહિન થયો નૃપ, નહિતો આવું ન બને (ગ્રામ્ય માતા)
ભાગ્યે જ કોઈ એવા ગુજરાતી હશે કે જેણે કવિ કલાપીને વાંચીને માણ્યા નહોય. કરૂણામય પ્રેમી કવિ કલાપી તેમની કવિતાઓમાં રજૂ થયેલ લાગણીઓ અનુસાર જ જીવનમાં વિરહ વેદનામાં ફકત ૩૨ વર્ષની નાની ઉંમરે મૃત્યુ પામ્યા. પરંતુ સાહિત્ય જગતમાં હજુ પણ કલાપી રચિત ‘કેકારવ’ (મોરનો ટહુકાર)ના હજુ પણ પડઘા ગુંજે છે. જે આદ્વિતિય અને અદભૂત છે.
ઉપર જણાવેલ પ્રથમ બે પ્રેમસભર પંકિતઓ વિશે હાલની અતિશય હોંશિયાર અને ટીવી, ફિલ્મ, ફેસબુક અને ઈન્ટરનેટ યુકત યુવાન પેઢીને વધુ શું સમજાવવાનું હોય ? તેઓ જાણતા જ હોય. આ પ્રમાણે કવિ કલાપીએ લખેલ ‘કાશ્મિર પ્રવાસ’નાં પણ અદભૂત સૌદર્યને તેમની આંતરીક લાગણીઓ સાથે મેળવીને સુંદર કાશ્મીરનું વર્ણન કરેલ છે.
જયારે ત્રીજી પંક્તિ કવિ કલાપીની કવિતા ‘ગ્રામ્ય માતા’ની છે જે કવિતાનો ભાવાર્થ એવો છે કે જનતા અને રૈયત સાથે રાજા (શાસક)નો માનસીક અને વ્યવહારીક ભાવ અને વર્તન પણ સૌહાર્દ પૂર્વકના કોમળ હોવા જોઈએ. જનતાને શાસકે ફકત કરદાતા તરીકે નહિ જોતા પોતાના સંતાન કે બાળકોની દ્રષ્ટીએ જોવી જોઈએ. હાલમાં શાસકોની વૃત્તિ કેવી છે? શાસકોની વૃત્તિ હાલમાં તો ગ્લોબલ કંપનીના મેનેજમેન્ટ જેવી છે જે મહેનતકશ સફળ જનતા (કર્મચારી સહિત)ને ચુસી લેવાની જણાય છે તે ન હોવી જોઈએ.
ફોજદાર જયદેવને ગુજરાત રાજયના જુદા જુદા વિસ્તારોમાં નોકરી દરમ્યાન જે જુદો જુદો અનુભવ થયેલો તેમાં જે તે જગ્યાની જનતાની સંસ્કારીતા વર્તન વ્યવહાર તે વિસ્તારના જૂના રજવાડી શાસકો જેવો જણાયેલા, અમુક જુના રજવાડાઓનો વ્યવહાર જેતે વખતે Give & Take (more orcess)હતો તો તે વિસ્તારની જનતાનું હાલનું માનસ પણ તેવું જ ‘Give & Take’નું જરૂરીયાત મુજબનું જણાયેલ જયારે ભાવનગર, લાઠી વિગેરે રજવાડાઓ જનતાને સંપૂર્ણ સમર્પિત હતા તો ત્યાંની જનતા પણ વ્યવહારમાં અરસ પરસ એક બીજાને સમર્પિત હતી એટલે કે પેલી ઉકતી ‘યથા રાજા તથા પ્રજા’ સાર્થક જણાઈ હતી.
જયદેવને લાઠીની જનતા પણ અતિભાવુક અને લાગણી સભર જણાયેલ કેમકે તેને એવો અનુભવ થયેલો કે જાણે લાઠી પોતાના વતનનું જ ગામ હોય.
આ અગાઉ જયદેવ બાબરા, દામનગર પોલીસ સ્ટેશનોમાં હતો ત્યારે અવાર નવાર લાઠી આવવાનું થતું પરંતુ લાઠી નો સાચો વિગતે પરિચય તો અહી નિમણુંક થયા પછી જ થયો. કલાપીની પેલી કવિતા ‘જયાં જયાં નજર મારી ફરે, યાદી ભરી ત્યાં આપની’ તે રીતે જયદેવને તો લાઠીમાં દરેક જગ્યાએ કલાપીની જ યાદીઓ જણાતી હતી. એજ કલાપી હાઈસ્કુલ કલાપી સીનેમા, પોલીસ સ્ટેશન સામે જુનો બંધ હાલતમાં બંગલો, અને બજારમાં આવેલ જૂના મહેલમાં તો મામલતદાર કચેરી જ બેસતી. હાલમાં ગામની મધ્યમાં આવી ગયેલો ચાવંડ દરવાજો પણ કલાપીની જ યાદ આપતો ઐતિહાસીક રીતે લાઠી નગર એ પહેલાના વખતમાં સેતા મુસ્લિમો શાસીત રાજય હતુ પરંતુ રાજસ્થાનમાંથી ગોહિલ ક્ષત્રીયો ના આગમન બાદ એક ગોહિલોના જુથે આ લાઠી સેતા શાસન ઉપર આક્રમક કરી સેતા શાસકને હરાવીને પોતાની ગાદી સ્થાપેલી. આ સેતા મુસ્લિમ શાસકોનાં વંશજો હાલમાં પણ લાઠીમાં સેતાપાટીમાં રહે છે.
લાઠીના પીઢ, જ્ઞાનિ અને જૈન શ્રેષ્ઠી એવા અંતુભાઈ ભાયાણીએ એક વખત ચર્ચામાં જણાવેલું કે આ સેતા શાસન વખતનું રાજય આસન જે આરસનું છે. તે હાલમાં પણ મામલતદાર કચેરીમાં સચવાઈને પડયું છે. આથી જયદેવે મામલતદાર કચેરીમાં જઈ ખાસ સ્ટોર રૂમ ખોલાવીને આ આસન જોયેલું જે આસન ખુરશી જેવું પણ આરસ ઉપર વેલ પાંદડા અને ફૂલની ડીઝાઈન વાળુ હતુ.
જયદેવની લાઠી થાણામાંથી બદલી થયા બાદ આ સેતા આસનની મામલતદાર કચેરીમાંથી ચોરી થયેલ હતી. અને લાઠી થાણામાં ગુન્હો પણ નોંધાયો હતો પણ આ આસન પાછુ નદીમાં બીનવારસી પડેલુ મળી આવ્યાના સમાચાર છાપાઓમાં તેણે વાંચેલા
લાઠીથી બદલી થયા બાદ દસેક વર્ષ પછી જયદેવ કચ્છમાં પી.આઈ. તરીકે હતો ત્યારે નલીયા કોઠારા જતા રસ્તામાં પહાડની ઉપર આવેલ રોહાનો કીલ્લો કે જે કવિ કલાપીનું સસુરાલ હતુ તે જોવાનો ખાસ કાર્યક્રમ રાખેલો. આ રોહા (કોટડા) કલાપીનું સાસરૂ એટલે કે તેમના ધર્મપત્ની રાણી રમાબાનું પિયર અને કલાપીની પ્રિયતમા એવી વડારણ શોભનાનું પણ જન્મ સ્થાન હતુ. રમાબા રોહા રાજયના રાજકુંવરી હતા અને રોહા રાજય દ્વારા રમાબાને દહેજ સાથે આ વડારણ છોકરી શોભનાને પણ લાઠી મોકલેલી આઝાદી પછી ના પરિવર્તનમાં રોહા ગામ પહાડના કિલ્લા ઉપરથી તળેટીમાં વસી ગયેલુ અને પહાડ ઉપર કિલ્લો અને મકાનો ખાલી હતા પરંતુ કચ્છના વિનાશક ભૂકંપમાં ફકત એક મંદિર જ સલામત રહ્યું બાકી બધી ઈમારતોને હડપ્પન સંસ્કૃતિના મોહે જો દડો અને ધોળા વિરાના અવશેષો જેવી કરી નાખેલી છે. પરંતુ કલાપી પ્રત્યેની લાગણીને કારણે જયદેવે આ કિલ્લાની જાણકાર હસ્તી સાથે પહાડ ઉપર આવેલ રાજમહેલ, કોર્ટ, કચેરીઓ, જેલ, જનતાને રહેવાની કોલોનીઓ જોઈ.
પૌરાણીક બાંધણીના રાજમહેલમાં ખાસ રાજાના અંગત ઓરડાઓ, રાણીવાસ, રાણીવાસમાંથી સલામત બહાર નીકળવાના પેસેજ, અને કવિ કલાપી જયારે આ મહેલના મહેમાન અને જમાઈ તરીકે આવતા ત્યારે જે ઓરડામાં ઉતરતા અને જાણકારના કહેવા મુજબ અમુક કાવ્ય કૃતિઓ અહી પણ રચાયેલી તે ઓરડો ખાસ જોયો આ ઓરડો પહાડ ઉપરના મહેલમા ઉતર દિશામાં પડતી બારીઓ વાળો હતો. પરંતુ તે ઓરડામાં જવાનો માર્ગ ખંડેરોમાં અતિવિકટ, પુષ્કળ ચામાચીડીયા અને તેની હંગારની દુર્ગંધ છતા એ ઓરડામાં જયદેવે પ્રવેશ કર્યો જ. ઓરડાની બારીઓ જે ઉત્તર દિશામાં હતી તે કલાત્મક જરૂખા વાળી અને બારીમાંથી કલાત્મક કચ્છના કુદરતી સૌદર્યના દ્રશ્યો દેખાતા હતા જે જોઈને લાગ્યું કે ખરેખર આ જગ્યા અને દ્રશ્યો જોઈને કવિ કલાપી જેવા કલાકાર આત્માને કવિતાઓ ના સર્જનની ઉર્મીઓ ઉઠે જ !
ભૌગોલીક રીતે લાઠી પોલીસ સ્ટેશનની ઉત્તરે ગઢડા (સ્વામીના) પૂર્વે દામનગર, દક્ષિણે લીલીયા અને અમરેલીતથા પશ્ચીમે બાબરા પોલીસ સ્ટેશનની હદ મળતી હતી.
લાઠીમાં ખેતીવાડીના વ્યવસાય પછી હીરા ઉદ્યોગનો સારો વિકાસ થયો છે.સુરતમાં સ્થાયી થયેલા લાઠી તાલુકા ઊદ્યોગપતિઓનો પોતાના વતન લાઠી પ્રત્યેના ખાસ પ્રેમ લાગણીને કારણે લાઠીની કાયાપલટ થઈ ગઈ છે. અને તેમના સહકારથી લાઠી ચાવંડ દરવાજા પાસે ‘કલાપી સંગ્રહ સ્થાન’ પણ બનાવ્યું છે.
આ કલાપી સંગ્રહ સ્થાન નિર્માણમાંમૂળ વિચાર અને વ્યવસ્થા ચાવંડ દરવાજે ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા સ્વ. ઘનશ્યામસિંહ રાણાનો છે આ જય સ્વામીનારાયણ ઘનશ્યામભાઈ અને જયદેવને ભાવનગર કોલેજ કાળથી પરિચય હતો અને તે પછી જસદણ બાબરા-દામનગરમાં પણ ફરજ દરમ્યાન મુલાકાત થતી રહેલી.
ઘનશ્યામભાઈ સ્વભાવ ધાર્મિક તો ખરો જ પરંતુ સાવ નિસ્પૃહિ અને સેવા ભાવી તેમને કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાજકીય કોમ કે ધર્મનો નહિ ચાવંડ દરવાજે આવેલી તેમની ટ્રાન્સપોર્ટ ઓફીસ એટલે જાણે ગામનો ચોરો, સંસદ સભ્ય, ધારાસભ્ય તાલુકા જીલ્લાનાં પદાધિકારીઓ અને તમામ ખાતાના સરકારી અધિકારીઓ કોઈ જાતના કે રાજકીય ભેદભાવ વગર અહી આવતા અને બેસતા પણ ખરા. આ ઓફીસમાં કોઈ ખુરશી નહી લોકશાહી ઢબે એક ટેબલ અને ત્રણ બાકડા, તમામ અધિકારીઓ અને જનતા તમામ સમાન રીતે ત્યાં ઉમંગ અને આનંદથી બેસતા, અને તમામની યથા યોગ્ય આગતા સ્વાગત થતી. ગામડાના લોકો પણ મદદ કે સલાહ સૂચન માટે ઘનશ્યામભાઈને મળતા ઘનશ્યામભાઈ કોઈ એક ચોકકસ રાજકીય વિચારધારાના ન હતા. તે તમામના હતા. અને તેમની વિચારધારા હતી જય સ્વામીનારાયણ
ગામના તમામ પ્રતિષ્ઠિ વ્યકિતઓ અહી બેસવા આવતા જેમાં ખાસ નગરશેઠ અંતુભાઈ ભાયાણી, વેપારીઓ શાર્દુલભાઈ આહિર,કિર્તિભાઈ પટેલ, ટ્રાવેલવાળા રામભાઈ રાઠોડ અને સેવાભાવી ડોકટર મુકેશભાઈ ત્રિવેદી કે જેઓ ટ્રસ્ટ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ૫૦૦ થી ૭૦૦ દર્દીઓ તપાસતા તેઓ પણ બેઠકનો લાભ આપતા આ સિવાય ઈંગોરાળા ગામના ઘનશ્યામભાઈ જાગાણી કે જેઓ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હતા તે સહિત ગામડાના લોકો પણ બેસતા જયદેવ ને પણ જયારે સમય મળતો ત્યારે આ ઓફીસે બેસવા જતો. આમ આ ટ્રાન્સપોર્ટ ઓફીસ એક પ્રકારનું લોકશાહિનું એક આદર્શન મંડળ કે એન.જી.ઓ સંસ્થા કે સતામંડળ કે જે ગણો તે હતુ અહીથી આ અવિધિસરના મંડળ દ્વારા ઉત્સવો અન તહેવારોની ઉજવણી રૂપે ખાસ જમણવારના કાર્યક્રમો પણ થતા ટુંકમાં એક બીજાને સહકાર, મદદ, માર્ગદર્શન આપી તમામે મોજ મજાથી સંકલનમાં રહેવું તેવી આબિન બંધારણીય સંસ્થા હતી.
લાઠી પોલીસ સ્ટેશનમાં ૪૫ (પિસ્તાલીસક) ગામો આવતા હતા. જેમાં એક ચાવંડ આઉટ પોસ્ટ, એક ગામડા બીટ અને એક લાઠી ટાઉન બીટ એમ વિભાગ પાડેલા હતા. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે મુખ્ય હાઈવે પસાર થતા હતા એ ભાવનગરથી રાજકોટ વાયા ચાવંડ બાબરા બીજો અમરેલીથી અમદાવાદ અને સુરત તરફનો વાયા ચાવંડ ઢસા જતો માર્ગ ચાવંડ આઉટ પોસ્ટમાં જમાદાર તરીકે વિરસીંગભાઈને જમાલભાઈ હતા લાઠી ટાઉનના જમાદાર તરીકે ભાલચંદ્રરાવ જોષી ઉર્ફે ભાલુદાદા અને ગ્રામ્ય વિસ્તારની બીટના જમાદાર મકવાણા હતા જયારે ઈન્ટેલીજન્સ બ્રાંચના જમાદાર સામતસિંહ સોલંકી હતા તેમના કાર્યક્ષેત્રમાં લાઠી ઉપરાંત લીલીયા અને દામનગર પોલીસ સ્ટેશનો પણ આવતા અને તેમનું હેડકવાર્ટર લાઠી હતુ. આ ચારેય જમાદારો ચાવંડ, ટાઉન, ગ્રામ્ય અને આઈ.બી. વચ્ચે તાલમેલ ઘણો સારો હતો.
જયારે કર્મચારીઓમાં તાલમેલ સારો હોય અને જનતાના આવા લાઠીના વણઘોષિત મંડળના આગેવાનો સાથે તેમનો પણ તાલમેલ સારો હોય તો જનતાને તો મજા આવે પરંતુ કામ કરનાર કર્મચારીઓ અને અધિકારીઓને પણ ખૂબ મજા આવે છે. આથી તમામના દરેક કાર્યો સુગમ અને સરળ થઈ જાય છે. લોકશાહિનોમૂળ ઉદેશ કાંઈક આવો હોવો જોઈએ તેમ જયદેવને લાગતુ.
જયદેવ અગાઉ તેના અજમાયશી સમય દરમ્યાન કિશાન આંદોલન બંદોબસ્તમાં ધોરાજીથી લાઠી ચાવંડ આવેલો ત્યારે માણસોથી વાતો સાંભળેલી કે ચારેક વર્ષ પહેલા લાઠી તાલુકા પંચાયતની ચૂંટણીમાં આધુનિક રાજકારણના વાયરસનો ચેપ લાગી ગયેલો.
તે સમયે તાલુકા પંચાયત ચૂંટણીની મતગણતરી લાઠીની કલાપી હાઈસ્કુલમાં બીજા માળે ચાલી રહી હતી તે મતગણતરી રૂમમાં તાલુકા પંચાયત પ્રમુખના બંને હરીફ પણ સંભવીત ઉમેદવારો પણ હતા. પોલીસ મતગણતરી રૂમની બહાર રક્ષા કરતી હતી પરિણામમાં બે હરીફો પૈકી એક ઉમેદવારનો મતગણતરીમાં જ પરાજય થતા હારેલા ઉમેદવારે વિજય થયેલા બીજા સંભવિત ઉમેદવારની સાથે એક હાથે વિજયના અભિનંદન આપવા હાથ મીલાવ્યા અને બીજા હાથ વડે હરીફને પેટમાં છરો પરોવી દીધો, વિજયી થયેલા ઉમેદવારનું ત્યાંજ મૃત્યુ થયું આરોપી બીજા માળે બારીમાંથી ઠેકડો મારીને નાસી ગયેલો પોલીસ બહાર રક્ષણ કરતી રહેલી.પરંતુ જયદેવે જોયું કે હાલમાં લાઠી તાલુકામાં સંપ અને સંગઠન સારૂ હતુ.