પાંચ જજની બંધારણીય ખંડપીઠ કરશે સુનાવણી
આવતીકાલ તા.૧૦ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરને લઈ સુનાવણી હાથ ધરવામાં આવશે. જેના માટે પાંચ જજોની ખંડપીઠ પણ નકકી કરવામાં આવી છે જેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટીસ રંજન ગોગોઈ રહેશે. તેમની સાથે અન્ય ચાર જજો જેમાં જસ્ટીસ એસ.એ.બોબડે, જસ્ટીસ એન.વી.રમન્ના, જસ્ટીસ યુ.યુ.લલીત અને જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ જોડાશે. વાત કરવામાં આવે તો રામ મંદિર મુદ્દે સુનાવણી વહેલાસર ચાલુ કરવા અને તેનો યોગ્ય ઉકેલ લાવવા તમામ મુદ્દાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે સુપ્રીમ કોર્ટે ૬ જાન્યુઆરીના રોજ આ મુદ્દા ઉપર સુનાવણી કરતા એક બેંચનું ગઠન કરવાની વાત કરી હતી. જે બેંચ આવતીકાલે રામ મંદિરને લઈ સુનાવણી હાથ ધરશે.
રામ જન્મભૂમિ, બાબરી મસ્જિદ વિવાદમાં હિન્દુ મહાસભાઓ ત્વરીત સુનાવણી કરવાની યાચીકાને સુપ્રીમ કોર્ટે ઠુકરાવી દીધી હતી. આ મુદ્દે સુપ્રીમ દ્વારા પહેલા જ આ યાચીકાને ખારીજ કરવામાં આવી હતી. ત્યારે અખીલ ભારતીય હિન્દુ મહાસભાના વકીલ વરૂણ સિન્હાએ અપીલ દાખલ કરી હતી. જેમાં ચિફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજય કિશન કોલની ખંડપીઠે તેમની અપીલને ઉચ્ચસ્તરીય પીઠને સોંપી દીધી હતી.
ત્યારે અખીલ ભારતીય હિન્દુ મહાસભા તરફથી વરૂણ કુમારે આ મામલે વહેલાસર સુનાવણી કરવાનો અનુરોધ જે કર્યો હતો તેને સુપ્રીમ કોર્ટે નકારી કાઢતા જણાવ્યું હતું કે, રામ મંદિર સુનાવણી મુદ્દે પહેલેથી જ આદેશ આપી દેવામાં આવ્યો છે જેની સુનાવણી જાન્યુઆરી માસમાં થશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદને લઈ સુનાવણીની તારીખ જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં આપી હતી.
ત્યારે સુનાવણી દરમિયાન ચિફ જસ્ટીસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, આ મુદ્દાની તપાસ ઉચ્ચસ્તરીય ખંડપીઠ દ્વારા કરવામાં આવશે અને તેઓએ પક્ષકારોની માંગને પણ આ મુદ્દે નકારી કાઢી હતી. ત્યારે સરકાર તરફથી વકીલ રહેલા તુષાર મહેતાએ પણ સુપ્રીમ કોર્ટને આ બાબતે પુછતા કહ્યું હતું કે, રામ જન્મભૂમિ માટેની સુનાવણી જાન્યુઆરી માસમાં કઈ તારીખમાં કરવામાં આવશે જેના પ્રત્યુત્તરમાં સુપ્રીમના જજે જણાવતા કહ્યું હતું કે, સુનાવણીની તારીખ અને સુનાવણી તેમની અધ્યક્ષતામાં યોજાશે તે કોર્ટની ઉચ્ચસ્તરીય ખંડપીઠ નકકી કરશે. આવતીકાલે જયારે રામ જન્મભૂમિ અને બાબરી વિવાદને લઈ સુનાવણી હાથ ધરાશે ત્યારે જોવાનું એ રહ્યું કે, નિર્ણય શું આવે છે.