- લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગૂ પડે તે પૂર્વે 113 દરખાસ્તો પૈકી 112 દરખાસ્તોને અપાઇ મંજૂરીની મહોર
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અનેક પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરાવાની વિચારણાં
- તમામ વોર્ડમાં વિકાસકામો માટે માતબર રકમ મંજૂર કરતા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર
Rajkot News
માર્ચ માસમાં ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગૂ પડી જશે. આચાર સંહિતામાં રાજકોટના વિકાસકામો અટકે નહિં તે માટે રાજકોટ કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા આજે રેકોર્ડબ્રેક 551 કરોડના કામોને બહાલી આપવામાં આવી હતી. કોર્પોરેશનના 51 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સેન્ટ્રલ ઝોન કચેરીની બહાર અર્થાત્ “રામવન” ખાતે મળી હતી. જેમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવેલી 113 દરખાસ્તો પૈકી 112 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. જ્યારે નાના મવા સર્કલ પાસે જમીન હરાજી રદ્ કરવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. આચાર સંહિતા પૂર્વે હજુ એક વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે.
સ્ટેન્ડિંગ કમિટીના યુવા ચેરમેન જયમીન ઠાકરે એક નવી પ્રણાલી શરૂ કરી છે. અત્યાર સુધી કોર્પોરેશન 51 વર્ષના ઇતિહાસમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માત્ર સેન્ટ્રલ ઝોન કચેરી મળતી હતી. આજે પ્રથમવાર ખડી સમિતિની બેઠક ‘રામવન’ ખાતે બોલાવવામાં આવી હતી. જેમાં ભાગ લેવા માટે મેયર, શહેર ભાજપ પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો અને કર્મચારીઓ ઇલેક્ટ્રીક બસમાં ગયા હતા. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કુલ 113 દરખાસ્ત મંજૂરી અર્થે મુકવામાં આવી હતી. જેમાં 112 દરખાસ્તોને બહાલી આપી રેકોર્ડબ્રેક રૂ.551 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. અત્યાર સુધી એક જ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આટલી મોટી માત્રામાં વિકાસ કામો માટેનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો નથી. તેવું ચેરમેન અને સેક્રેટરીએ જણાવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે અમૃત યોજના-0.2 અંતર્ગત વોર્ડ નં.11માં કોર્પોરેશનના વિસ્તારમાં હયાત સીવેજ પમ્પીંગ સ્ટેશન મુંજકાને લાગૂ કાલાવડ રોડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન નાંખવા રૂ.10.78 કરોડ, વોટર વર્ક્સ શાખા હસ્તકના બેડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન અને મેઇન્ટેનન્સનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા રૂ.85.82 કરોડ, ન્યારી-1 ડેમ માટે ફ્લોટીંગ બાર્ઝ યુનિટ સબમશિબલ પંપ અને ઇલેક્ટ્રીક મિકેનીકલ યુનિટના કામ માટે રૂ.90.38 લાખ, આજી ડેમ પાસે ખૂલ્લી જગ્યામાં મિયાવાંકી થીમથી વૃક્ષારોપણની કામગીરી કરવા માટે રૂ.93 લાખ, વોર્ડ નં.11 પાર્ટ અને 12 પાર્ટમાં અમૃત-0.2 અંતર્ગત ડ્રેનેજ પાઇપલાઇન નેટવર્ક અને હાઉસ કનેક્શન ચેમ્બર બનાવવાના કામ માટે રૂ.25.82 કરોડ, વોર્ડ નં.12માં અમૃત મિશન અંતર્ગત મવડી પાર્ટ તથા લાગૂ વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇન ડિસ્ટ્રીબ્યૂશન કામ માટે રૂ.24.24 કરોડ, વોર્ડ નં.9માં ટીપીના રસ્તા પર ડામર કરવા રૂ.5.89 કરોડ, વોર્ડ નં.10માં આત્મીય કોલેજથી એ.જી.ચોક સુધી ડામર કામ માટે રૂ.2.37 કરોડ, વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન કોર્ટમાં વુડન ફ્લોરીંગ કરવાના કામ માટે રૂ.51.21 લાખ, જ્યુબેલી ગાર્ડનમાં આવેલા અરવિંદભાઇ મણીયાર હોલના રિનોવેશન કામ માટે રૂ.4.17 કરોડ, વોર્ડ નં.3માં રેલનગરમાં ડામર કામ માટે રૂ.6.14 કરોડ, વોર્ડ નં.11માં ટીપીના અલગ-અલગ રસ્તાઓ પર ડામર કામ માટે રૂ.7.88 કરોડ, કોઠારિયામાં નવું સ્મશાન બનાવવા રૂ.5.24 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વોટર વર્ક્સ શાખાને લગત કામગીરી માટે પાઇપલાઇન ખરીદવા માટે રૂ.75.34 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. રસ્તાકામ માટે રૂ.87.91 કરોડ, ડ્રેનેજ કામ માટે રૂ.67.57 કરોડ, પેવિંગ બ્લોક માટે રૂ.2.64 કરોડ, ડીઆઇ પાઇપલાઇન માટે રૂ.24.24 કરોડ, વોટર વર્ક્સના કામો અને પાઇપલાઇન ખરીદી માટે રૂ.300 કરોડ, પમ્પીંગ સ્ટેશન માટે રૂ.3.56 કરોડ, ડ્રેનેજના કામો માટે રૂ.20.66 કરોડ, ગટર પાઇપલાઇન માટે રૂ.12.79 કરોડનો ખર્ચ મંજૂરી કરાયો હતો. આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રેકોર્ડબ્રેક રૂ.551 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી છે.
અરે વાહ…પદાધિકારીઓ ઇલેક્ટ્રીક બસમાં “રામવન” ગયાં
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દર વખતે સામાન્ય રીતે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલ સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ હોલ ખાતે રાખવામાં આવે છે.પરંતુ પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગ આજી ડેમ પાસે આવેલ સંપૂર્ણ કુદરતી અને નયનગમ્ય વાતાવરણ ધરાવતા અર્બન ફોરેસ્ટ “રામવન” ખાતે રાખવામાં આવી હતી. આ મિટીંગમાં ભાગ લેવા માટે સૌ પ્રથમ પદાધિકારીઓ, કોર્પોરેટરો અને અધિકારી-કર્મચારીઓ ઇલેક્ટ્રિક બસ મારફત અર્બન ફોરેસ્ટ રામવન ખાતે ગયા હતા.
સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગમાં ભાગ લેવા માટે, સંકલન મિટીંગમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો, કોર્પોરેટરો બસ મારફત આજ સવારે અર્બન ફોરેસ્ટ રામવન ખાતે જવા માટે રવાના થયેલ હતા. અધિકારીઓ સિટી એન્જીનિયરો કુંતેશ મહેતા, જયેશ કુકડીયા, કિશોર દેથરીયા, પરેશ અઢિયા, આરોગ્ય અધિકારી જયેશ વંકાણી સહિતના અધિકારીઓ-કર્મચારીઓ અર્બન ફોરેસ્ટ રામવન ખાતે જવા માટે રવાના થયેલ હતા.સ્ટેન્ડિંગ કમિટી મિટીંગ અંતર્ગત અર્બન ફોરેસ્ટ રામવન ખાતે એક સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જેમાં, કુદરતી વાતાવરણમાં ટેબલ, ખુરશી, મંડપની બેરી કેટીંગ, ચા-નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. આમ, સ્ટેન્ડિંગ કમિટી મિટીંગ રાજકોટ મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલને બદલે આજી ડેમ પાસે આવેલ સંપૂર્ણ કુદરતી અને નયનગમ્ય વાતાવરણ ધરાવતા અર્બન ફોરેસ્ટ રામવન ખાતે રાખી એક નવતર અભિગમ કરવામાં આવ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ક્યાં કામ માટે કેટલો ખર્ચ મંજૂર કરાયો?
વિગત | રકમ |
રસ્તાકામ | 87,91,89,022/- |
ડ્રેનેજ | 67,57,20,029/- |
પેવીંગ બ્લોક | 2,64,25,685/- |
તબીબી આર્થિક સહાય | 16,82,757/- |
કાર્યક્રમ ખર્ચ | 7,78,050/- |
સી.સી. કામ | 22,01,869/- |
ડી.આઇ.પાઇપલાઇન | 24,24,65,108/- |
સ્ટોર્મ વોટર ડ્રેઇન | 21,18,218/- |
વાહન ખરીદી | 3,99,32,020/- |
વોટર વર્ક્સ/પાઇપલાઇન | 2,99,76,11,648/- |
સ્મશાન | 5,24,00,000/- |
નાણાકીય સહાય | 19,50,000/- |
કમ્પાઉન્ડ વોલ | 13,39,342/- |
ફાયર સ્ટેશન | 28,84,050/- |
ગાર્ડન | 93,00,000/- |
મેટલીંગ | 1,77,72,775/- |
પમ્પીંગ સ્ટેશન | 3,56,94,900/- |
પી.એમ.સ્વનીધિ | 90,000/- |
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ | 82,42,074/- |
ઝૂ | 40,32,500/- |
બિલ્ડીંગ કામ | 4,17,75,300/- |
રમત ગમત | 51,21,644/- |
નવી વોર્ડ ઓફિસ | 41,41,470/- |
લાઇટીંગ | 1,83,76,840/- |
સુએજ પમ્પીંગ સ્ટેશન | 8,02,92,044/- |
ડ્રેનેજ લાઇન | 20,66,05,410/- |
ગટર પાઇપ લાઇન | 12,79,17,500/- |
કેમિકલ ખરીદી | 1,34,14,408/- |
સ્લેબ કલ્વર્ટ | 32,67,172/- |
વોર્ડ ઓફીસ | 40,04,093/- |
બોક્સ કલ્વર્ટ | 30,72,389/- |