કેશોદ શહેરમાં વાસાવાડી પ્લોટમાં આવેલાં રામદેવપીરનાં મંદિરનાં પટાંગણમાં ૪૮મો ભવ્ય લોકમેળો અને મંડપ યોજાયો હતો. ભાદરવા સુદ અગિયારસનાં દિવસે દર વર્ષે રામદેવપીરનો મંડપ યોજાતો હોય છે. ભાવિકો ભક્તો કાગડોળે રાહ જોતાં હોય છે. કેશોદના વાસાવાડી પ્લોટમાં યોજાયેલા લોકમેળામાં નાનાં નાનાં બાળકોને માટે રમકડાં, ખાણીપીણી નાં સ્ટોલ ઉપરાંત સામાન્ય ઘરવપરાશ ની વસ્તુઓનાં સ્ટોલ પર ભીડ જોવા મળી હતી.
શ્રી રામદેવપીરનાં મંડપ પ્રસંગે ભાવિકો ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેશોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.
કેશોદનું પ્રસિદ્ધ રાધે ક્રિષ્ના કિર્તન મંડળ દ્વારા કાનગોપીનો કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને મહેમાનોએ ઉદારતાથી રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.
વહેલી સવારે શુભ મુહૂર્તમાં મંડપ ખડો કરવામાં આવતો હોય વહેલી સવારથી ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં . કેશોદના વાસાવાડી પ્લોટમાં રામદેવ પીરનો મંડપ ખડો કરવામાં આવતાં જ ભાવિકો ભક્તો અબીલ ગુલાલ ની છોળો વચ્ચે ઝુમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી ની રાહબરી હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.