મંદિર બનાવવા માટે દુબઇ સરકારે આપી મંજુરી: એક પણ રૂપિયાના ફંડ ફાળા વિના ભાવિકો દ્વારા કરાશે જલારામ ધામનું નિર્માણ

જલારામ બાપાના કરોડો ભકતો માટે ખુબ જ આનંદના સમાચાર છે. દુબઇમાં જલારામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંદિર બનાવવા માટે દુબઇ સરકાર દ્વારા પ્રાથમિક મંજુરી આપી દેવામાં આવી છે. એક પણ રૂપિયાનો ફંડફાળો લીધા વિના દુબઇમાં જલારામ ધામનું નિર્માણ કરવામાં આવશે. ભારતથી દુબઇ જતા ભાવિકોને હવે જલારામ બાપાના દર્શનનો અલૌલિક લ્હાવો મળશે.

વિરપુરમાં સંત શિરોમણી જલારામબાપાનું મંદિર વિશ્ર્વ વિખ્યાત છે. અહી છેલ્લા ર00 વર્ષથી સદાવત ચાલી રહ્યું છે. છેલ્લા એકવીસ વર્ષથી એકપણ રૂપિયાનો ફંડફાળો લેવામાં આવતો નથી. ભુખ્યાને ભોજન કરાવવાની પરંપરા બે સેકડાથી ચાલી રહી છે. ભારત સહીત વિશ્ર્વભરના કરોડો ભાવિકો જલારામ બાપામાં અનન્ય શ્રઘ્ધા ધરાવે છે. ભારતમાં પણ ઘણી જગ્યાએ જલારામ બાપાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે ભારતથી દુર સાત સમુદ્ર પાર વિદેશમાં જય જલીયાણા કરો કલ્યાણના નાદ ગુંજશે. દુબઇમાં જલારામ મંદિર બનાવવા માટે દુબઇ સરકાર દ્વારા મંજુરી આપવામાં આવતા કરોડો ભાવિકોમાં હરખની હેલી વ્યાપી જવા પામી છે. એક પણ રૂપિયાના ફંડફાળા વિના દુબઇમાં જલારામ બાપાનું મંદિર બનાવવામાં આવશે હવે દુબઇ જતા ભાવિકોને પણ જલારામ બાપાના દર્શન અને પુજા અર્ચનાનો લાભ પ્રાપ્ત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અયોઘ્યામાં હાલ રામ મંદિરનું નિર્માણ કામ પુર જોશમાં ચાલી રહ્યું છે. રામ લલ્લાને બન્ને સમય રાજભોગનો થાળ વિરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.