બાઈક રેલીનું સામાજીક સંસ્થા, વિવિધ ગ્રુપો તેમજ
યજમાન પરિવાર દ્વારા સ્વાગત કરાયું
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં તારીખ 27 ડિસેમ્બર, 2022થી તા. 1 જાન્યુઆરી, 2023ના રોજ શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉપક્રમે શહેરમાં સાત સ્થળેથી આશરે 140 કિલોમીટર લાંબી નિમંત્રણ બાઈક રેલી યોજાઈ હતી. જેમાં નિમંત્રણ બાઈક રેલીના રૂટ ઉપર આવતા મંદિરો તેમજ જાહેરમાર્ગો ઉપર વિવિધ સ્થળોએ નિમંત્રણ રેલીનું ફુલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના નિમંત્રણ માટે શહેરના સાત સ્થળેથી એકી સાથે રાજમાર્ગો ઉપર બાઈક રેલી નીકળી હતી.
કથાના પ્રારંભ પૂર્વે મોરબી રોડ ઉપર આવેલી મધુવન સ્કુલ, કાલાવડ રોડ ઉપર આવેલી આત્મીય યુનિવર્સિટી, ગોંડલ રોડ ઉપર આવેલી પી.ડી.એમ. કોલેજ, રૈયા રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક, સોરઠીયા વાડી સર્કલ, પાળ ગામે આવેલી સર્વોદય સ્કુલ તેમજ રૈયા રોડ ઉપર આવેલી ન્યુ એરા સ્કુલ સહિતના સાત સ્થળોએથી સાંજે પાંચ કલાકે એકી સાથે હનુમાનજીના રથ સાથે રાજમાર્ગો ઉપર નિમંત્રણ રેલી નીકળી હતી. જે નિમંત્રણ રેલી સાંજે 7.30 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડમાં પૂર્ણ થઈ હતી. રેસકોર્સ ગ્રાઉન્ડમાં પૂર્ણાહૂતી પ્રસંગે વાતાવરણમાં દિવ્યતા પ્રસરી હતી. જય શ્રી રામ, જય બજરંગ બલીના ગગનભેદી નાદથી રેસકોર્સ ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું.
નિમંત્રણ રેલીમાં ડીજેના તાલ અને હનુમાનજીના રથ ઉપર પુષ્પવર્ષા કરી હતી. તેમજ શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના યજમાનોએ પણ બાઈક રેલીનું વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું.
આ બાઈક રેલીનું ઠેર ઠેર સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાશે. જેમાં હનુમાન મિત્ર મંડળ, બાલક હનુમાન મંદિર, રણછોડ મંદિર સહિતના વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા બાઈક અને નિમંત્રણ રેલીનું ફુલહાર દ્વારા સ્વાગત કરાયું હતું. બાઈક રેલીના રૂટમાં આવનારી તમામ સ્કુલો દ્વારા ફુલહાર કરાયું હતું.
200થી વધારે બાઈક, બુલેટ રેલીમાં જોડાયા
આ નિમંત્રણ રેલીમાં પ્રથમ ધર્મ ધ્વજ અને બીજા રથમાં રાષ્ટ્રધ્વજ રહેશે. દરેક સ્થળેથી 200થી વધારે બાઈક, બુલેટમાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યાં હતાં.તો તમામ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના શિક્ષકો અને સ્વયંસેવકો દ્વારા નિમંત્રણ રેલીના સ્વાગતમાં જોડાયા હતાં. રાજકોટ શહેરના રાજમાર્ગ ઉપર નીકળેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાની બાઈક રેલીમાં 1100 જેટલા ધર્મધ્વજ લહેરાયા હતાં. તેમજ રાજમાર્ગો ઉપર જય શ્રી રામ, જય બજરંગ બલીના નારા લાગ્યાં હતાં.
આપણો ધર્મ અને સંસ્કૃતિ ટકી રહે એ હેતુથી બાઈક રેલીનું આયોજન : રાણાભાઇ ગોજીયા
અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં રાણાભાઇ ગોજીયા (પુરૂષાર્થ સ્કુલ) જણાવે છે કે,હનુમાન ચાલીસા યુવા કથાના અનુસંધાને લોકોને, વાલીઓને એક સારો સંદેશો મળે એ માટે અને આપણો ધર્મ અને સંસ્કૃતિ ટકી રહે એ હેતુથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.આજરોજ રાજકોટના પાંચ ઝોનથી આ બાઈક રેલી નીકળવા જઈ રહી છે અને તે બધી રેલીની પૂર્ણાહુતિ સભા સ્થળે થવાની છે,બધા જોનથી આશરે 250 બાઈક આ રેલીમાં જોડાવાની છે. યુવા પેઢી ને આપણે સંસ્કૃતિ વિશે માહિતી મળે એ ખૂબ જરૂરી છે.આ રેલીમાં બધાને સારો ઉત્સાહ છે, અમારી સાથે અલગ અલગ સંસ્થાના આગેવાનો,કાર્યકર્તાઓ તેમજ વોર્ડના કોર્પોરેટરો પણ હાજર છે જે ઉત્સાહભેર આ રેલીમાં ભાગ લઈ રહ્યા છે.
હનુમાન ચાલીસા યુવા કથા યુવાનોને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ: રાજન મારુ
અબતક મીડિયા સાથે થયેલા સંવાદમાં ન્યુ એરા સ્કૂલના વિદ્યાર્થી મારુ રાજને જણાવ્યું હતું કે, હનુમાન ચાલીસા યુવા કથાનું રાજકોટમાં આયોજન થયું છે તે પ્રત્યે બધા યુવાઓ પ્રોત્સાહિત થાય અને સંસ્કૃતિ પ્રત્યે તેઓ ઉજાગર બને તે હેતુથી અમે આ કાર્યક્રમ યોજ્યો છે, જેમાં તમામ વિદ્યાર્થીઓ એ બાઈક રેલીનું આયોજન કર્યું હતું. આ અંતર્ગત બધા વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને રાજકોટના અલગ અલગ ઝોનમાંથી આશરે 1200 થી પણ વધુ યુવાનો આ બાઈક રેલીમાં જોડાયા હતા.