સદીઓથી ગુજરાત હતું સમૃધ્ધ કેમકે આપણને મળ્યા છે બધા જ કુદરતી સંશાધનો: સિંધ, આબુ, માળવા, મેવાડથી લઈ દક્ષિણમાં ચંદ્રાવતી સુધી ગુજરાતના 7 ચક્રવર્તીઓ કરતા હતા શાસન: 1947 પછી કાઠિયાવાડ સ્ટેટ, બૃહદ મુંબઈ અને કેન્દ્ર શાસિત કચ્છ એમ હતા ત્રણ વિભાગો
દેશના અન્ય રાજ્યો કરતા લગભગ બધી જ રીતે અગ્રીમ રહેલું ગુજરાત આજે જ વિક્સીત છે તેવું નથી પણ સદીઓ પહેલા ગુજરાત આટલું જ પ્રગતિશીલ હતું. સૌને નવાઈ લાગે તેવી વાત છે કે, એક સમયે અડધા ભારત પર ગુજરાતનું શાસન ચાલતું હતું !
ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠીત કવિ ઉમાશંકર જોશીએ લખ્યું છે કે,ભારતની ભોમની ઝાઝેરી ગુજરાત,
ગુજરાત મોરી મોરી રે… મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે…
દેશના અન્ય રાજ્યો કરતા લગભગ બધી જ રીતે અગ્રીમ રહેલું ગુજરાત આજે જ વિક્સીત છે તેવું નથી પણ સદીઓ પહેલા ગુજરાત આટલું જ પ્રગતિશીલ હતું. સૌને નવાઈ લાગે તેવી વાત છે કે, એક સમયે અડધા ભારત પર ગુજરાતનું શાસન ચાલતું હતું !
‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં ગુજરાત સ્થાપના દિન અવસરની ચર્ચા કરતા ઈતિહાસકાર-સંસ્કૃતિના જાણકાર, રમત-ગમત અને યુવક સેવક સાંસ્કૃતિક પ્રવૃતિ, રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાત પહેલેથી જ સમૃધ્ધ અને સુસંસ્કૃત છે કારણ કે, આપણને તમામ પ્રકારના કુદરતી સંસાધનો મળ્યા છે. લાંબો દરિયા કિનારો, મોટી નદીઓ, બંદરો, રણ, પહાડો, ડેલ્ટા પ્રદેશો વગેરે બધુ જ પહેલેથી જ આપણી પાસે છે. આપણે ત્યાં સિંધુ ખીણની સંસ્કૃતિ દર્શાવે છે કે, ગુજરાત હજારો વર્ષ પહેલા પણ સમૃધ્ધ હતું.
તેમણે કહ્યું કે, આર્યાવ્રત ગણાતા ભારતમાં વિરાટ નગરી એટલે કે, આજનું જયપુર, આનર્ત દેશ એટલે કે આજનું વડનગર, મત્સ્ય દેશ એટલે કે આજનું ધોળકા આ બધુ જ ગુજરાતના ભાગમાં હતું. ગુજરાત છેક સિંધ દેશથી લઈ આબુ, માળવા, મેવાડથી માંડી દક્ષિણમાં ચંદ્રાવતી સુધી ગુજરાતનો હિસ્સો હતું. 7 ચક્રવર્તી રાજાઓ ગુજરાતના શાસકો હતા. જેમાં ચામુંડરાજ, દુર્લભરાજ, ભિમદેવ પહેલા, સિધ્ધરાજ જયસિંહ, કુમારપાળ વગેરેની સત્તા ચારેય દિશામાં ફેલાયેલી હતી.
તેમણે જણાવ્યું કે, ગુજરાત પર મૌર્ય, મૈત્રક, ચાવડા, સોલંકી, મુસ્લિમ શાસકો, અંગ્રેજો સહિત અનેક શાસકોએ શાસન ર્ક્યું પણ ગુજરાતની પ્રગતિ સતત થતી રહી. અમુક શાસકોના રાજમાં વિકાસ અટક્યો હોય પણ છેક આઝાદી સુધી અને તે પછી પણ ગુજરાત સતત વિકસતુ રહ્યું. ગુજરાતમાં આઝાદી પહેલા ત્રણ પ્રકારના વિભાગો હતા જેમાં અમુક હિસ્સો ગાયકવાડ સ્ટેટમાં, બીજો દેશી રજવાડા એટલે કે, પ્રિન્સલી સ્ટેટમાં અને ત્રીજો હિસ્સો અંગ્રેજોની અંડરમાં હતો. 1947માં દેશ આઝાદ થયો પછી ફરી પાછા ત્રણ વિભાગો પડ્યા જેમાં કાઠિયાવાડી એટલે કે, સૌરાષ્ટ્ર રાજ્ય જેના મુખ્યમંત્રી રાજકોટના ઉછરંગરાય ઢેબર હતા. રાજ્ય પ્રમુખ જામ દિગ્વિજયસિંહજી તો ઉપપ્રમુખ કૃષ્ણકુમારસિંહજી હતા. બીજો ભાગ અમદાવાદ, મહેસાણા સહિત બૃહદ મુંબઈનો હિસ્સો હતું તો ત્રીજો ભાગ કચ્છ કેન્દ્ર શાસિત હતું.
1947ની આઝાદી પછી ભારત આઝાદ થયું પણ હજુ આજનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું નહોતું. 1956માં મહાગુજરાત ચળવળ શરૂ થઈ જેમાં હિન્દુલાલ યાજ્ઞીક, રવિશંકર મહારાજ, સનત મહેતા વગેરેએ ઝુંબેશ શરૂ કરી અને 1લી મે 1960ના રોજ ગુજરાતી બોલતા લોકોનું અલગ રાજ્ય ગુજરાત અસ્તિત્વમાં આવ્યું.
ગાંધીજી, જિન્હા, જામ દિગ્વિજયસિંહ ત્રણેયનું જન્મસ્થળ સૌરાષ્ટ્ર !
આ ત્રણેય ધુરંધરોના હાથમાં આઝાદી વખતે ભારતનું ભાવી હતું પણ જિન્હાએ રચ્યું પાકિસ્તાન
આઝાદી વખતે ભારત ત્રણ વિભાગોમાં વિભાજીત હતું. આ ત્રણ વિભાગો પર જેનું પ્રભુત્વ હતું એવા ત્રણ ધુરંધરો સૌરાષ્ટ્રમાં જ જન્મ્યા હતા !
આઝાદી વખતે ભારતનો કેટલોક હિસ્સો અંગ્રેજોના તાબામાં હતો, અમુક હિસ્સો મુસ્લિમ શાસકોના શાસન તળે હતો તો ત્રીજો હિસ્સો દેશી રજવાડાઓના હાથમાં હતો. આ ત્રણેય વિભાગના ધુરંધરો એટલે કે, અંગ્રેજોવાળા હિસ્સામાં ગાંધીજી, મુસ્લિમ શાસકોના શાસન પર પ્રભુત્વ રાખનારા મહમદ અલી જિન્હા અને દેશી રજવાડા પર જેમનો પ્રભાવ હતો તેવા જામનગરના જામ દિગ્વિજયસિંહજી સૌરાષ્ટ્રમાં જન્મ્યા છે. ગાંધીજીનું જન્મ સ્થળ પોરબંદર, જિન્હાનું ઉપલેટા તાલુકાનું પાનેલી તો દિગ્વિજયસિંહજીનું જન્મ સ્થળ જામજોધપુર તાલુકાનું સડોદર ગામ !
આ ત્રણ ધુરંધરોના હાથમાં આઝાદી પછીનું ભારતનું ભાવી હતુ. સૌ જાણે છે કે, ગાંધી-સરદારે ભારતને એક કરવા પ્રયાસ ર્ક્યો જેમાં દેશી રજવાડાઓએ પોતાના રાજ સોંપી દીધા તો જિન્હાએ અલગ પાકિસ્તાનની રચના કરી.