મહાશિવરાત્રી નિમિતે રાજકોટ-જુનાગઢની વધારાની ૩૪ બસો મુકાઈ
આજરોજ મહાશિવરાત્રીના પર્વ નિમિતે જુનાગઢ ખાતે લાખો ભાવિકો શિવની આરાધના કરવા માટે ઉમટયા હતા. શનિવારથી જ મહાશિવરાત્રીના પર્વને લઈ રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. કહી શકાય કે ભોલેનાથની કૃપા એસ.ટી.તંત્ર પર વરસી છે. વધારાની જુનાગઢની બસો મુકવાથી રાજકોટ એસ.ટી.ડિવીઝનને ૬.૫૦ લાખની વધુ આવક થવા પામી છે.
રાજકોટ એસ.ટી.ડિવિઝનના વર્તુળમાંથી મળતી માહિતી મુજબ શનિવારથી રાજકોટના શાસ્ત્રીમેદાન સ્થિત હંગામી એસ.ટી.બસ સ્ટેન્ડથી તંત્ર દ્વારા મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા બસ મુકવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારથી આજે મહાશિવરાત્રીના પર્વને લઈ આજદિન સુધી રાજકોટ એસ.ટી.તંત્ર દ્વારા ૩૪ બસો મુકવામાં આવી હતી અને છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૩૪ બસો થકી ૧૦૬ ટ્રીપ રૂ.૬.૫૦ લાખની તંત્રને વધુ આવક થવા પામી છે.
ત્રણ દિવસમાં રાજકોટથી જુનાગઢ એસ.ટી.માં મુસાફરી કરવા માટે ભકતોની ભારે ભીડ જોવા મળી હતી અને અંદાજીત ૬૦૦૦થી પણ વધુ ભકતોએ એસ.ટી.મારફતે જુનાગઢ શિવરાત્રીના મેળાનો લાભ લીધો હતો. આજે શિવરાત્રીનો પર્વ પૂર્ણ થયા બાદ જુનાગઢથી રાજકોટ આવવાવાળા મુસાફરો માટે એસ.ટી. દ્વારા ખાસ આયોજન કરાયું છે અને મોરબી તેમજ અમદાવાદ જતા મુસાફરો માટે ૧૨ વધારાની બસો પણ આજે રાત્રીથી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.