પ્રકૃતિના ખોળે યોજાતી ગિરનારની લીલી પરિક્રમા ભારે જામી છે. અને ગતરાત્રિના પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પૂર્વે જ 4 લાખ કરતાં વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. જ્યારે આજે સવાર સુધીમાં પાંચ લાખ જેટલા યાત્રિકો પરિક્રમાના રૂટ પર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે હજુ પણ ભાવિકો જુનાગઢ ભણી આવી રહ્યા છે અને ભવનાથ તરફ ભાવિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે 12 લાખથી વધુ પરિમક્રમણથીઓ નોંધાય તેવું જણાઈ રહ્યું છે. આ સાથે ગઈકાલે નળ પાણીની ઘોડીએ એક અજાણ્યા ભાવિકાનુ હાર્ટ એટેક થી મોત થયું હોવાની વિગતો મળી રહી છે.
ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે દેવ ઉઠી અગિયારસના દિવસે થતી વિધિવત પ્રારંભ પૂર્વે 36 કલાક અગાઉ શરૂ થઈ ગઈ હતી. અને ગઈકાલે રાત્રિના બાર વાગ્યે લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય ત્યાં સુધીમાં લગભગ સાડા ત્રણ લાખ જેટલા ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી પોતાના વતનની વાટ પકડી લીધી હતી. તે સાથે આજે સવાર સુધીમાં પરિક્રમા રૂટ ઉપર પહોંચેલા ભાવિકો મળી કુલ પાંચ લાખ જેટલા ભાવિકો હાલમાં પરિક્રમાના રૂટ ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન ગઈકાલે રાત્રીના 12 વાગ્યે મહંત હરિગીરીબાપુ, ઈન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી મહારાજ સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભગવાન ગુરૂ દત્તાત્રેયના પૂજન બાદ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પાવન પરિક્રમાના પ્રારંભ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર પી.જી. પટેલ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા ડેપ્યુટી કમિશનર એ. એસ. ઝાંપડા, સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરિક્રમાના વિધિવત પ્રારંભ બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. કલેકટર સહિતના અધિકારીઓએ ભાવિકોને સુખરૂપ પરિક્રમા માટે શુભકામના પાઠવતા પ્રકૃતિને હાની ન થાય તેની કાળજી લેવા માટે પણ અનુરોધ કર્યો હતો.
પરિક્રમામાંપ્રથમ વખત સંસ્થાઓના સહયોગથી 40 ટોયલેટ બ્લોક બનાવ્યા
ગિરનારની લીલી પરિક્રમામાં જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસો થી ભાવિકો પ્રથમ વખત પરિક્રમાના જંગલના માર્ગે 40 હંગામી ટોઇલેટ બ્લોક ઉભા કરવામાં આવ્યા છે, પરિક્રમાના રૂટ પર લક્ષ્ય ફાઉન્ડેશન દ્વારા જીણાબાવાની મઢી પાસે 20 અને બોરદેવી પાસે 20 ટોયલેટ બ્લોક મળી કુલ 40 ટોયલેટ બ્લોક ઊભા કરવામાં આવ્યા છે.
ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર એક તરફ ભારે માનવ મહેરામણ ઉમટીઓ છે. તો બીજી બાજુ અન્ન ક્ષેત્રો, ઉતારા મંડળો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકોની ભારે સેવા ચાકરી કરવામાં આવી રહી છે. ભવનાથ ક્ષેત્ર સહિત પરિક્રમાના રૂટ ઉપર ઠેર ઠેર અનશેત્રો ઉભા કરાયા છે અને ભાવિકોને ચા, નાસ્તા, ગરમાગરમ ગાંઠિયા મરચાના નાસ્તા સાથે ભાત ભાતના ભોજન પ્રસાદ, ગરમ શીરા તથા મીઠાઈ સાથે પીરસવામાં આવી રહ્યા છે. આ અન્નક્ષેત્રોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અનેક સેવાભાવી લોકો તથા યુવાન દીકરા – દીકરીઓ સેવા આપી રહ્યા છે અને ભોજન તૈયાર કરી ભાવિકોને ભાવથી પીરસી રહ્યા છે.
આ સાથે પરિક્રમાના રૂટ ઉપર વયોવૃદ્ધ વ્યક્તિઓ પડી જતા ઘાયલ થયેલ હોવાના તથા અમુક ભાવિકોને વીંછી કરડવાના અને છાતીમાં દુખાવા, શ્વાસ ચડવાની તથા જાડા ઉલટીની સમસ્યાઓ સર્જાતા તેમને પરિક્રમા રૂટ ઉપર ઉભા કરવામાં આવેલ સારવાર કેન્દ્ર ઉપર સારવાર આપવામાં આવી હતી. અને અમુક દર્દીઓને વધુ સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
જુનાગઢ પોલીસે આ વખતે પરિક્રમાના માહોલમાં જંગી મેદની વચ્ચે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખૂબ સુંદર સતર્કતા દાખવી છે. અને એ રાઉન્ડ ધી પેટ્રોલિંગ શરૂ રખાયું છે. તે સાથે પોલીસે કુલ 255 ઇસમો સામે કાર્યવાહી કરી હોવાની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.