લમ્પીથી બચી ગયેલી 25 ગાય સાથે 450 કિલોમીટરની પદયાત્રા કરીને આવેલા કચ્છના મહાદેવભાઇએ માનતા પૂરી કરી
ગાયને લમ્પી રોગ થતા માનતા લેનાર કચ્છના રહેવાસીની 25 જેટલી ગાયો સાથે પગપાળા યાત્રા પૂરી કરી હતી. કચ્છના રહેવાસી અને દ્વારકાધીશના અનન્ય ભક્ત, મહાદેવભાઇ દેસાઇની 25 જેટલી ગાયને ‘લમ્પી’ રોગમાં સપડાઇ હતી.
જો આ તમામ ગાયને રોગમાંથી મુક્તિ મળે અને એકપણ ગાયનું મોત થાય નહી તો હે કાળિયા ઠાકર હું પગપાળા યાત્રા કરીને દર્શન કરવા આવીશ. મહાદેવભાઇની આ પ્રાર્થના દ્વારકાધીશે સાંભળી હોય તેમ તમામ ગાય બચી ગઇ હતી અને લમ્પી રોગમાંથી પણ મુક્ત થઇ હતી. એટલું જ નહી અન્ય ગાયમાં ‘લમ્પી’ રોગ ફેલાતો પણ અટકી ગયો હતો અન્ય ગામોમાં પણ રાહત થઇ હતી.
મહાદેવભાઇએ લીધેલી માનતા પૂરી કરવાનો સમય આવી ગયો હતો. આથી કચ્છથી દ્વારકા આશરે 450 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને દ્વારકા પહોંચ્યા હતા.
એટલું જ નહીં દ્વારકાધીશ મંદિરમાં પણ ગાયોએ પણ કાળિયા ઠાકરના દર્શન કરી પ્રદક્ષિણા કરતા અદ્ભૂત દ્રશ્ય સર્જાયું હતું.
કદાચ દ્વારકાના ઇતિહાસમાં પહેલી જ વખત એવું બન્યું છે કે એક સાથે 25 ગાયને પદયાત્રા કરી ઠાકોરજીના દર્શન કર્યા હોય !
આ પ્રસંગે મંદિરના વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોએ પણ મહાદેવભાઇની દ્વારકાધીશ પ્રત્યેની આસ્થાને બિરદાવી હતી. દ્વારકાધીશનું એક નામ ગોપાલ પણ છે. આ ઘટના પછી દ્વારકાધીશ પ્રત્યેની શ્રધ્ધા વધુ દ્રઢ બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
મહાદેવભાઇએ માનતા પૂરી કર્યા બાદ ગૌપાલકો અને હાજર રહેનાર ભક્તોને પ્રસાદી વિતરણ કર્યું હતું.