દશામાઁની મૂર્તિઓના ભાવમાં 10 % જેટલો વધારો: રૂ.251થી માંડી 6000 સુધીની મૂર્તિઓનું વેંચાણ: પૂજાપો,માતાજીની ચુંદડી,શ્રીફળ,પ્રસાદની માંગ વધી
કોરોનાની ત્રીજી લહેર નરમ પડતા શ્રાવણ માસ દરમ્યાન તહેવારોની ઉજવણીને લઇને ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સીઝનલ વેપારીઓએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે. તેવા સંજોગોમાં જામનગરની બજારમાં દશામાઁના વ્રતના આગમનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જામનગરમાં 251 રૂપિયાથી માંડી 6 હજાર સુધીની મૂર્તિઓનું વેંચાણ થઇ રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ મૂર્તિઓમાં 10 ટકા જેટલો ભાવ વધારો પણ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
અષાઢવદ અમાસથી શરૂ થતા દશામાઁના વ્રતને પગલે કારીગરો દ્વારા માતાજીની મૂર્તિ બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જામનગરની બજારમાં હાલ દશામાઁની મૂર્તિઓ વેંચાણઅર્થે મુકવામાં આવે છે ત્યારે છેલ્લા 25 વર્ષથી મૂર્તિ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા દેવાભાઇ સોલંકીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ કોરોનાને પગલે મૂર્તિઓ બનાવવામાં ઘટાડો આવ્યો હોવાથી 10 ટકા જેટલો ભાવમાં વધારો નોંધાયો છે. જામનગરમાં મોટાભાગના કારીગરોએ ચાલુ વર્ષે કોરોનાના ડરને લઇને મૂર્તિઓ બનાવવાનું માંડી વાળ્યું છે.
જેની સામે અમદાવાદ-ચોંટીલા જેવા શહેરોમાંથી મૂર્તિઓ લાવી તેમ રંગ-રોગાન અને ફીનીશીંગ કરી વેચવાનું શરૂ કર્યુ છે. હાલ જામનગરમાં બેથી માંડીને ચાર ફૂટ સુધી માતાજીની મૂર્તિઓનું વેચાણ થઇ રહ્યું છે. કાચા માલમાં ભાવ વધારો અને કલર, મજૂરી કામમાં ભાવ વધારો અને ઉત્પાદનમાં ઘટથી મૂર્તિઓના ભાવમાં 10 ટકા જેટલો વધારો થયો છે. હાલ જામનગરની બજારમાં 251થી માંડી રૂા.6000 સુધીની મૂર્તિઓનું વેંચાણ થઇ રહ્યું છે. આ ઉપરાંત ખોડીયાર માતાજી, રાંદલ માતાજી, પાર્વતીજી, બાલાજી સહિતના વિવિધ માતાજીના સ્વરૂપોની મૂર્તિઓ પણ બજારમાં જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દશામાઁના વ્રતના આગમનને પગલે બજારમાં પૂજાપો, માતાજીની ચુંદડી, શ્રીફળ, પ્રસાદ સહિતની વસ્તુઓની માંગ રહેતી હોવાથી વેપારીઓ દ્વારા વસ્તુઓ મંગાવી લેવામાં આવી છે.
ગૌરીવ્રત તથા જયાપાર્વતી વ્રતની ભાવભેર ઉજવણી કરાયા બાદ હવે પવિત્ર શ્રાવણ માસના અનેક વ્રતનો પ્રારંભ થશે ત્યારે કોરોના કહેર હળવો હોવાથી સરકાર સહકાર આપી વ્યવસાય કરવા દે તેવી મૂર્તિના કારીગરોએ માંગ ઉઠાવી છે.