- રાજ્યપાલના પ્રવચનમાં રાજ્ય સરકારની જનહિતલક્ષી નીતીઓ, કાર્યક્રમો, ઉપલબ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓ માટેનો દસ્તાવેજ: રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા
મંત્રી જગદીશ વિશ્વકર્મા ::
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત વિઝન-પ્રેરણાથી ગુજરાતની રાજનીતિ – વિકાસની રાજનીતિમાં પરિવર્તી
- રાજ્યમાં નલ સે જલ યોજના થકી ઘરે-ઘરે પીવાલાયક અને 70 હજાર કિ.મીના નર્મદા કેનાલના વિશાળ નેટવર્કથી સિંચાઈ માટેના પાણીની સુવિધા
- 614 વર્ષ બાદ અમદાવાદના સ્થાપના દિવસે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે
- રાજ્ય સરકારની દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે કર્ફ્યું અને કોમી રમખાણો ભૂતકાળ બન્યા તે પ્રકારની શાંતિ, સલામતી અને સુરક્ષા આજે ગુજરાતમાં વિકાસ પામી
- ગુજરાતમાં 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત; સતત 4 વર્ષથી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત બન્યું “બેસ્ટ પરફોર્મર”
- વિધાનસભા ખાતે રાજ્યપાલશ્રીના સંબોધન માટે આભાર પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતા સહકાર મંત્રી
વિધાનસભા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધન માટે આભાર પ્રસ્તાવની પ્રથમ દિવસની ચર્ચામાં સહભાગી થતા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો, ત્યારથી જ તેમના દ્રષ્ટિવંત વિઝન અને પ્રેરણાથી ગુજરાતની રાજનીતિ – વિકાસની રાજનીતિમાં પરિવર્તી હતી. તેમણે માત્ર ગુજરાત જ નહિ, પરંતુ સમગ્ર દેશના વિકાસ માટેનો મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર “વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં મક્કમતાથી આજે પણ કામ કરી રહી છે.
મંત્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભા ગૃહને કરેલું પ્રવચન રાજ્ય સરકારની પ્રવર્તમાન જનહિતલક્ષી નીતીઓ, કાર્યક્રમો, ઉપલબ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓનો દસ્તાવેજ છે. રાજ્યપાલે કૃષિ ક્ષેત્રના વિકાસ અને ખેડૂતો ખેતી ખર્ચ ઘટાડીને તેમની આવક વધારવાના ઉદ્દેશ્ય સાથે તેમના સંબોધનમાં પ્રાકૃતિક કૃષિ પર વિશેષ ભાર મૂક્યો છે. ગાય માતાની સેવા ઉપરાંત પ્રાકૃતિક ખેતીની હિમાયત કરતા રાજ્યપાલે રાજ્યનો દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે, તે માટેની મુહિમ હાથ ધરી છે. જેના સારા પરિણામો રાજ્યમાં વધી રહેલો પ્રાકૃતિક કૃષિનો વાવેતર વિસ્તાર અને ખેડૂતોની સંખ્યા પરથી અંદાજી શકાય છે.
મંત્રી વિશ્વકર્માએ કહ્યું હતું કે, રાજ્યપાલે તેમના અભિભાષણમાં ગુજરાતના શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, મહિલા સશક્તિકરણ, વંચિતોના વિકાસ, યુવાનોના કૌશલ્ય નિર્માણ અને રોજગારી જેવા વિવિધ મુદ્દા અંગે સ્પષ્ટ વાત કરી છે. આજે દેશ-વિદેશ અને અન્ય રાજ્યોમાંથી ગુજરાતની મુલાકાતે આવતા લોકો નરી આંખે ગુજરાતના વિકાસને જોઈ અને અનુભવી શકે છે.
પડકારોમાં પણ વિકાસ છુપાયેલો છે, એટલે કે આફતને અવસરમાં બદલવાના અભિગમ સાથે આત્મનિર્ભર ભારતનો મંત્ર વડાપ્રધાનએ સમગ્ર દેશને આપ્યો છે, તેમ જણાવી મંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ છેલ્લા બે દાયકામાં ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિ માટે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ, કૃષિ મહોત્સવ, વનબંધુ કલ્યાણ યોજના, ખેલ મહાકુંભ, સુજલામ સુફલામ યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના, 108 એમ્બ્યુલન્સ સેવા, ગરીબ કલ્યાણ મેળાથી લઈને નમો લક્ષ્મી-નમો સરસ્વતી જેવી અનેકવિધ વિકાસલક્ષી પહેલો ગુજરાતમાં હાથ ધરાઈ છે.
રાજ્ય સરકારના અથાગ પ્રયત્નો થકી અનેક ગુજરાતીઓ, ખાસ કરીને યુવાઓનું સ્વપ્ન હકીકતમાં બદલાઈ રહ્યું છે. આજે ગુજરાતમાં 100 થી વધુ યુનિવર્સિટી, 35થી વધુ મેડીકલ કોલેજ, 130થી વધુ એન્જીનીયરીંગ કોલેજ, 140થી વધુ પોલીટેકનીક, 500થી વધુ ITI, 1.25 લાખ કિ.મીનું રોડ નેટવર્ક, 52.5 ગીગાવોટની ઊર્જા ઉત્પાદન ક્ષમતા, 36 હજાર કિ.મી લાંબુ ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક, 5200 કિ.મીથી વધુનું રેલ નેટવર્ક, 19 એરપોર્ટ તેમજ એક મોટું અને 48 નાના બંદર ઉપલબ્ધ છે, જે ગુજરાતના વિકાસને વેગવાન બનાવે છે, તેમ મંત્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું.
ગુજરાત એક સમયે પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતુ હતું, તેમ કહી મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પહેલાની સરકારમાં ગુજરાતના નાગરિકોએ પાણીની અછતના પગલે ટેન્કરો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ આજે સ્થિતિ એકદમ વિપરીત છે. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ “પાણીને વિકાસની પ્રથમ શરત” ગણાવીને જળસંચય અને જળ વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂક્યો હતો, પરિણામે ગુજરાતમાંથી આજે ટેન્કર રાજ જળમૂળથી નાબૂદ થયું છે. આજે “નલ સે જલ” હેઠળ ઘરે-ઘરે પીવાલાયક પાણી અને 70,000 કિ.મી લાંબા નર્મદા કેનાલના નેટવર્કથી ખેડૂતોને સિંચાઈ માટે પણ પૂરતું પાણી મળી રહ્યું છે.
આટલું જ નહિ, પહેલાની સરકારે રાજ્યના માત્ર 930 ગામડાઓને વીજળી પૂરી પાડવા માટે પણ પંચ વર્ષીય યોજનાનો સહારો લેવો પડતો હતો. તેની સામે આજે અમારી સરકાર જ્યોતિગ્રામ યોજનાના માધ્યમથી ગુજરાતના તમામ ગામોને 24 કલાક થ્રી-ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. માત્ર ગામો જ નહિ, કિસાન સૂર્યોદય યોજનાના માધ્યમથી ખેડૂતોને પણ દિવસે વીજળી આપવામાં આવી રહી છે. આ તફાવત છે તે સમયના ગુજરાત અને આજના વિકસીત ગુજરાતનો, તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
ગુજરાતની સરકારી શાળાઓમાં આજે વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસરૂમ જેવી ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યા છે, તેમ કહી મંત્રીએ ગુજરાતને શિક્ષિત અને વિકસિત રાજ્ય બનાવવાની તત્પરતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લાખો ગરીબ પરિવારોનું પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. આ ઘર માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ચાર દીવાલ નહિ, પરંતુ છેવાડાના માનવીના સ્વપ્નોમાં પ્રાણ ભરવા માટેની એક વિશેષ પહેલ છે.
તાજેતરમાં જ મુખ્યમંત્રીએ સૌપ્રથમ સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે અને હવે અમદાવાદ શહેરના સ્થાપના દિવસે 614 વર્ષ પછી નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રાનું પણ આયોજન થવા જઈ રહ્યું છે, જે ભૂતકાળમાં કટ્ટર શાસકોના ભયથી બંધ થઇ હતી. ગુજરાતમાં વર્ષ 2000 પછી જન્મેલા બાળકો કર્ફ્યું અને કોમી રમખાણો શું છે? તે જાણતા પણ નથી, તે પ્રકારની શાંતિ, સલામતી અને સુરક્ષા આજે ગુજરાત રાજ્યમાં વિકાસ પામી છે. આજે પણ દર વર્ષે રથયાત્રા અને મહોરમ જેવા તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સહકાર રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, નિયત નેક અને સેવાની ભાવના હોય તો કિસાનહિત અને જનહિતના કામો કેવી ગતિએ થાય તે વડાપ્રધાનએ દુનિયાને બતાવ્યું છે. તાજેતરમાં જ વડાપ્રધાનના હસ્તે ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1148 કરોડની સહાય PM KISAN યોજના હેઠળ મળી છે. તેવી જ રીતે, ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીની અત્યાર સુધીની સૌથી વધુ 12.24 લાખ મેટ્રિક ટન જેટલી ખરીદી કરીને અમારી સરકારે ખેડૂતહિતને પ્રાધાન્ય આપ્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગ ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભરી છે, તેમ જણાવી મંત્રીએ કહ્યું કે, ગુજરાત આજે ભારતનું સેમિકંડક્ટર હબ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરવામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. આજે ગુજરાતમાં 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. જેના પરિણામે ગુજરાતને સતત 4 વર્ષથી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ એનાયત થયો છે.
ગુજરાતે તાજેતરમાં જ “ગુજરાત ગ્લોબલ કેબેબીલીટી સેન્ટર પોલીસી” જાહેર કરી છે. આ પોલીસીને કારણે રાજ્યમાં 10,000 કરોડથી વધુનુ રોકાણ આવશે. આમ, ઉદ્યોગ અને કૃષિ જેવા ક્ષેત્રોના સહિયારા વિકાસથી આવનારા દિવસોમાં ગુજરાત વિકસિત રાજ્ય અને ભારત વિકસિત રાષ્ટ્ર બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં આજે વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધાઓ વિકાસ પામી રહી છે. સુરત ખાતે ગુજરાતનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ઓખા અને બેટ-દ્વારકાને જોડતો નવનિર્મિત સુદર્શન સેતુ, સુરતમાં વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ડાયમંડ બુર્સ કાર્યરત છે. સાથે જ આ વર્ષના અંદાજપત્રમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહારને યોગ્ય રાખવા માટે ૬૧ માર્ગોની પહોળાઈ વધારવા માટે રૂ. 2995 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીએ ગુજરાતને વિવિધ ક્ષેત્રે મળેલા પુરસ્કાર, સન્માન અને ગૌરવ અંગે વિગતવાર વાત કરીને રાજ્યપાલના પ્રવચનના આભાર પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. આ સાથે જ તેમણે ગુજરાતને વિકાસની નવી ક્ષિતિજો સુધી પહોંચાડવા માટે વિધાનસભાના દરેક સભ્યશ્રીઓ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપે, તેવો સૌને અનુરોધ કર્યો હતો.