હારેલી અને નબળી બેઠકો માટે કોંગ્રેસ વહેલા ઉમેદવારો જાહેર કરી દેશે: તમામને ચૂંટણી લક્ષી કામગીરી માટે કામે લાગી જવા નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની હાંકલ
અબતક,રાજકોટ
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના આડે અગીયાર મહિનાથી પણ ઓછો સમયગાળો બચ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા દાયકાથી સત્તાવિહોણી કોંગ્રેસને ફરી ગુજરાતની ગાદી અપાવવાના ઇરાદા સાથે હાઇ કમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની નિમણૂંક કરી છે. નવ નિયુક્ત સુકાનીએ ગઇકાલે જિલ્લા તથા તાલુકાના સંગઠનના હોદ્ેદારો સાથે એક બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને 125 બેઠકો જીતાડવાના લક્ષ્યાંક સાથે તમામને એકજૂટ થઇ કામે લાગી જવા હાંકલ કરવામાં આવી છે.ગુજરાતમાં સત્તાધારી પાર્ટી ભાજપે વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજ્યની તમામ 182 બેઠકો જીતવા માટેની વ્યૂહરચના ઘડી કાઢી છે અને આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે જોર-શોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રાજ્યમાં અઢી મહિના પૂર્વે નેતૃત્વ પરિવર્તન કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સહિત આખા મંત્રીમંડળની નવી રચના કરવામાં આવી છે. બીજી તરફ ભાજપની સૌથી નજીકની હરિફ પાર્ટી કોંગ્રેસે પણ પ્રથમવાર ગુજરાત જીતવા માટે ગંભીરતાથી પ્રયાસો શરૂ કર્યા છે. લડાયક ઓબીસી નેતા જગદીશ ઠાકોરની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. નિયુક્તીના ગણતરીના દિવસોમાં ઠાકોર હરકતમાં આવી ગયા છે. તેઓએ ગઇકાલે જિલ્લા અને તાલુકા લેવલના સંગઠનના હોદ્ેદારો સાથે એક બેઠક યોજી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 125 બેઠકો જીતાડવાના લક્ષ્યાંક સાથે તમામ કાર્યકરોને કામે લાગી જવા માટે તાકીદ કરવામાં આવી હતી.
દરમિયાન વિધાનસભાની ગત્ ચૂંટણીમાં કોંગ્રેસ જે બેઠકો પર હારી હતી અને તે બેઠકો જીતવી કોંગ્રેસ માટે મુશ્કેલ છે તેવી બેઠકો માટે ઉમેદાવારોના નામની ઘોષણા વહેલી કરી દેવામાં આવશે. જેથી ઉમેદવારોને ચૂંટણીની તૈયારી કરવાનો પર્યાપ્ત સમય મળે. દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે એ વાતની પણ ભારપૂર્વક સ્પષ્ટતા કરી હતી કે, હાલ પ્રદેશ કોંગ્રેસમાં સંગઠનને લઇ જે ઇશ્યૂ આવી રહ્યા છે તે ખૂબ જ નજીકના દિવસોમાં ઉકેલી દેવામાં આવશે. નવા સંગઠન માળખાની જાહેરાત પણ ટૂંક સમયમાં કરી દેવામાં આવશે.
રાજ્યમાં છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમયથી સત્તા વિહોણી રહેલી કોંગ્રેસને હવે ફરી ગુજરાતની ગાદીએ બેસાડવા માટે નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ ઠાકોર અત્યારથી જ એક્ટિવ થઇ ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કાર્યકરો જે નીરાશાની ગર્તામાં ધકેલાઇ ગયા છે તેમને નિરાશામાંથી બહાર કાઢી ફરી ઉત્સાહિત કરવા જગદીશ ઠાકોરનું પ્રથમ લક્ષ્યાંક રહેશે.