કોરોના મહામારીએ અજગરી ભરડો લેતા દ્વારકા જગતમંદિર આગામી 15 મે સુધી બંધ રાખવાનોન નિર્ણય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આ પહેલા 11 એપ્રિલ સુધી મંદિરના દ્વાર બંધ કરાયા હતાં. પરંતુ સંક્રમણ વકરતા મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે.દ્વારકા જગતમંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે.
દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય ભક્તોમાં સંક્રમણનો ભય વધારે રહે છે. જેના કારણે દેવભૂમિ દ્વારકા કલેકટર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે ફરી એક વખત બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દ્વારકા જગત મંદિરમાં લગભગ દરરોજના 13 હજારની આસપાસ શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી દર્શન કરવા દ્વારકા આવતા હોય છે. મોટી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓમાં કોરોના સંક્રમણ થવાનો વધુ ભય છે. જેથી ભક્તોની સુખાકારી માટે દ્વારકા કલેકટર દ્વારા જગત મંદિરના દ્વાર તા. 11 એપ્રિલથી બંધ કરવામાં આવ્યા હતા.કોરોના મહામારી વકરતા કલેકટર દ્વારા જગતમંદિરને હજુ વધુ સમય માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી દ્વારકા જગતમંદિર, રૂક્ષ્મણી મંદિર, તથા આજુબાજુના દર્શનીય સ્થળો આગામી તા. 15 મે સુધી ભક્તો માટે બંધ કરાયા છે. જો કે, જગત મંદિર અંદર ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે અને તેનું લાઈવ પ્રસારણ જગત મંદિરની વેબસાઇટ ઉપરથી ભક્તો નિહાળી શકશે.