માં કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટય સ્થળ, તીર્થ સ્થાન અને શકિતપીઠ સમાન ઉંઝા ખાતે આયોજીત ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દ્વારકાધીશ પીઠાધીશ્ર્વર જગતગુરુ સ્વામી શંકરાચાર્યજી સ્વરુપાનંદ સરસ્વતીજી મહારાજના આર્શીવચન અને આશીર્વાદ સાથે ધર્મસભાનો શુભારંભ કરાયો છે. જગતગુરુ સ્વામી શંકરાચાર્ય સ્વરુપાનંદજી સરસ્વતીજી મહારાજે સનાતન ધર્મના રક્ષણ માટે કટીબઘ્ધ થવા માટે તમામ શ્રઘ્ધાળુઓને શિખામણ આપી હતી. ધર્મ અને કર્મ દ્વારા ઉન્નતિ, નીતી અને પ્રગતિનો આ ઐતિહાસિક અવસર હોવાનું જણાવેલું. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના આયોજનથી સ્વામીજી પ્રભાવિત થઇ આશીર્વાદ આપ્યા હતા કે લક્ષચંડી યજ્ઞ કરવાનો નિર્ણય ધન્યવાદ ને પાત્ર છે. ભગવાન તમારા સહુનુ મંગલ કરે અને ગુજરાતની સમૃઘ્ધિ વધે આ પ્રસંગે રામ મંદીર માટે પ્રતિબઘ્ધતા વ્યકત કરતા કહ્યું હતું કે અમે રામમંદીર બનાવવા માટે સરકાર પાસેથી એક રૂપિયા ફંડ લઇશું નહિ, મંદિર અમે બનાવીશું.
પરમશ્રઘ્ધેય અનંત વિભૂષિત જયોતિપીઠાધિશ્ર્વર દ્વારકા શારદાપીઠાધીશ્ર્વર જગતગુરુ સ્વામી શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદજી મહારાજ લક્ષચંડી મહાયજ્ઞમાં પધાર્યા હતા. મહાયજ્ઞ મહોત્સવમાં હજારો બહેનોએ માથા પર કુંભ ઘડા મૂકી સ્વામીજીનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કર્યુ હતું. અને સ્વામીજીને શોભાયાત્રા સ્વરુપે વાજતે ગાજતે ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું. પરમશ્રઘ્ધેય અનંત વિભૂષિત જયોતિપીઠાધીશ્ર્વર,
દ્વારકાશારદા પિઠાધીશ્ર્વર જગતગુરુ સ્વામી શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજના શુભ હસ્તે ધર્મસભાનો શુભારંભ થયો હતો.
હિન્દુ સંસ્કૃતિના ધરોહર પરમ શ્રઘ્ધેય શંકરાચાર્યને સૌ પ્રથમ ઉંઝા નગરની વશુંધરા પર ભવ્ય સામૈયા સાથે લક્ષચંડી મહાયજ્ઞના કર્ણધારો અને વિવિધ મહાનુભાવો, અતિથિઓની ઉ૫સ્થિતિમાં ધર્મસભાનો શુભારંભ થયો હતો. મા ઉમાની છડી પોકારી આપણી પરંપરા સમાન દિકરીઓની પ્રાર્થનાથી ધર્મસભાની શરુઆત થઇ પ્રાર્થના બાદ આપણી સંસ્કૃતિને પરંપરા મુજબ દિકરીઓએ સુંદર સ્વાગત ગીત રજુ કર્યુ. કર્મથી ધર્મ તરય પ્રયાણની પરંપરા સમી ધર્મસભાનું જગતગુરૂ શંકરાચાર્યના હસ્તે દિપ પ્રાગટય કરાવ્યું હતું.
આદી શંકરાચાર્યની પવિત્ર પાદુકાનું પુજન દાતાઓએ કર્યુ હતું. ધર્મસભામાં ઉ૫સ્થિત સૌ શ્રઘ્ધાળુઓએ પાદુકા દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મકતુપુરના વતની અને પાટીદાર આગેવાન પ્રહલાદભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતું. તેમણે ભારતીય સંસ્કૃતિની ગરીમાનું જતન કરવાની સુંદર પ્રેરક વાત કરી હતી. ત્યારબાદ ઉમિયા માતા સંસ્થાનના પ્રમુખ મણીભાઇ પટેલ (મમ્મી), મંત્રી દીલીપભાઇ પટેલ (નેતાજી), સંસ્થાના હોદેદારો દાતાઓ, મહાનુભાવો દ્વારા જગત ગુરૂ સ્વામી સ્વરુપાનંદનું હાર-ખેસ, શાલ અને મા ઉમાની છબીથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યજ્ઞ શાળાના આચાર્ય રાજેન્દ્રભાઇ શુકલ અને ભુદેવો દ્વારા ચારેય વેદોનો જયઘોષ કરાયો હતો. પૂ. દંડી સંન્યાસી મહારાજે જગત ગુરુ સ્વામી સ્વરૂપાનંદનું હિન્દુ ધર્મના રક્ષણ માટેનું પ્રવચનથી વાતાવરણ ધાર્મિક થયું.તેમણે જણાવ્યું હતું કે મા ઉમા એ હિમાલયના ઘરે બાલિકા સ્વરુપે પ્રગટ થયા હતા. ઉમા અલગ અલગ સ્વરુપે છે પણ એક જ શકિત રુપે છે. જે જગત જનની છ અને સૌનું કલ્યાણ કરે છે સંસારની રક્ષા દૈવી શકિત કરે છે અને દૈવિ શકિત દરેક સ્થળે છે. જયારે પણ ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે. તે પહેલા માતાને સંબોધન કરવામાં આવે છે. ગૌરી શંકર, સીતારામ, રાધાકૃષ્ણ અને ઉમા મહેશ્ર્વર બોલવામાં આવે છે. બ્રહ્મ અનેક પ્રકારથી જુએ છે. જાણે છે તેના તત્વોનું જ્ઞાન અને અજ્ઞાન જેને કહેવામાં આવે છે તેને બ્રહમ પરમાત્મા રુપમાં કહેવાય છે. કલ્યાણ માટે માતાના રુપમાં ઇશ્ર્વરને અપનાવ્યા છે. અને ધર્મની સ્થાપના માટે જ ભગવાને અવતાર ધારણ કર્યા છે.