જય રણછોડ માખણચોરના નાદ સાથે વાતાવરણ ગુંજયું
રાજકોટ, જુનાગઢ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક ગામોમાં અષાઢી બીજની ભવ્યતિભવ્ય રથયાત્રા નિકળી
ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને હોંશભેર હેતથી વધાવતા ભાવિકો
‘અબતક’ના માઘ્યમથી હજારો લોકો જગન્નાથજીના દર્શન કરી થયા પાવન
અષાઢી બીજના પાવન અવસરે આજે રાજકોટમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ‘અબતક’ દ્વારા વિવિધ પ્લેટ ફોર્મ પર રથયાત્રાના આરંભથી સમાપન સુધી લાઇવ ટેલી કાસ્ટ કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના દર્શન ‘અબતક’ ના માઘ્યમ થકી કરી હજારો ભાવિકો ધન્ય ધન્ય બન્યા હતા.
ભાવિકોને દર્શન આપવા માટે ખુદ ભગવાન વર્ષમાં એક દિવસ નગરચર્ચાએ નીકળતા હોય છે એ દિવસ હોય છે અષાઢી બીજનો આજે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં 146મી રથયાત્રા નીકળી હતી. રાજકોટ, ભાવનગર અને જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામોમાં અષાઢી બીજની ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળી હતી. વહેલી સવારથી જ મંદિરોમાં ભાવિકોનો જમાવડો જામ્યો હતો. જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે અમદાવાદમાં જગન્નાથજી મંદિરે મંગળા આરતી કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પહિંદ વિધી કરાવી 146મી રથયાત્રાનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો.
રાજકોટમાં પણ કૈલાસ ધામ આશ્રમ સ્થિત જગન્નાથજી મંદિર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અષાઢી બીજની રથયાત્રા યોજવામાં આવે છે. આજે સવારે 16મી રથયાત્રાનો વિવિધત આરંભ થયો હતો. ડી.જે., ઢોલ, શરણાઇ વાદક, વૃંદ, અખાડાના સાધુ, અંગ કસરતના દાવો ભારે આકર્ષણ જમાવ્યું હતું. સૌ પ્રથમ ભગવાન જગન્નાથજીનો રથ હતો. ત્યારબાદ ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનો આકર્ષક રથ હતો.
સવારે 8.30 કલાકે નિજ મંદિરથી રથયાત્રાનો આરંભ થયો હતો. મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, પુષ્કરધામ મેઇન રોડ, જે.કે. ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, પંચનાથ મહાદેવ મંદિર, લીંમડા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદિર, આશાપુર મંદિર, કેનાલ રોડ, કેવડીયા વાડી મેઇન રોડ, સોરઠીયા વાડી સર્કલ, કોઠારીયા રોડ, સહકારનગર મેઇન રોડ, નારાયણ નગર: પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજનગર ચોક, નાનામવા મેઇન રોડ, શાસ્ત્રીનગર અને નાના મવા ગામાં ફરી નીજ મંદિરમાં પરત ફરશે. રાત્રે મહાઆરતી બાદ મહાપ્રસાદ પણ યોજાશે. રાજકોટમાં ઇસ્કોન મંદિર દ્વારા પણ અષાઢી બીજની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છી માડુઓ દ્વારા આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.
રાજકોટ ઉપરાંત ભાવનગર અને જુનાગઢ શહેરમાં પણ અષાઢી બીજની વિશાળ રથયાત્રા નીકળી હતી. ગામે ગામ અષાઢી બીજ ની ઉજવણી કરવામાં આવી રહી છે.
કષ્ટભંજન દાદાને રથયાત્રાનો દિવ્ય શણગાર
અષાઢી બીજના પાવન અવસરે આજે સાળંગપુર ધામમાં બીરાજમાન શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘાનો શણગાર કરી રથયાત્રાના ભવ્ય શણગાર દર્શન તથા દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યા હતા.
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથયાત્રાના પવિત્ર ઉત્સવ પર આપ સૌ પર તેમની કૃપા બની રહે.
શુભ રથયાત્રા, જય જગન્નાથ, હજારો ભકતોએ આ અનેરા દર્શનનો પ્રત્યક્ષ લાભ લઇ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
કાલે બુધવારે સવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના સાનિઘ્યમાં કિંગ ઓફ સાળંગપુરના પ્રાંગણમાં કરવામાં આવેલ છે.
અમદાવાદમાં 146મી રથયાત્રા: નંદકુંવરને નિહાળવા નગરજનો ઉમટયા
પ્રથમવાર ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નવા રથમાં થયા સવાર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મંગળા આરતી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પહિંદ વિધી કરી રથયાત્રાનો કરાવ્યો આરંભ
આજે અષાઢી બીજનો રૂડો અવસર છે. રાજયભરમાં આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળી હતી. પ્રથમવાર જગન્નાથજી, બલભદ્રજી અને બેન સુભદ્રાજી નવા રથમાં સવાઇ થઇ ને નગરચર્યાએ નીકળ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સવારે મંગળા આરતી કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પરંપરાગત પહિંદ વિધી કરાવી અષાઢી બીજીની રથયાત્રાનો આરંભ કરાવ્યો હતો. અમદાવાદમાં જગન્નાથજી મંદિર દ્વારા 1878 માં અષાઢી બીજની રથયાત્રાની શરુઆત કરવામાં આવી હતી.
ઓરિસ્સામાં જગન્નાથપુરી પછી અમદાવાદમાં દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. નવા રથ બનાવાયા બાદ પ્રથમવાર ભગવાન નવા રથમાં સવાર થઇ નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાન જગન્નાથજી નંદી ધોષ રથમાં, ભાઇ બલભદ્રજી તાલઘ્વજ રથમાં અને બહેન સુભદ્રાજી પદમઘ્વજ રથમાં સવાર થઇને નગર ચર્યાએ નીકળ્યા હતા. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. મોસાળ સારસપુર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. કોઇ અનિચ્છીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છ. સવારથી અમદાવાદમાં ભારે ભકિતમય માહોલ જામ્યો છે.