કાર અને બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે બંને કોમના ટોળા આમને સામને આવી ગયા
વિફરેલા ટોળાએ પોલીસના વાહનમાં તોડફોડ કરી પોલીસ પર હુમલો કરતા પી.આઇ. જેઠવા ઘવાયા
દોઢેક વર્ષ પહેલાં થયેલા કોમી તોફાનનો બદલો લેવા હોળીના દિવસે પોલીસના ચુસ્ત બંદોબસ્તથી હુમલો અટકયો’તો
જાફરાબાદમાં દોઢ વર્ષ પહેલાં થયેલા કોમી તોફાનના કારણે તૂર્કી મુસ્લિમ અને કોળી સમાજ વચ્ચે ચાલતી અદાવતના કારણે ગઇકાલે કાર અને બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે ફરી કોમી તનાવની સ્થિતિ સર્જાતા બંને સમાજના ટોળા આમને સામને આવી ગયા હતા. પોલીસે પરિસ્થિતી થવા પામી વિફરેલું ટોળુ બેકાબુ બને તે પહેલાં ટીયર ગેસના બે સેલ છોડી ૬૦ જેટલા શખ્સોની અટકાયત કરી લીધી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે જાફરાબાદમાં કોમી ભડકો થતા અટકયો છે. હાલ અજંપા ભરી સ્થિતિ વચ્ચે શાંતિનો રહી છે. ટોળા દ્વારા પોલીસ પર કરાયેલા હુમલામાં પી.આઇ. જેઠવાના પગમાં ઇજા થઇ હતી. તેમજ ત્રણ સરકારી વાહનમાં નુકસાન થયું હતું.
જાફરાવાદમાં છેલ્લા દોઢેક વર્ષથી તૂર્કી મુસ્લિમ અને કોળી પરિવાર વચ્ચે થયેલી અથડામણ છેલ્લા દોઢેક વર્ષથી બંને સમાજ વચ્ચે નાની નાની બાબતે ચકમક ઝરી રહ્યા છે. ત્યારે હોળીના તહેવાર દરમિયાન બંને સમાજ દ્વારા એક બીજા પર હુમલો કરવાની તૈયારી થતી હોવાની પોલીસને આગોતરી જાણ થતા અમરેલી જિલ્લા પોલીસ વડા નિલિપ્ત રોયના માર્ગ દર્શન હેઠળ હોળીના તહેવાર દરમિયાન જાફરાબાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાથી બંને સમાજ વચ્ચે અથડામણ થતી અટકી હતી.
દરમિયાન ગઇકાલે જાફરાબાદના તૂર્કીમોલાના આગેવાન ઇમરાન ઉસ્માન મન્સુરી બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે સંદિપ ભીમજી શિયાળની કાર અથડાતા બંને વચ્ચે થયેલી રકઝકની વાયુવેગે વાત પસરી જતાં કોળી અને મુસ્લિમ સમાજના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠાં થઇ હતા. બંને સમાજના ટોળા હથિયાર સામે આમને સામને હુમલો કરે તે દરમિયાન જાફરાબાદ પી.આઇ. એચ.કે.જેઠવા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી બંને સમાજના આગેવાનને સમજાવવા પ્રયાસ કર્યો હતો તેમ છતાં બંને સમાજના ટોળા ઉશ્કેરાયા હતા અને એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી સામસામે હુમલો કરતા જાફરાબાદમાં કોળી પલિતો ચપાતા અમરેલી જિલ્લા પોલીસ વડાને જાફરાબાદની ઘટના અંગે જાણ કરી વધારાનો પોલીસ બંદોબસ્ત મગાવતા એસપી નિલિપ્ત રોય, સાવર કુંડલા ડીવાય.એસ.પી. અમરેલી એલસીબી અને એસઓજી સ્ટાફ જાફરાબાદ દોડી ગયો હતો.
વધારાનો પોલીસ સ્ટાફ જાફરાબાદ પહોચે તે દરમિયાન વિફરેલા ટોળાએ કરેલા પથ્થરમારામાં પી.આઇ. જેઠવાના પગમાં ઇજા થઇ હતી અને હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇના કપડા ફાટી ગયા હતા. ટોળુ બેકાબુ બની ત્રણ સરકારી વાહનમાં તોડફોડ કરતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે પરિસ્થિતી પર કાબુ મેળવવા ટીયર ગેસના બે સેલ છોડતા વિફરેલુ ટોળુ વિખેરાયું હતું.
જાફરાબાદ પોલીસે તૂર્કી મુસ્લિમ અને કોળી જુથના કુલ ૬૫ સામે ગુનો નોંધી ૬૦ની અટકાય કરી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે જાફરાબાદમાં બેકાબુ બનેલી પરિસ્થિતી પર પોલીસે અંકુશ મેળવી લીધો છે. જાફરાવાદમાં અજંપાભરી સ્થિતિ હોવાથી પોલીસ દ્વારા કોમ્બીગ કરવામાં આવ્યું હતું.
તૂર્કી મુસ્લિમ અને કોળી જુથ સામે પોલીસ ફરિયાદી બની કાવતરૂ રચી, સરકારી મિલ્કતને નુકસાન કર્યાની અને પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધી રાતથી જ અટકાયતનો દોર શરૂ કરી દીધો છે.મુસ્લિમ સમાજના રજાક મુક્તાર હબસીએ નેસડી મોલામાં ટોળુ એકઠું કરી ઉશ્કેરણી કર્યા બાદ હથિયારો સાથે મુસ્લિમ સમાજનું ટોળુ રોડ પર આવી ગયું હતું. અને તોડફોડ શરૂ કરતા કોળી સમાજના આગેવાનોએ પણ વળતો હુમલો કરવા ટોળાને ઉશ્કેરતા તંગદીલી સર્જાય હતી અને રાત્રે આઠથી સાડા ત્રણ વાગ્યા સુધી બંને સમાજના ટોળા બેકાબુ થઇ સામસામે હુમલો કરી રહ્યા હતા. બંને સમાજ વચ્ચે લાંબા સમયથી ચાલતી અદાવત અને બાઇક-કાર અડાવવાના મુદે થયેલી બોલાચાલીમાં વિફરેલું ટોળા દ્વારા થયેલા પથ્થરમારાના કારણે કેટલાય નિર્દોષને ઇજા થઇ હતી તેમજ તેમની મિલકતને નુકસાન થયું હતુ. જોકે અમરેલી પોલીસે વધારાની પોલીસની મદદ લીધા વિના જ બંને સમાજના આગેવાનોની અટકાયત કરી પરિસ્થિતી પર કાબુ મેળવ્યો હતો. જાફરાબાદમાં ફરી અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા નિલિપ્ત રાયે જાફરાબાદ ખાતે જ કેમ્પ કરી ચુસ્ત બંદોબસ્ત જાળવવા પોલીસ સ્ટાફને સજજ કર્યા છે.
મહિલા પી.એસ.આઇ. પર હુમલો થતા બંને સમાજના આગેવાનોની કરાઇ અટકાયત
જાફરાબાદમાં ગઇકાલે રાતે સાડા આઠ વાગે કાર અને બાઇક અથડાયા બાદ મુસ્લિમ અને કોળી સમાજના આગેવાનો ઘટના સ્થળે એકઠાં થયા બાદ બંને સમાજના આગેવાનોએ કોમી ઉશ્કેરણી કરતા સામસામે પથ્થરમારો કર્યા બાદ લૂંટફાટ ચલાવી હતી. બેકાબુ બનેલા ટોળા પર અંકુશ મેળવવા પોલીસ દોડી જતા મહિલા પી.એસ.આઇ. સીંગલીયા પર હુમલો થયો હતો. પોલીસ સ્ટાફના કપડા ફાડી ટોળું સરકારી મિલકતને નુકસાન કરતા હોવાથી પોલીસ દ્વારા બળપ્રયોગ કરી બંને સમાજના આગેવાનોની અટકાયત કરી લીધી હતી તે દરમિયાન પી.આઇ.જેઠવા પર હુમલો થતા તેમના પગમાં ઇજા થઇ હતી. પોલીસે રાયોટીંગ, કાવતરૂ રચી, લૂંટ ચલાવી, ધાડ, ધાર્મિક લાગણી દુભાવવી, પોલીસની ફરજમાં રૂકાવટ કરવી અને સરકારી મિલકતને નુકસાન કર્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.