બંને પીએસઆઈ સચ્ચાઈથી સાંગોપાંગ ઉતર્યા અને સિટી ગેસ્ટ હાઉસના પેધી ગયેલા કર્મચારીને બોધપાઠ મળ્યો
જયદેવ અને રાણાનો અનુક્રમે વિરપૂર અને જેતલસર આઉટ પોસ્ટનો સમય પૂરો થયો અને બંનેને બે સપ્તાહ માટે રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં આવવાનું હતુ જેમાં એક સપ્તાહ ફીંગરપ્રિન્ટ એમ.ઓ.બી.ની પ્રાયોગીક તાલીમનું પણ હતુ જેતપૂરથી બંને ફોજદારો બેગબીસ્તરા લઈને સીધા રાજકોટ બસ સ્ટેન્ડ પાછળ આવેલ સીટી ગેસ્ટ હાઉસમાં આવ્યા બંને જણાને આ વિશ્રામગૃહમાં એડવાન્સ બુકીંગ કરાવવું પડે તેવી કોઈ વ્યવસ્થાનો ખ્યાલ ન હતો પરંતુ સીટી ગેસ્ટ હાઉસમાં આવતા કાઉન્ટર મેનેજર સજજન હતા તેમણે બે બેડનો ‚મ ફાળવી દીધો બંનેને થયું કે હવે પંદર દિવસ આરામથી ટુંકા થઈ જશે જયદેવ અને રાણા દિવસે ઓફીસ કામગીરી કરતા અને સાંજના રાજકોટ શહેરમાં હરતા ફરતા.
એક દિવસ બંને જણા રાત્રીનાં છેલ્લા શોમાં ફિલ્મ જોવા ગયા રાત્રે સાડા બારેક વાગ્યે સીટી ગેસ્ટ હાઉસમાં પાછા આવ્યા અને ‚મ ઉપર ગયા તો બંનેનો સામાન ‚મની બહાર પડેલો હતો. અને ‚મનો દરવાજો અંદરથી બંધ હતો આથી બંનેએ ‚મનો દરવાજો ખખડાવ્યો દરવાજો ખૂલતા વાર લાગી એટલે બંનેએ તાકાતથી દરવાજો ધબધબાવ્યો ધણીવારે દરવાજો ખૂલ્યો તો એક યુવાન સ્ત્રી કે જેણે અસ્ત વ્યસ્ત કપડા પહેરેલ હતા. તેઓ બંનેને રીવોલ્વર બાંધેલા જોઈને એકદમ પાછી અંદર ચાલી ગઈ થોડીવારે એક ૫૫ વર્ષની ઉંમરનો આધેડ વ્યકિત બહાર આવ્યો અને ડરી ગયો હોય તેમ કહ્યું તમારો સામાન અમે બાર નથી મૂકયો ગેસ્ટ હાઉસ વાળાએ મૂકેલ છે. અમને તો કાઉન્ટર ઉપરથી આ ‚મ ફાળવેલ છે.
મહિલા સાથે હોય બંનેએ નકકી કર્યું કે અર્ધીરાત્રે આ કપલને બહાર કાઢવું બરાબર નહિ જેથી બંને કાઉન્ટર ઉપર આવ્યા જે મેનેજર કાઉન્ટર ઉપર હતા તેને રાણાએ પોતાને ફાળવેલ ‚મ બાબતે પુછતા હાજર મેનેજરે સીધુ ઝઘડવાનું ચાલુ કરી દીધું અને દમ માર્યો કે હું સીટી ડીએસપી દત્તા સાહેબને જ ફરિયાદ કરવાનો છું બંને ફોજદારોને નવાઈ લાગી કે એવું તે શું કરી નાખ્યું કે સીધી ડીએસપી દત્તા સાહેબને જ ફરિયાદ કરવાની? જયદેવે રાણાને કહ્યું કે આ માણસ જ લઘુતાગ્રંથીથી પીડાય છે. આપણો ‚મ જેમને ફાળવ્યો છે તે કપલ જ કદાચ ગેરકાયદેસર હોઈ શકે જે છુપાવવા આ ‘ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે’ તેવા વર્તાવ કરે છે. આ કપલમાં જ કાંઈક ‘દાળમાં કાળુ લાગે છે’ આ સાંભળીને મેનેજર માલપાણી વધારે રાડો પાડવા લાગ્યો કેમકે તેની દુ:ખતી રગ દબાણી હતી. પરંતુ રાણાની મર્યાદા પુરી થઈ હતી તેણે કાંડામાં પહેરેલ કડુ કોણી તરફ ઉંચુ ચડાવ્યું અને એક કચકચાવીને ઝાપટ મારી માલપાણીના ગાલ ઉપર જાણે ધણનો ઘા ઝીંકાયો હોય તેમ મોઢુ ત્રાંસુ થઈ ગયું અને મોઢામાંથી લાળ નીકળી ગઈ. આથી માલપાણી બે બાકળો થઈ ગયો અને હવે શુંકરવું તે તેને સુઝયું નહિ પરંતુ રાડો પાડતો બંધ થઈ ગયો ત્યાં સન્નાટો છવાઈ ગયો પટ્ટાવાળા ચોકીદાર ચુપચાપ ઉભા હતા.
જયદેવે માલપાણી પાસે ગેસ્ટ હાઉસના મુખ્ય મેનેજરનો ટેલીફોન માંગ્યો પરંતુ માલપાણીના ‘પેટમાં પાપ હતુ’ તેથી કહ્યું નંબર નથી અત્યારે તમારી માટે અરધી રાત્રે કોણ જાગે? જેથી રાણાએ ચોકીદારને એક બાજુ લઈ જઈ મુખ્ય મેનેજરના ઘર અંગે પૂછતા ચોકીદારે કહ્યું કે મેનેજરનું ઘર ગેસ્ટ હાઉસની પાછળ જ છે. આથી બંને ફોજદારો એ મેનેજરના ઘેર જઈ દરવાજો ખખડાવ્યો મેનેજરે ઘરની બારી ખોલી માથુ બહાર કાઢી પુછયું શું છે જેની રાણાએ બનેલ બનાવની વાત કરી આથી મેનેજરે ચોકીદારને કહ્યું માલપાણીના ધંધા જ આવા છે. તેને કહે અત્યારે જ આ બંનેની તાત્કાલીક વ્યવસ્થા કરે અને મારી સાથે વાત કરે.
ચોકીદારે કાઉન્ટર ઉપર આવી માલપાણીને મેનેજરનો હુકમ જણાવ્યો. માલપાણીએ મેનેજર સાથે ટેલીફોનથી વાત કરી તો વધુ લેવાઈ ગયો છતાં માલપાણીએ બબડતા બબડતા ચોપડો કાઢી બંને ફોજદારોને દૂર એનેક્ષી બીલ્ડીંગમાં ‚મ ફાળવ્યો બંને જણા એનેક્ષીમાં આવ્યા.
ફ્રેશ થઈને જયદેવે રાણાને કહ્યું આ માલપાણી સારો માણસ લાગતો નથી. પાછળથી કાંઈક ખોટુ તુત ઉભુ કરશે આથી બંને પાછા કાઉન્ટર ઉપર આવ્યા માલપાણી હાજર નહતો. પટ્ટાવાળાએ કહ્યુંં કે એ ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયેલ છે. આથી રાણા અને જયદેવ બંને પોલીસ સ્ટેશને ત્રિકોણબાગ ખાતે આવ્યા પોલીસ સ્ટેશનમાં માલપાણી બાકડા ઉપર બેઠો હતો અને જમાદાર ખૂરશી ઉપર બેઠા હતા માલપાણી ફરિયાદ લખવાનું કહેતો હતો પરંતુ જમાદાર કહેતા હતા કે પૂરા નામ ઠામ વગર ફરિયાદ ન થાય તે લઈ આવો. તેમ બંને વચ્ચે રકઝક ચાલતી હતી ત્યાં જયદેવ અને રાણા પહોચી ગયા માલપાણીએ કહ્યું જો જમાદાર સાહેબ આજ બંને જણા. પરંતુ જમાદાર જમાનાના ખાઈપેધેલા ખડુસ હતા. આ પ્રોબેશ્નલ ફોજદારોને શું ખબર પડે તેમ માની તેમને કહેવા લાગ્યા કે આતો હું સારો છું તમારા વિ‚ધ્ધ ફરિયાદ નથી લેતો બાકી તમે બંને હેરાન થઈ જાવ. સમાધાન કરી લો અને માફી માગીલો.
જયદેવે કહ્યું ‘એરે ! ચોરી ઉપર શીરજોરી? લખીલો તેની ફરિયાદ પછી અમારી પણ ફરિયાદ લખી લો અમારા સામાનનો બીગાડ ચોરી વિગેરેનો તથા અમારા સાક્ષી હજુ પણ ગેસ્ટ હાઉસમાંજ હાજર છે. અને તેમની સાહેદી અત્યારે જ લેવડાવી લો અને સાક્ષીને પૂછપરછ કરી લો આથી જમાદાર અને માલપાણી બંને ઠરી ઠંડા થઈ ગયા જમાદારને ડહાપણ આવી ગયું હોય તેમ કહેવા લાગ્યા કે સાહેબ એમ વાત નથી. આતો બંને પક્ષવાળા સરકારી કર્મચારી છો એટલે કહું છું અને જમાદાર મુંજાઈ ગયા તેથી તેમણે હવા પ્રમાણે ઘોડી ફેરવી અને હવે માલપાણીને તાડુકવા લાગ્યા કે સાચી વાત કેમ કરતા નથી? જમાદાર હવે જયદેવ અને રાણાની સરભરા કરવા લાગ્યા તેમણે કોન્સ્ટેબલ હુકમ કર્યોકે બંને સાહેબો માટે ચા પાણી લઈ આવો. પરંતુ બંનેએ કહ્યું તેની જ‚ર નથી. તમે તમા‚ કામ કરવા લાગો. પરંતુ હવે માલપાણી સાવ ઠરી ગયો હતો. તેને ડર એ વાતનો લાગ્યો કે પોલીસ અત્યારેજ ગેસ્ટ હાઉસમાં આવે તો પેલા કપલનો ભાંડો ફૂટી જાય તેમ હતો તેથી માલપાણીએ જમાદાર ને કહ્યું કે મારે હવે ફરિયાદ કરવી નથી અને તે પોલીસ સ્ટેશન બહાર નીકળી ગયો.
જયદેવે અને રાણા પણ તેની પાછળ પાછળ ચાલતા થયા જયદેવે રાણાને કહ્યું માલપાણી ફરિયાદ કર્યા સિવાય નીકળી ગયો છે. પરંતુ માણસ બહુ હરામી લાગે છે. હજુ કાંઈક અરજી ફરિયાદ કર્યા સિવાય નહિ રહે અત્યારે તેનું ફરિયાદ કરવાનું માંડી વાળવાનું કારણ આપણા પેલા જૂના ‚મમાં રહેલ કપલ કદાચ ગેરકાયદેસર હોઈ શકે અને આ ભોપાળુ છતુ ન થાય તે માટે જ પાછો વળ્યો છે. રાણાએ કહ્યું તો એમ વાત છે તો કરણપરામાં નિર્જન રસ્તો આવવા દો ત્રીકોણ બાગથી થોડે આગળ જતા એક ગલીમાં માલપાણી વળ્યો ત્યાં કોઈ માણસોની અવર જવર હતી નહિ અને બજાર સુમસામ બંધ હતી રાણાએ માલપાણીને પકડી લીધો અને બરાબર સર્વીસ ચાલુ કરી વરામણી સર્વીસ ન થઈ જાય તે માટે જયદેવે માલપાણીને બરાબર પકડી રાખ્યો માલપાણીએ રાડો પાડતા રાણાએ એવી તાકાતથી સર્વીસ શ‚ કરી કે માલપાણીએ પોતે જ પોતાના મોઢા ઉપર હાથ મૂકી મોઢુ બંધ કરી દીધુ થોડીવાર પછી રાણાએ માલપાણીને કહ્યું પાછો પોલીસ સ્ટેશને જા અને હવે બરાબર ફરિયાદ કરજે.
પરંતુ ગમે તે કારણ હોય માલપાણી એક શબ્દ પણ બોલ્યો નહિ અને ચુપચાપ ગેસ્ટ હાઉસમાંજ પાછો આવ્યો પોલીસ સ્ટેશન ગયો નહિ.
બંનેએ ગેસ્ટ હાઉસમાં આવીને પ્રકાશમાં જોયું તો માલપાણીનું મોઢુ ગાલ અને આંખો સોજી ગયા હતા. માલપાણીને આ હાલતમાં જોઈ ચોકીદાર પટ્ટાવાળા બધુ સમજી ગયા અને કોઈ કાંઈ વાતચીત બોલ્યા ચાલ્યા સિવાય પોત પોતાની જગ્યાએ જતા રહ્યા.
સવારના નાસ્તો ચા પાણી કર્યા બાદ બંને વાતો કરતા હતા ત્યારે જયદેવે કહ્યું કે માલપાણી સખણો તો નહિ રહે કાંઈક તો કરશે છેવટે તેના અધિકારીઓ ને પણ ફરિયાદ તો કરશે જ આપણે પણ કાંઈક કરીને પાણી પહેલા પાળ બાંધવી પડશે. પોલીસ વાળા એવી ચર્ચા કરતા હોય છે કે સીટી ડીએસપી દત્તા સાહેબ પાસે જે ‘વહેલો પહોચે તે સાચો’ જેવો ન્યાય છે. જેથી આપણે તેમને મળીને પહેલા જ મુળ વાત કરી દઈએ અને બંને જણા કાઉન્ટર ઉપર આવ્યા મેનેજર મહેતા હાજર હતા. તેમણે બંને ફોજદારો પાસે રાત્રીની તકલીફ બદલ દીલગીરી વ્યકત કરી અને કહ્યું કે અગાઉ વાળો ‚મ જોઈ તો હોય તો ખાલી જ છે. પરંતુ રાણાએ કહ્યું કે અહી કયાં આખી જીંદગી કાઢવી છે. બે પાંચ દિવસમાં પાછા પોત પોતાના ઠેકાણે ચાલ્યા જવાનું છે તે બદલવાનું રહેવા દયો.
જયદેવે અને રાણા ટનાટન યુનિફોર્મ પહેરીને અગીયાર વાગ્યે જ રેસકોર્ષ ઉપર આવી સીટી ડી.એસ.પી. દત્તાને મળ્યા અને નમ્ર પણે રજુઆત કરી રાત્રે ગેસ્ટ હાઉસમાં તેમનો સામાન ગેસ્ટ હાઉસના કર્મચારીએ પોતાની ગેરહાજરીમાં બહાર ફેંકાવી રેઢો રઝળાવ્યો વિગરે વાત કરી અને હવે ફકત ચાર પાંચ દિવસ જ રોકાવાનું છે તેમ કહ્યું આથી દત્તાએ કહ્યું કે ગેસ્ટ હાઉસ સરકારી અધિકારીઓ માટે જ છે. ગમે તેટલા દિવસ કેમ રોકાવાનું ન હોય?
આમ વાત ચાલતી હતી ત્યાંજ ચેમ્બરના ફોનની રીંગ વાગી અને દત્તાએ ટેલીફોન ઉપર વાતચીત ચાલુ કરી દત્તા બોલ્યા અરે તેવું છેજ નહિ રાત્રીનાં પોલીસ અધિકારીઓની ગેરહાજરીમાં તેમનો સામાન બહાર ફેંકી દે તે કેટલુ વ્યાજબી છે? વળી આ બંનેતો હજુ માસુમ બચ્ચા જ છે. સ્કુલના વિદ્યાર્થી જેવા તેમનામાં કોઈ આક્રમકતા જણાતી નથી. પણ એકદમ નમ્ર અને વિવેકી છે. જુઓ પોલીસની નોકરી મુશ્કેલી વાળી અને તકલીફ વાળી છે અને અર્ધી રાત્રે તમારા કર્મચારી જો આવું વર્તન કરે અને પાછી ખોટી ફરિયાદ કરે તે કેટલે અંશે વ્યાજબી છે? અને વાતચીત પૂરી થઈ દતાએ બંને ને કહ્યું બચ્ચો કીસીકી પીટાઈ બીટાઈ તો નહિ કીને? બંને જણા નિદોર્ષ ભાવે ઉભા રહ્યા અને દત્તાએ કહ્યું ‘જાઓ, અબ ખ્યાલ રખના’
રાણાએ જયદેવને કહ્યું સા‚ કર્યું અહિ આવ્યા નહિતો મુશ્કેલી ઉભી થાત જ. જયદેવે કહ્યું આ બનાવ ઉપરથી બે બાબતનો નિર્ણય થયો.
એક માલપાણીએ ‚મ માટે ઉતાવળે જ ઝઘડો અને ઉદંડ વ્યવહાર કર્યો તેને બદલે વિચારીને જો બીજો ‚મ ફાળવી દીધો હોતતો કોઈ આગળ પ્રશ્ર્નો જ ઉદભવ્યા ન હોત.
બીજુ આયોજન પૂર્વક આપણે બંનેએ એક પછી એક વિચારીને પગલા લીધા અને પગ કાદવમાં હોવા છતા સાંગોપાંગ પસાર થઈ ગયા.
રાણા અને જયદેવ સીટી ગેસ્ટ હાઉસમાં આવ્યા અને અન્ય કર્મચારીઓથી જાણવા મળ્યું કે માલપાણી પી.ડબલ્યું.ડી.ના એકઝીકયુટીવ એન્જીનીયરને ફરિયાદ કરવા ગયો હતો અને તેની જ બદલી ગેસ્ટ હાઉસમાંથી પાછી ઓફીસમાં થઈ ગયેલ છે. જયદેવ અને રાણાને સીટી ગેસ્ટ હાઉસનું કાયમી ધોરણે સુખ થઈ ગયું.