આરોગ્ય શાખાના ચેકિંગ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી સડેલા શાકભાજી, રાધેલો વાસી ખોરાક, ફુગ ચડેલી બ્રેડ, બાંધેલો લોટ અને અતિશય ખરાબ ચટણીનો જથ્થો મળી આવ્યો: અનહાઈજેનીક કન્ડિસન બદલ જડ્ડુ’સ રેસ્ટોરન્ટને નોટિસ
શહેરના કાલાવાડ રોડ પર ક્રોસ રોડ બિલ્ડીંગમાં આવેલા જડ્ડુ’સ ફૂડ ફિલ્ડ રેસ્ટોરન્ટમાં ભોજન આરોગવું તબીયત માટે હાનીકારક હોવાનું આજે વધુ એક વખત પુરવાર થઈ ગયું છે. જડ્ડુ’સ રેસ્ટોરન્ટમાં લોકોને વાસી ખાદ્ય સામગ્રી પીરસવામાં આવતી હતી. આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં ૫૭ કિલોથી વધુ અખાદ્ય સામગ્રીનો નાશ કરી અનહાઈઝેનીક કંડીશન સબબ નોટિસ ફટકારવામાં આવી હતી.આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે શહેરના કાલાવડ રોડ પર ક્રોસ રોડ બિલ્ડીંગમાં આવેલા નયનાબા અનિરુધ્ધસિંહ જાડેજાની માલીકીના જડ્ડુ’સ ફૂડ ફીલ્ડ નામના રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ટોરન્ટમાં રાધેલો વાસી ખોરાક, મન્ચ્યુરન્સ નુડલ્સ, રાધેલા ભાત, દાલ ફ્રાય, બાફેલા બટેટા, ગ્રેવી, વિવિધ પ્રકારની ચટણીનો ફ્રિઝમાં લાંબા સમય સુધી સંગ્રહ કરી રાખવામાં આવતો હતો. રેસ્ટોરન્ટમાંથી સડેલા શાકભાજી અને ફૂક ચડી ગયેલી બ્રેડનો જથ્થો પણ મળી આવ્યો હતો. બ્રેડ અને પીઝા બેઈઝ લાંબા સમય સુધી ફ્રિઝમાં સાચવી રાખવામાં આવતા હતા. જેના પર એકસ્પાયરી ડેઈટ પણ લખવામાં આવેલ ન હતી. વિવિધ પ્રકારના બાંધેલા લોટનો પણ ફ્રિઝમાં સંગ્રહ કરવામાં આવતો હતો. આ ઉપરાંત ખાદ્ય સામગ્રી બનાવવા માટે એમએસજી એટલે કે હાજીનો મોટો અને પ્રતિબંધીત કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો. એઠવાડના નિકાલ માટે રેસ્ટોરન્ટમાં ક્રસરની સુવિધા ન હતી, રો મટીરીયલ અને સ્ટોરેજમાં પણ અતિ અનહાઈઝેનીક કંડીશન જોવા મળી હતી.આજે ચેકિંગ દરમિયાન ૧૭ કિલો સડેલા શાકભાજી, ૭ કિલો રાધેલો વાસી ખોરાક, પાસ્તા, મેક્રોની અને મન્ચ્યુરનનો જથ્થો, ૧૪ કિલો ખરાબ બ્રેડ, ૯ કિલો બાંધેલો લોટ, ૪ કિલો વિવિધ પ્રકારની ચટણી અને ગ્રેવી, ચાર કિલો બાફેલા બટેટા અને ફૂગ ચડેલી પૂરી, ૫૦૦ ગ્રામ હાજીનો મોટો અને દોઢ કિલો વિવિધ પ્રકારના પ્રતિબંધીત કલરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અનહાઈઝેનીક કંડીશન સબબ જડ્ડુ’સ ફૂડ ફિલ્ડને નોટિસ ફટકારવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાના એક નામી ક્રિકેટરની માલીકીના આ રેસ્ટોરન્ટમાં અવાર-નવાર ક્ષતિઓ પકડાય છે. છતાં કોર્પોરેશન સહિતના સરકારી તંત્ર દ્વારા કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ પણ જડ્ડુ’સ ફૂડ ફિલ્ડમાં ગેરકાયદેસર બાંધકામ સહિતની ગેરરીતિઓ બહાર આવી હતી. આજે આરોગ્ય શાખાના ચેકિંગમાં રેસ્ટોરન્ટ દ્વારા લોકો માંદગીના બિછાને પડે તેવા પ્રકારની ખાદ્ય સામગ્રી પીરસવામાં આવતી હોવાનું બહાર આવતા શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.