• હાઈ સ્કોરિંગ બનેલા મેચમાં રાજસ્થાનના સંજુ સેમસનની 86 રનની ઈનિંગ પાણીમાં: ઓપનારો નિષ્ફળ નિવડતા ટીમનો 20 રને પરાજય

દિલ્હી કેપિટલ્સે પ્લેઓફનું ભાગ્ય પોતાના હાથમાં રાખતા મહત્વની મેચમાં રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવી દીધું છે. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે હાર બાદ રાજસ્થાન રોયલ્સે પ્લેઓફની ટિકિટ માટે હજુ રાહ જોવી પડશે. દિલ્હીમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા રિષભ પંતની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 221 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 201 રન બનાવી શકી હતી.  મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે બીજા બોલે વિકેટ ગુમાવી હતી. યશસ્વી જાયસ્વાલ 4 રન બનાવી ખલીલની ઓવરમાં આઉટ થયો હતો. જોસ બટલર પણ 17 બોલમાં 2 ચોગ્ગા અને એક સિક્સ સાથે 19 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો.

જે બાદ મોટા લક્ષ્યાંક માટેની જવાબદારી મિડલ ઓર્ડર બેટ્સમેન ઉપર આવી ગઈ હતી જેમાં સુકાની સંજુ સેમ્સને 86 રનનું યોગદાન આપ્યું હતું. સંજુના પ્રદર્શનને બાદ કરતા અન્ય કોઈ ખેલાડી 30 રનથી વધુ નો સ્કોર બનાવી શક્યું ન હતું અને અંતે ટીમનો 20 રને પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત મજબૂત રહી હતી. જેક ફ્રેઝર મેકગર્કે પાવરપ્લેમાં આક્રમક શરૂઆત કરી હતી. મેકગર્કે માત્ર 19 બોલમાં પોતાના આઈપીએલ કરિયરની ચોથી અડધી સદી ફટકારી હતી. મેકગર્ક 20 બોલમાં 7 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 50 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય અભિષેક પોરેલે દિલ્હી તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. પોરેલે આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારતા 65 રન બનાવ્યા હતા. અભિષેકે 36 બોલમાં 7 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 65 રન બનાવ્યા હતા. ત્યારબાદના જે બેટ્સમેનોએ રન ગતિને આગળ વધારવી જોઈએ તેઓ નિષ્ફળ રહ્યા હતા પરંતુ છેલ્લી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સે કમાલની બેટિંગ કરી હતી, સ્ટબ્સે 20 બોલમાં 3 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 41 રન બનાવ્યા હતા. ગુલબદ્દીન નાયબ 19 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

થર્ડ અમ્પાયર દ્વારા સેમસનને આઉટ આપવાના નિર્ણયને લઈને ફરી વિવાદ

ઋષભ પંતના નેતૃત્વ હેઠળ, દિલ્હી કેપિટલ્સે આઇપીએલ 2024 ની 56મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવ્યું, 2 મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા અને પ્લેઓફ માટે પોતાનું સ્થાન મજબૂત કર્યું.  રાજસ્થાન રોયલ્સ તરફથી સંજુ સેમસને 46 બોલમાં 86 રનની ઇનિંગ રમી હતી.  સંજુ જ્યાં સુધી બેટિંગ કરી રહ્યો હતો ત્યાં સુધી રાજસ્થાન મેચમાં હતું, પરંતુ રાજસ્થાનનો કેપ્ટન નિર્ણાયક સમયે કેચ આઉટ થયો હતો.  જોકે, સંજુ સેમસન કેચ આઉટ થતાં ભારે હોબાળો થયો હતો.  આઇપીએલ 2024માં અત્યાર સુધીમાં થર્ડ અમ્પાયરના ઘણા એવા નિર્ણયો આવ્યા છે જેના કારણે ઘણો વિવાદ થયો છે અને સંજુ સેમસનને લઈને થર્ડ અમ્પાયરના નિર્ણયે ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. મુકેશ કુમાર રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સની 16મી ઓવર ફેંકવા આવ્યો હતો.  તેની ઓવરના ચોથા બોલ પર, સંજુએ ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ રમ્યો, પરંતુ બેટ અને બોલ વચ્ચે કોઈ યોગ્ય જોડાણ નહોતું અને તે બાઉન્ડ્રી લાઇન પર શાઈ હોપના હાથે કેચ આઉટ થયો હતો.  આ દરમિયાન શાઈ હોપનું સંતુલન ખોરવાઈ ગયું હતું પરંતુ તે આખરે કેચ લેવામાં સફળ રહ્યો હતો.  ઓનફિલ્ડ અમ્પાયરે કેચ ક્લિયર છે કે નહીં તે જોવા માટે તેને થર્ડ અમ્પાયર પાસે મોકલ્યો.  થર્ડ અમ્પાયરે કેટલાક રિપ્લે જોયા બાદ સંજુ સેમસનને આઉટ જાહેર કર્યો હતો.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.