ઉઘડતી બજારે 59104.58ની સપાટીએ સરકી ગયેલો સેન્સેક્સ ગણતરીની કલાકોમાં ફરી 60,000ને પાર: નિફટી પણ રેડઝોનમાંથી ગ્રીન ઝોનમાં
સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં આજે ભારતીય શેરબજારમાં ઉઘડતી બજારે ભારે મંદી વ્યાપી જવા પામી હતી. સેન્સેક્સમાં 880 પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયા બાદ ગણતરીની કલાકોમાં જ જબરી રિકવરી જોવા મળી હતી. એક તબક્કે 59104.58ની સપાટીએ પહોંચી ગયેલો સેન્સેક્સ ફરી 60,000ને પાર થઈ ગયો હતો. બીજી તરફ નિફટી પણ રેડઝોનમાંથી ગ્રીન ઝોનમાં આવી જતાં રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હતો. અમેરિકી ડોલર સામે આજે પણ ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો.
આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં મંદીની મોકાણ મંડાઈ હતી. ઉઘડતી બજારે સેન્સેક્સમાં 800થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. એક તબક્કે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 59104.58એ પહોંચી જતાં એવું લાગી રહ્યું હતું કે, આજે સેન્સેક્સ 59,000ની સપાટી પણ તોડી નાખશે. જો કે ત્યારબાદ નીચે મથાળે ખરીદારીનો દૌર શરૂ થવાના કારણે માર્કેટમાં ફરી તેજી પાછી આવી હતી.
નિફટી પણ આજે ઈન્ટ્રા-ડેમાં 17613.10 સરકી હતી. જો કે, ત્યારબાદ સુધારાના કારણે વધુ કડાકો અટકી ગયો હતો. સતત બીજા દિવસે પણ મંદીના કારણે રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બેંક નિફટી ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહી છે. જ્યારે નિફટી મીડકેપ 100 રેડઝોનમાં ટ્રેડ કરતો નજરે પડ્યો હતો. આજે માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ, જેએસડબલ્યુ સ્ટીલ અને એસબીઆઈ જેવી કંપનીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
જ્યારે એચડીએફસી, કોટક મહિન્દ્રા, આઈસર મોટર્સ અને વિપ્રો જેવી કંપનીના શેરના ભાવમાં કડાકો બોલી ગયો હતો. બુલીયન બજારમાં પણ મંદીના વાદળો ઘેરાયા હતા. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત મજબૂત બની રહ્યો છે.આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 8 પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે 59976 અને નિફટી 1 પોઈન્ટના ઉછાળા સાથે 17858 પોઈન્ટ પર કામકાજ કરી રહી છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 14 પૈસાની મજબૂતી સાથે 74.78 પર ટ્રેડ કરી રહ્યો છે.