આજે રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોલીસ માટે ખૂબ જ મહત્વના મનાતા સીસીટીવી પ્રોજેક્ટ આઈ વેનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેર પોલીસ અને રાજકોટ કોર્પોરેશન દ્વારા સંયુક્ત ઉપક્રમે શહેરના તમામ રસ્તા, ટ્રાફિક સિગ્નલ, અને શહેરને જોડતા તમામ હાઇવે પર કુલ 172 લોકેશન પર 966 સીસીટીવી મૂકવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. એટલું જ નહીં પ્રથમ તબક્કામાં 400થી વધુ CCTV લગાવી દેવામાં આવ્યા છે.
રંગીલા રાજકોટ તરીકે નહીં પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી ક્રાઇમ નગરી તરીકે પ્રખ્યાત થયેલા રાજકોટ માટે આઇ વે પ્રોજેક્ટ ખૂબ જ અગત્યનો છે. આ પ્રોજેક્ટ અંગતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમના મોનિટરિંગ માટે પોલીસ કમિશનર ઓફિસ અને મનપામાં બે કંટ્રોલરૂમ ઊભા કરાશે.
ગુનેગારને પકડવામાં હવે મુશીબાતનો સામનો નહીં કરવો પડે, સીસીટીવીમાં ઘટના કેદ થઈ જશે, ત્યારબાદ સર્વેલન્સ સિસ્ટમ મોનિટરિંગ કંટ્રોલરૂમના ગુનેગાર કઈ તરફ ભાગ્યા છે, તે અંગે નજીકમાં પેટ્રોલિંગ કરતી પોલીસ વાન અને સંબંધીત પોલીસમથકને 30 સેકન્ડમાં જાણકારી આપશે, ત્યારબાદ એક ટીમ ગુનેગારોનો પીછો કરશે અને એક ટીમ ઘટનાસ્થળે પહોંચી જશે. તમામ કેમેરા ઉચ્ચ ગુણવતાના તથા હાઇ રિવોલ્યૂશન, નાઈટ વિઝન અને એચ ડી છે, તો દરેક સ્થળે 360 ડિગ્રી સુધી ફરી શકે અને ઝૂમ થઈ શકે છે. અદ્યતન ટેક્નોલોજીના કેમેરાના કારણે ગુનેગારના બાઈક નંબર, ચહેરાની ઓળખ થઈ જશે, એટલું જ નહીં ગુનેગારોની બાઇક કે કારના નંબર પણ કેદ થઈ જશે. એટલું જ નહીં પોલીસ પાસે એવું સોફ્ટરવેર છે જેમાં ગુનો કરીને ભાગેલા આરોપીના વાહનના નંબર ઓટોમેટિક ઝૂમ કરીને સ્ક્રીન શોટ પાડી ફોટો સેવ થઈ જશે.