વેસ્ટ આફ્રિકન દેશોમાં વ્યાપાર કરવા ફ્રેન્ચ કોલોની આઈવરી કોસ્ટને ભારતની ટેકનોલોજી વધુ માફક આવતી હોવાનો નિષ્ણાંતોનો મત
વેસ્ટ આફ્રિકામાં વેપાર વિનીમય કરવા સૌરાષ્ટ્રના ઉદ્યોગોમાં છેલ્લા ઘણા સમયથી અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આફ્રિકન દેશોમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગો મોટી હાજરી ધરાવે છે. આવા સંજોગોમાં આઈવરી કોસ્ટ જેવો દેશ આફ્રિકામાં સૌરાષ્ટ્રના વેપાર માટે ચાંદી હી ચાંદી જેવી પરિસ્થિતિ ઉભી કરી શકે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે. વર્તમાન સમયે સાઉથ આફ્રિકાના દેશો સાથે ભારતના ગાઢ વ્યાપારીક સંબંધો છે પરંતુ હવે વેસ્ટ આફ્રિકામાં પણ સંબંધો વિકસાવવા લાગ્યા છે.
આ મામલે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગભાઈ તેજુરાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, આઈવરી કોસ્ટ અન્ય આફ્રિકન દેશોની સરખામણીએ વેલ ડિસીપ્લીન દેશ છે. આઈવરી કોસ્ટ ફ્રેન્ચ કોલોની છે. ઘાના, કોંગો, સેનેગલ જેવા દેશોની જેમ આઈવરી કોસ્ટ પણ ભારત માટે મહત્વનું સાબીત થઈ શકે છે. આ દેશમાં સૌરાષ્ટ્ર સહિત દેશભરના ઉદ્યોગો માટે વેપાર દીઠ ઉજળી તક છે. અત્યાર સુધી આઈવરી કોસ્ટના વેપારીક સંબંધો યુરોપ સાથે વધુ ગાઢ હતા. પરંતુ હવે ભારતના સંબંધો પણ મજબૂત થયા છે.
આઈવરી કોસ્ટ જેવા દેશોને ભારતીય ટેકનોલોજી વધુ માફક આવે છે. આપણી પધ્ધતિ ઓછા ખર્ચે સારા ઉત્પાદનોની છે. ભારતીય લોકોના જુગાડના કારણે ઉત્પાદન પાછળ ખર્ચ ઓછો રહે છે અને ઉત્પાદન વધે છે માટે યુરોપની મોંઘીદાટ પધ્ધતિના સ્થાને ભારતીય પધ્ધતિ તરફ વેસ્ટ આફ્રિકન દેશો વધુ આકર્ષાયા છે. દેશના તમામ ઉદ્યોગોને આઈવરી કોસ્ટ સાથે સંબંધ વધુ મજબૂત થતાં ફાયદો થશે તેવી અપેક્ષા છે.
અહીં નોંધનીય છે કે, આફ્રિકન દેશોમાં વેપાર વિનીમય માટે ભારતીય ઉદ્યોગો લાંબા સમયથી કમરકસી રહ્યાં છે. આફ્રિકન દેશોમાં ઉદ્યોગો વિકસાવવા ભારતીય ઉદ્યોગોની સૌથી મોટી હરિફાઈ ચીન સાથે છે. દર વર્ષે આફ્રિકન દેશોમાં ઉદ્યોગ વિકસાવવા માટે મસમોટા આયોજનો ઘડી કાઢવામાં આવે છે. વેપાર ઉદ્યોગના મેળા ભરાય છે. જ્યાં આફ્રિકન દેશોના ડેલીગેટ્સને બોલાવાય છે અને બી-ટુ-બી વધુ સરળ બનાવાય છે.
આઈવરી કોસ્ટમાં ઈન્ડિયા ડેની ઉજવણી
ફ્રેન્ચ કોલોની આઈવરી કોસ્ટમાં તાજેતરમાં ઈન્ડિયા ડેની ઉજવણી થઈ હતી. આ બે દિવસીય કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. ૩૦ કંપનીઓ દ્વારા વિવિધ પ્રોડકટ રજૂ કરવામાં આવી હતી. મુડી રોકાણ અને પ્રમોશન સંબંધી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા ભારતમાંથી ૧૫ જેટલી કંપનીઓ આઈવર કોસ્ટ પહોંચી હતી. બન્ને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો વધુ ગાઢ બનાવવા માટે ઈન્ડિયાની ડેની ઉજવણી કારગત નિવડી હતી.
ખેડૂતો આનંદો… ડુંગળીની નિકાસને સરકારની લીલીઝંડી
દર વર્ષે સામાન્ય લોકોની સાથો સાથ ખેડૂતોને પણ રડાવતી ડુંગળીના ભાવ સંતુલીત રાખવા માટે કેન્દ્ર સરકાર મામણ કરી રહી છે. આ મામણના અનુસંધાને આગામી તા.૧૫ માર્ચથી ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. લેટર ઓફ ક્રેડીટ વગર આ નિકાસ કરવાની સ્વતંત્ર્તા અપાઈ છે. મીનીમમ એકસ્પોર્ટ પ્રાઈઝના માધ્યમથી ખેડૂતોને આગામી વર્ષે ડુંગળીના ભાવ સારા મળશે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે ત્યારે દર વર્ષે ગ્રાહકને રડાવતી ડુંગળી સીઝન પ્રમાણે ખેડૂતોને પણ રડાવતી હોય સરકારને પણ નિકાસનો નિર્ણય અસરકારક નિવડશે તેવું માનવામાં આવે છે. નોંધનીય છે કે, થોડા મહિના પહલા ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. આસમાને પહોંચેલા ભાવના કારણે વ્યાપક રોષ વ્યકત થતાં સરકારને તુર્કી અને ઈજીપ્તથી ડુંગળી મંગાવવાની ફરજ પડી હતી. બીજી તરફ આ ડુંગળી બજારમાં આવે તે પહેલા જ સ્થાનિક ઉત્પાદન પણ બજારમાં આવી ગયું હતું. સરકારે નક્કી કરેલા કવોટા મુજબ રાજ્ય સરકારો દ્વારા ડુંગળી લેવાનો નનૈયો ભણી દેવાયો હતો. વિદેશી ડુંગળીનો કોઈ લેવાલ ન મળતા કરોડો રૂપિયાની નુકસાની સહન કરવાની નોબત આવી હતી. દેશમાં કોલ્ડ સ્ટોરેજની સાથો સાથ આંતર માળખાકીય સુવિધાનો અભાવ હોવાથી દર વર્ષે ૩૫ ટકા જેટલી ખેતપેદાશોનો બગાડ તો હોય છે. આવા સંજોગોમાં ભાવ આસમાને પહોંચતા લોકોના ખભે આર્થિક બોજ પડે છે.