સમગ્ર રાજકોટ શહેરમાં આઇવે પ્રોજેકટ હેઠળ સીસી ટીવી કેમેરા ગોઠવાયા છે જેમાં જિલ્લાની વડી કચેરી એવી રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં પણ આ પ્રોજેકટ હેઠળ બે સીસી ટીવી કેમેરા ગોઠવાયા છે પરિણામે 24×7 કચેરી પર કેમેરાની બાઝનજર રહેશે, જો કે આશ્ચર્ય એ વાતનું છે કે જ્યાંથી આ પ્રોજેક્ટનું મોનીટરીંગ થાય છે એવી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં આ પ્રોજેકટ તળે હજુ કેમેરા ગોઠવાયા નથી.
રાજકોટ શહેરમાં આંતરીક સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા તેમજ સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત આઇવે પ્રોજેકટ હેઠળ શહેરના તમામ મુખ્ય માર્ગો અને વ્યૂહાત્મક સ્થળો તેમજ શહેરના મુખ્ય પ્રવેશ માર્ગો પર સીસી ટીવી કેમેરા ગોઠવી આઇવે પ્રોજેકટ દ્વારા બાઝનજર રાખવામાં આવી રહી છે.
આ પ્રોજેકટ અંતર્ગત હાલમાં રાજકોટ શહેરની એક માત્ર જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા સેવાસદન ૨ ખાતે આઇવે પ્રોજેકટને બે કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને 24×7 કચેરી પર નઝર રાખવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કલેકટર કચેરીમાં અરજદારોની સતત અવર જવર ઉપરાંત શહેર તથા જિલ્લાની મોટાભાગની રજૂઆતો માટે રેલી સ્વરૂપે કે ડેલીગેશનમાં લોકો આવતા જોય છે જેમાં કેટલીક વખત સેન્સેટિવ બાબતોની રજુઆત સમયે ટોળાઓ દ્વારા કચેરીમાં તોડ ફોડ કરાયાના ભૂતકાળના બનાવો જોતા સીસી ટીવીની તીસરી આંખથી હવે ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકી શકશે.
જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસવડા કે આ પ્રોજેક્ટનું મોનીટરીંગ કરતી મહાનગર પાલિકા કચેરીમાં જ આઇવે પ્રોજેકટ તળે કેમેરા હજુ સુધી લાગ્યા નથી મહાનગર પાલિકામાં અગાઉ લગાવાયેલ એક કેમેરાથી કામ ચાલી રહ્યું છે
કલેકટર કચેરીના અંતરંગ વર્તુળોના જણાવ્યા મુજબ આઇવે પ્રોજેકટ હેઠળ લગાવાયેલ આ કેમેરાની પરમિશન લેવામાં આવી નથી ! છતાં સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ આઇવે પ્રોજેક્ટ તળે થયેલી આ કામગીરી વખાણવા લાયક છે.