શરીરને નરવાઈ આપવાનો શ્રેષ્ઠ સમય, સ્વાસ્થયપ્રેમીઓ વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં લટાર મારવા નીકળીને માણી રહ્યા છે આનંદ
કડકડતી ઠંડીમાં વહેલી સવારે શરીર કસવું મનને પ્રફૂલ્લિત રાખે છે
ફૂલ ગુલાબી ઠંડી માણવાનો શ્રેષ્ઠ અવસર આવી ગયો છે. શરીરને નરમાઇ આપવાનો આ ઉત્તમ સમય હોય સ્વાસ્થ્યપ્રેમીઓ વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં લટાર મારવા નીકળીને આનંદ માણી રહ્યા છે. સવારની હાડ થીજાવતી ઠંડી વચ્ચે શરીરને ગરમ રાખવા માટે કરવામાં આવતી કસરત આખું વર્ષ સ્વસ્થ રાખે છે. આ વાત જાણતા સ્વાસ્થ્ય પ્રેમીઓ શિયાળામાં મોર્નિંગ વોકનો લ્હાવો ચૂકતા નથી.
આખા વર્ષમાં શિયાળાની ઋતુ શરીરને સ્વસ્થ રાખવા માટે શ્રેષ્ઠ ઋતુ ગણાય છે. શિયાળા દરમિયાન લીલા શાકભાજી અને ફળનો આહાર તેમજ વહેલી સવારે કરેલી કસરત ૧૨ મહિના સુધી તંદુરસ્તી આપે છે. તેવું માનવામાં આવે છે. જેથી જ લોકો શિયાળામાં થોડો સમય શરીર માટે ફાળવી થોડી તકેદારી રાખીને આખું વર્ષ સ્વસ્થ રહે છે.
હાલ સૌરાષ્ટ્રભરમાં હાડ થિજાવતી ઠંડીનો દોર ચાલી રહ્યું છે. તેવામાં અનેક જગ્યાએ વહેલી સવારે લોકો લટાર મારતા નજરે પડે છે. મનને પ્રફુલ્લિત રાખવા તેમજ શારીરિક સમસ્યાઓ દૂર કરવામાં આ મોર્નિંગ વોક ખૂબ લાભદાયી નીવડે છે. માટે જ શિયાળાની કડકડતી ઠંડીમાં ઘણા ખરા લોકો વહેલી સવારે ગોદડાની બહાર પણ નીકળતા ડરે છે. તેવા સમયે સ્વાસ્થ્યપ્રેમીઓ ઘરની બહાર ખુલ્લા વાતાવરણમાં જઈને મોર્નિંગ વોક કે અન્ય કસરતો કરી પોતાના શરીરને ફિટ રાખે છે.
રાજકોટમાં સીઝનમાં સૌપ્રથમ વખત તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયું
રાજકોટમાં સિઝનનું પ્રથમ વાર તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયું છે.છેલ્લા ૪ દિવસથી શહેરમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આજે રાજકોટ શહેરનું લઘુતમ તાપમાન ૯.૪ ડિગ્રી નોંધાયું હતું જે સિઝનનું પ્રથમ વાર નીચું તાપમાન નોંધાયું છે. આજે વહેલી સવારે એટલે કે ૮:૩૦ વાગ્યે તાપમાન ૧૨.૪ ડિગ્રી નોંધાયો હતો જ્યારે હવામાં ભેજ ૭૨ ટકા અને પવન ૧૨ કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાયો હતો. લોકો વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીમાં મોર્નિંગવોક કરતા નજરે પડે છે અને મોડી રાતે ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા જોવા મળે છે.