દુબઈની કંપની મારફતે આયાત અને નિકાસના ગોટાળાની આશંકા : 30થી વધુ લોકરની સાથે જમીનોના દસ્તાવેજો, મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના મળી આવ્યા
આવકવેરા વિભાગે છેલ્લા કેટલાક દિવસથી મોટી ટેક્સ ચોરી થતી હોવાની આશંકા સાથે 30થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યુ છે. આવકવેરા વિભાગે ગુજરાતમાં વડોદરા, કચ્છ અને દિલ્હી સહિત દેશમાં 30થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં વડોદરામાં શિવપ્રકાશ ગોયલ, જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રૂપ અને પ્રકાશ કેમિકલમાં તપાસ હાથ ધરી છે. વડોદરાના આ બંને પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપ પર આઈટીના દરોડાનો આજે પાંચમો દિવસ છે.
વડોદરામાં પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપ પર સર્ચ અને કાઉન્ટિંગની કામગીરી ચાલુ છે. બંને ગ્રુપના વડોદરા, ભરૂચ, ગાંધીધામ, દિલ્હી સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. 30થી વધુ સ્થળોએ આઇટીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બંને ગ્રુપ પાસેથી કરોડોની રોકડ, જવેલરી તથા મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા છે તો 30થી વધુ લોકરમાંથી મળેલી જવેલરી અને રોકડ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરાના પ્રકાશ ગ્રુપની એક કંપની દુબઈમાં પણ છે. દુબઈની કંપની થકી આયાત નિકાસના ગોટાળાની આશંકા છે. ટેક્સની મોટી રકમની ચોરી કરવામાં આવતી હોવાની શંકા છે.વડોદરામાં કંપનીના માલિક દિલીપ શાહ અને મનીષ શાહને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ કરી છે. આ તરફ ગોયલ ગ્રૂપના ગાંધીધામના ભીમાસરમાં આવેલા કચ્છ કેમિકલ પ્લાન્ટ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસના અંતે મોટાપાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા છે.
આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન 30થી વધુ લોકર મળી આવ્યા હતા. જેમાંથી જમીનોના દસ્તાવેજો, મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. વડોદરાના બે કેમિકલ ઉધોગો પર આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત્ છે. વડોદરા ઉપરાંત દિલ્હી, ગાંધીધામ, ભરૂચમાં 30 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રકાશ કેમિકલ અને ગોયલ ગ્રુપના નિવાસ્થાનો, ઓફિસો અને અન્ય સંબંધિત સ્થળો પર ગુરુવારે વહેલી સવારથી સર્ચ ચાલી રહ્યું છે. મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ હોવાથી આ પ્રક્રિયામાં સમય લાગશે તેથી કરચોરીની અને બેનામી દસ્તાવેજોની વિગત મેળવવામાં વિલંબ થઇ શકે છે.
અમદાવાદ, વડોદરા અને સુરતના કોસ્મેટિક ટ્રીટમેન્ટના વિક્રેતાઓ ઉપર જીએસટી વિભાગ ત્રાટક્યું
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરતના કોસ્મેટિક ટ્રીટમેન્ટ અને પ્લાસ્ટિક સર્જરીના વિક્રેતાઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. જે પછી કોસ્મેટિક ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ વિભાગના ધ્યાને આવ્યું હતુ કે વેપારીઓ તેમની કિંમતની સામે જીએસટી ભરતા ન હતા તો બીજી તરફ સુરતમાં યાર્ન ઉત્પાદક ગ્રુપની 5.75 કરોડની કરચોરી પણ GST વિભાગના દરોડામાં સામે આવી છે.