પ્રાંસલા ખાતે ર૮મીથી રરમી રાષ્ટ્રકથા શિબિર: રાષ્ટ્રધર્મને ઉજાગર કરતા મંતવ્યો સ્વામી ધર્મબંધુજીએ ‘અબતક’ સાથે વ્યકત કર્યા
ગુજરાતના નાના એવા ગામ પ્રાંસલામાં આયોજિત રાષ્ટ્રકથા શિબિરના સંદર્ભે વૈદિક મિશન ટ્રસ્ટના સ્વામી ધર્મબંધુજીએ અબતકની મૂલાકાત દરમિયાન નાગરીક ધર્મ થકી રાષ્ટ્ર નિર્માણની ઘણી રોચક વાતો કહી હતી. તેઓએ જણાવ્યું હતું કે દુનિયાના દેશોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે, ભારત એક સમયે વિશ્ર્વગુરુ તરીકે દુનિયાભરમાં જાણીતું હતું. વેદ અને ઉપનિષદની રચનાઓના અભ્યાસ પરથી એ હકીકત પ્રસ્થાપિત થાય છે કે, આ દેશ એ મહાનજ્ઞાનિ મહાપુરુષોની ભુમિ હતી જ્યાં ભગવાન શ્રીરામ, ભગવાનશ્રી કૃષ્ણથી માંડીને જગતને સાચી દિશા આપનારા ઋષિમુનીઓ, તિર્થંકરો, મહાપુરુષો અને જ્ઞાતાઓએ જન્મ લીધો છે. આ ધરતીએ સંતો, મહંતોની સાથે વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, ટેકનોક્રેટ સાહિત્યકારો, ઈતિહાસકારો સહીત અનેકવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારા મહાનુભાવો આપ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જીવન આજે વિશ્ર્વભરના લોકો માટે પ્રેરણાદાયી બની રહ્યું છે. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદથી માંડીને અનેક સેવાવ્રત ધારી સાધુ સંતોએ આધ્યાત્મિક જીવનનો નવો આયામ-નવી દ્રષ્ટિ આપીને સમાજના છેલ્લા માણસને મદદરૂપ થવાની ભાવનાને પ્રસ્થાપિત કરી છે. પરંતુ કોઈપણ દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ માત્ર તેના ગૌરવવંતા ઈતિહાસથી થઈ ન શકે, તેના માટે તો વર્તમાન સમયને જ મજબુત સાધન બનાવીને આગળ વધવું જોઈએ. આ કામ માટે કેળવણીનું માધ્યમ સૌથી વધુ અસરકારક છે જે કામ રાષ્ટ્રકથા શિબિર દ્વારા થઈ રહ્યું છે.
આપણા દેશ પાસે કુદરતી સંપતિનો અખુટ ખજાનો છે, અહીં ૭૦૦૦ કીમીનો વિશાળ દરીયા કિનારો છે, ૩૫૦૦ કીમી લાંબી હિમાલયની પર્વતમાળા, વિશાળ જંગલો અને રણપ્રધેશ પણ છે. જગતમાં સૌથી વધુ વરસાદ ભારતમાં ચેરાપુંજી ખાતે વરસે છે, નદીઓ, પહાડો, ગીરીકંદ્રાઓ સાથે અનેક પ્રકારના ખનીજ સંપતિની વૈવિધ્ય ધરાવતા આ વિસ્તારમાં ૫૫૦૦૦ પ્રકારની વનસ્પતિ ઉગે છે. અર્થાત પ્રાકૃતિક રીતે આપણો દેશ સમૃદ્ધ હોવા છતાં આ દેશને ગરીબીના કલંકમાંથી કેમ દુર કરી શકાયો નથી? વર્ષો સુધી તનતોડ મહેનત કરનારા હજારો લોકોને બે ટંકનું ભોજન મેળવવા માટે પણ કેટલી મથામણ કરવી પડે છે? આ સવાલોનો જવાબ શોધવાની દિશામાં યુવાનો શિબિરમાં સંવાદ કરવામાં આવે છે. દેશના જાણીતા શિક્ષાવિદો અને અર્થશાસ્ત્રીઓ દેશની વિકરાળ સમસ્યાઓનો ઉકેલ આપીને સમજાવે છે કે, દેશના સર્વાંગી ઉત્કર્ષ માટે, જાતીવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદથી ઉપર ઉઠીને રાષ્ટ્રવાદને કેન્દ્રમાં રાખીને આગળ વધવું જરી છે. જ્યાં સુધી આ કામમાં આજના યુવકો સુત્રધાર નહીં બને ત્યાં સુધી રાષ્ટ્રીય સમસ્યાઓનો સાચો ઉકેલ મળવો મુશ્કેલ છે તેમ જણાવી તેઓએ પ્રવર્તમાન રાષ્ટ્રીય સમસ્યાઓનો ઉકેલ વિવાદને બદલે સંવાદથી લાવવો જોઈએ તેમ જણાવ્યું હતું.
બંધારણની દ્રષ્ટિએ આપણે સામાજિક સમરસતાનો સ્વીકાર કર્યો છે પરંતુ દેશમાં બનતી રોજિંદી ઘટનાઓ તરફ નજર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છેકે, નાત, જાત અને વર્ગભેદના કારણે આપણે અનેક ટુકડાઓમાં વહેંચાયેલા છીએ. રાષ્ટ્રીય એકતા જાળવવાની પ્રાથમિક ફરજ હોવા છતાં નાગરીક ધર્મ ભુલાતો રહ્યો છે. આ સંજોગોમાં દેશના વિવિધ પ્રાંતમાંથી આવનારા હજારો યુવક યુવતીઓ શિબિરમાં સમુહ જીવનના પાઠ શીખીને સામાજિક સમરસતા કઈ રીતે જાળવી શકાય તેનું પ્રશિક્ષણ મેળવશે.
શિબિરમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો
જસ્ટીસ પી. સી. ઘોષ (લોકપાલ) ભારત સરકાર, સી. કે. પ્રસાર (ચેરમેન, પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા), જસ્ટીસ દિનેશ મહેશ્ર્વરી (સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયા), જસ્ટીસ ક્રિષ્ના દિક્ષિત (કર્ણાટક હાઈકોર્ટ), અમિતાભ કાંત (સી. ઈ. ઓ. નિતિ આયોગ), પ્રો. પ્રદીપ જોષી (મેમ્બર યુ. પી. એસ. સી.), પ્રો. જે. એસ. રાજપુત (ભુતપુર્વ ચેરમેન એન. સી. ઈ. આર. ટી.), ડો. યશ સોમનાથ (ડાયરેક્ટર વિક્રમ સારાભાઈ સ્પેશ રીચર્સ સેન્ટર, ત્રિવેન્દ્રમ), ડો. પી. ઉન્નીકૃષ્નન (ડાયરેક્ટર યુ. આર. સેટેલાઈટ સેન્ટર, બેંગલોર), ટેસી થોમસ (ડાયરેક્ટર, ડી. આર. ડી. ઓ. એરોનોટીકલ સ્પેશ સેન્ટર), ડો. મુથ્થૈયા વનીતા (પ્રોજેક્ટ ડાયરેક્ટર, ચંદ્રયાન), ડો. શેખર પાંડે (ડાયરેક્ટર જનરલ, સી. એસ. આઈ. આર., નવી દિલ્હી), ડો. વિજયરાઘવન (વૈજ્ઞાનિક સલાહકાર, ભારત સરકાર), ડો. કે. એન. વ્યાસ (ચેરમેન, ચેરમેન ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર, મુંબઈ), ડો. રાકેશ મિશ્રા (ડાયરેક્ટર, સેન્ટર ફોર સેલ્યુર અને મોલેક્યુલર બાયોલોજી, દિલ્હી), એસ. પી. સિંઘ (ચેરમેન, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ), ગજેન્દ્રસિંહ સેખાવત (કેબીનેટ મંત્રી, જળશક્તિ મંત્રાલય, ન્યુ દિલ્હી), સુજિત દેશપાલ (ડાયરેક્ટર જનરલ, ઈન્ડીયન તીબેટ બોર્ડર પોલીસ), એસ. એન. પ્રધાન (ડાયરેક્ટર જનરલ, એન. ડી. આર. એફ.) ડી. કે. મુલે (મેમ્બર, નેશનલ હ્યુમન રાઈટ કમીશન, ન્યુ દિલ્હી), સુશીલ ચંદ્રા (ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા, ન્યુ દિલ્હી).
ભારતીય સુરક્ષાના સાધનોનું પણ પ્રદર્શન યોજાશે
સરહદના સિમાડે જેમ દેશની સુરક્ષા માટે જવાનો તંબુ બાંધીને છાવણી ઉભી કરીને રહેતા હોય છે તેવા આર્મીના તંબુમાં શિબિરાર્થી યુવકોને રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે કંઈક જુદા જ પ્રકારની અનુભૂતિ કરાવશે આ કામ માટે ભારતીય સુરક્ષા વિભાગની મદદ મળી છે. બી. એસ. એફ.ના જવાનો શિબિરાર્થીઓને શારીરિક કૌશલ્યની દરરોજ તાલીમ આપશે. યુવાનોમાં સાહસિક ગુણોનો વિકાસ થાય તે માટે શિબિર સ્થળે સુરક્ષાના તમામ સાધનોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે. ભારતીય લશ્કરના જવાનો આ આધુનિક શસ્ત્રો, શસ્ત્રોની સાથે ઘોડેસવારીની તાલીમ આપશે. લશ્કરમાં જે પ્રકારની ઘનિષ્ઠ તાલીમ આ સૌનિકો મેળવે છે તેનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવશે. શિબિરમાં દરરોજ એક કલાક સુધી ભારતીય લશ્કરના જવાનો શિખવશે. જુડો, કરાટેની તાલીમ આપવામાં આવશે. ગાંધીનગરથી એન. ડી. આર. એફ. (નેેશનલ ડીઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ)ના જવાનો આપત્તિ નિવારણના સમયમાં આગ, પાણી કે ભૂકંપ-વાવાઝોડાની પરિસ્થિતિમાંથી કઈ રીતે બચી શકાય? તેમજ અન્ય તે લોકોને કઈ રીતે બચાવી શકાય? તેની પણ વ્યવસ્થિત તાલીમ આપશે. વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.
એનડીઆરએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ સહિતની સુરક્ષા એજન્સીના જવાનો સંભાળશે સલામતીની જવાબદારી
ઉપલેટા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામ પ્રાંસલામાં તા.ર૮ ડિસેમ્બરથી જે રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દેશભરમાંથી ૧ર હજારથી વધુ યુવક-યુવતિઓ ઉમટી પડશે. આ શિબિરની સંપુર્ણ સુરક્ષાની જવાબદારી એન.ડી.આર.એફ., સી.આર.પી.એફ., સી.આઈ.એસ.એફ.ના સૈનિકો સંભાળશે. શિબીરાર્થીઓના નિવાસ માટે પ્રાંસલા ગામમાં સંખ્યાબંધ ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે તેમજ પરિસંવાદના જાહેર સંવાદો માટે વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યોના શિભિરાર્થીઓનું આગમન તા.ર૭, શુક્રવારથી જ શ થઈ જશે. શિક્ષણ માટે જીવન સમર્પિત કરનારા સ્વામિ ધર્મબંધુજીના જણાવ્યા અનુસાર દર વર્ષની માફક આ વર્ષે પણ આર્મિ, નેવી, એરફોર્સ, સીમા સુરક્ષા દળના જવાનો તેમના શસ્ત્રો અને સાધનોના પ્રદર્શન સાથે હાજર રહેશે. જેના કારણે શિબિરમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને લશ્કરમાં વપરાતી આધુનિક ટેન્ક, કેમેરપ મશીનગન, હેન્ડ ગ્રેનેડ જેવા સાધનોની પણ જાણકારી મળી રહેશે તેમજ દુશ્મન દેશના વિમાનોને ટાર્ગેટ કરવા માટે રડાર કઈ રીતે કામ કરે છે તેની પણ દેશના જ જવાનો જાણકારી આપશે. સરહદના સીમાડાની સુરક્ષા જાળવનારી જુદી-જુદી સરકારી એજન્સીઓના જવાનો પણ આ શીબીરમાં શારીરિક ક્વાયતોની તાલીમ આપશે. શિબિરની સલામતીની સંપુર્ણ જવાબદારી સંભાળશે.