મજબૂત એટેક અને ડિફેન્સ સાથે ડેનમાર્કને ધૂળ ચટાવી ફાઇનલમાં પહોંચવા ઇંગ્લેન્ડની ટીમ તત્પર

યુરોકપ દિનપ્રતિદિન વધુ રોમાંચિત થઈ રહ્યું છે. કુલ બે સેમિફાઇનલ પૈકી એક સેમીફાઇનલ રમાઇ ચૂક્યો છે જેમાં ઇટલી અને સ્પેન સામ-સામે ટકરાયા હતા. ઈટલી ડિફેન્સ રમી રહી હતી જ્યારે સ્પેને એટેકિંગ રમવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ એટેક ઉપર ડિફેન્સ ભારે પડતા સેમિફાઇનલમાં ઈટલીને શાનદાર જીત મળી છે અને ઇટલીની ટીમનો ફાઇનલ મેચમાં પ્રવેશ થઇ ચૂક્યો છે. ત્યારે હવે આજના દિવસે ઇંગ્લેન્ડ અને ડેનમાર્ક વચ્ચે બીજો સેમિફાઇનલ રમાનાર છે.

આ મેચમાં જે ટીમ વિજેતા થશે તે તે ફાઇનલ મેચમાં ઇટલી સામે ટકરાશે.ઈટલી અને સ્પેન વચ્ચેના સેમિફાઈનલ મેચમાં નિર્ધારિત સમયમાં કોઈ સચોટ પરિણામ આવી શક્યું ન હતું ત્યારે એક્સ્ટ્રા સમયના રૂપમાં પેનલ્ટી શૂટઆઉટ રમવામાં આવ્યો હતો. નિર્ધારિત સમયમાં બંને ટીમનો સ્કોર 1-1 રહ્યો હતો. ત્યારે ફૂટબોલપ્રેમીઓનુ હૃદય જાણે થંભી ગયું હતું. ઈટલીની ટીમ ડિફેન્સ રમવામાં જાણે માસ્ટર છે તે વિશ્વભરની ટીમો ભલીભાતી જાણે છે. ત્યારે આ બાબતનું દબાણ સ્પેનની ટીમ ઉપર જોવા મળ્યું હતું.

પેનલ્ટી શૂટઆઉટમાં ઇટલીની ટીમે 4-2થી સ્પેનને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે વિશ્વભરના ફૂટબોલપ્રેમીઓ બીજા સેમિફાઇનલ મેચની રાહ જોઈ રહ્યા છે. જે ભારતીય સમય અનુસાર આજે રાત્રે રમાનાર છે. બીજા સેમિફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમનો ડેન્માર્ક સામે મુકાબલો થનાર છે. જેમાં સંભવત: ઇંગ્લેન્ડની ટીમ વિજય બને તેવી પ્રબળ શક્યતા છે. ઇંગ્લેન્ડની ટીમનો એટેક અને ડિફેન્સ બંને સાપેક્ષે ખૂબ મજબૂત હોવાથી ડેનમાર્કને ધોબી પછડાટ આપી ઇંગ્લેન્ડ ફાઇનલ મેચમાં ઈટલી સામે ટકરાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.