ફાઇનલ મેચ જીતી જોકોવિચ ૨૦ ગ્રેન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ કરશે કે બેરેટીની બાજી પલટાવશે?
ટેનિસની દુનિયાના નંબર ૧ ખેલાડી નોવાક જોકોવિચ ગોલ્ડન સ્લેમ જીતવાની નજીક પહોંચી ગયો છે. શુક્રવારે રમાયેલી વિમ્બલ્ડન સેમિફાઇનલમાં તેણે ડેનિસ શાપોવાલોવને હરાવી ફાઇનલ મેચમાં એન્ટ્રી કરી છે. પાંચ વાર વિમ્બલ્ડન ચેમ્પિયન બનનાર જોકોવિચ ૬ઠ્ઠી વાર ચેમ્પિયન થવા રવિવારે ઇટલીના માતેયો બેરેટીની સામે ટકરાશે.
જોકોવિચે વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૯માં વિમ્બલ્ડન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો હતો. જોકોવિચ આ ટુર્નામેન્ટ જીતીને ગોલ્ડન સ્લેમ નજીક પહોંચવા તમામ પ્રયત્નો કરશે. નોંધનીય બાબત છે કે, જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન જીતીને ગોલ્ડ સ્લેમ માટે માર્ગ મોકળો કરી લીધો છે.
ઇટલીના માતેયો બેરેટીનીએ સેમિફાઇનલ મેચમાં પોલેન્ડના હુબર્ટ હરકાઝને હરાવી ફાઇનલ મેચમાં પ્રવેશ મેળવ્યો છે. જેની સાથે જ બેરેટીનીએ પ્રથમ વાર કોઈ ગ્રેન્ડ સ્લેમના ફાઇનલ મેચમાં પહોંચવાનો રેકોર્ડ તો બનાવ્યો જ છે સાથોસાથ બેરેટીની પ્રથમ ઇટલીનો ખેલાડી છે જે વિમ્બલ્ડન ફાઇનલ મેચ સુધી પહોંચ્યો હોય . જેથી એકસાથે બે રેકોર્ડ કરીને ઇતિહાસ રચ્યો છે. બેરેટીનીએ હુરકાઝને સેમિફાઇનલમાં બે કલાક ૩૭ મિનિટ ચાલેલી રમતમાં ૬-૩, ૬-૦, ૬-૭(૩), ૬-૪થી હરાવી ફાઇનલ મેચમાં એન્ટ્રી કરી છે. બેરેટીનીની ગ્રાસ કોર્ટમાં આ ૧૧મી જીત છે.
બીજા સેમિફાઇનલમાં જોકોવિચે શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું હતું. કેનેડાના ડેનિસ સામે રમતા સેટોમાં ૭-૬, ૭-૫, ૭-૫થી જોકોવિચે મ્હાત આપી હતી. જોકોવિચે ૭મી વાર વિમ્બલ્ડન ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ૩૪ વર્ષીય જોકોવિચે ગ્રાસ કોર્ટ પર ૧૦૧મી જીત સેમિફાઇનલ મેચ જીતીને મેળવી હતી. જોકોવિચ ૨૦ ગ્રેન્ડ સ્લેમ જીતનાર ખેલાડી બનવાથી ફક્ત સક જ કદમ દૂર છે. ફાઇનલ મેચમાં જીત જોકોવિચને ગોલ્ડ સ્લેમની એકદમ નજીક પહોંચાડી દેશે.
ઇટલીના બેરેટીની અને જોકોવિચ ત્રીજી વાર એકબીજા વિરુદ્ધ ટકરાશે. હાલ સુધી સામસામે રમાયેલી બંને મેચોમાં જોકોવિચની જીત થઈ છે. હજુ સુધી બેરેટીની હજુ સુધી જોકોવિચ સામે એકપણ મેચ જીતી શક્યો નથી. જો કે, બેરેટીનીએ ટૂર્નામેન્ટમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેથી ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ અને રોમાંચક સાબિત થાય તેવી પ્રબળ શકયતા છે.