15 વર્ષથી વધુ જુના વાહનોના ફીટનેસ સર્ટિફીકેટ માટે ચૂકવવી પડશે 8 ગણી ફી
15 વર્ષથી જુની કારના રજીસ્ટ્રેશન રીન્યુઅલ માટે 600 રૂપીયાને બદલે હવે 5000 જયારે બાઈક માટે 300ને બદલે રૂ.1000 ચૂકવવા પડશે
આજના સમયે વધતા જતા પ્રદુષણના જટિલ પ્રશ્નને હલ કરવા તેમજ આ માટે ઈ-વ્હીકલ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા અને પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા દેશભરમાં નવી વાહન સ્ક્રેપિંગ નીતિ લાગુ કરવામાં આવી છે. ત્યારે આ નવી નીતિથી ધોળા હાથી સમાન એવા જુના વાહનો સાચવવા હવે વધુ મોંઘા બની જશે..!! કારણ કે તાજેતરમાં સરકાર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે કે 15 વર્ષથી વધુના જૂના વાહનોના રિન્યુઅલ પર લગભગ 8 ગણા વધુ પૈસા ચૂકવવા પડશે. આ નવી સિસ્ટમ એપ્રિલ 2022થી અમલમાં આવશે. આ જ નિયમ ભારે વાહનો પર પણ લાગુ પડશે. ટ્રક અને બસો જેવા વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ માટે લગભગ 8 ગણા વધુ રૂપિયા ચૂકવવા પડશે. સોમવારે માર્ગ, ટ્રાફિક અને રાજમાર્ગ મંત્રાલયે
આગામી વર્ષથી આ નવી વ્યવસ્થા લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. જો કે, આ નોટિફિકેશનની દિલ્હી અને આસપાસના વિસ્તારો પર કોઈ અસર થશે નહીં, કારણ કે પહેલાથી જ 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર દિલ્હીમાં પ્રતિબંધ છે. આ નોટિફિકેશનની અસર દેશના બાકીના વિસ્તારો પર પડશે.
નોટિફિકેશન અનુસાર, 15 વર્ષથી જૂની કારના રિન્યુઅલ માટે 5000 રૂપિયાની ફી ચૂકવવી પડશે, જે વર્તમાન પરિસ્થિતિમાં 600 રૂપિયા છે. જ્યારે જૂની બાઇક માટે રજિસ્ટ્રેશન ચાર્જ 1000 રૂપિયા હશે, જે હાલમાં 300 રૂપિયા છે.આ ઉપરાંત 15 વર્ષથી જૂની બસ અથવા ટ્રક માટે ફિટનેસ રિન્યુઅલ સર્ટિફિકેટ મેળવવા માટે 12,500 રૂપિયા ખર્ચવા પડશે, જે હાલમાં 1500 રૂપિયા છે. જો રજિસ્ટ્રેશન રિન્યુ કરવામાં વિલંબ થાય તો દરેક કાર માટે દર મહિને 300 રૂપિયાનો વધુ ચાર્જ ચૂકવવો પડશે, જ્યારે કોમર્શિયલ વાહનો માટે આ ચાર્જ 500 રૂપિયા હશે. તેવી જ રીતે, કોમર્શિયલ વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં વિલંબ થવાથી પ્રતિ દિવસ 50 રૂપિયાનો દંડ લાગશે. આમ, વાહનચાલકોને ધોળા હાથી સમાન જુના વાહનો સાચવવુ મોંધુ બની જશે..!!