રશિયા- યુક્રેન યુદ્ધના કારણે પ્રોજેક્ટમાં વિલંબ
ભારતમાં વનવેબની બ્રોડબેન્ડ-ફ્રોમ-સ્પેસ સેવાઓનું લોન્ચિંગ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આ સેવા શરૂ થવામાં હજુ એકાદ વર્ષ થઈ જાય તેવું જાણવા મળી રહ્યું છે. રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાહેર થયું છે. ભારતમાં વનવેબની સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓનું લોન્ચિંગ લાંબા સમયથી પડતર નવી સ્પેસકોમ નીતિને કારણે વધુ વિલંબિત થયું છે.
હ્યુજીસ કોમ્યુનિકેશન ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શિવાજી ચેટર્જીએ જણાવ્યું હતું કે, લોન્ચિંગ ઑગસ્ટથી ડિસેમ્બર 2023 વચ્ચે થશે.હ્યુજીસ અને ભારતી એરટેલ વચ્ચેનું સંયુક્ત સાહસ, ભારતમાં વનવેબની આગામી સ્પેસ બ્રોડબેન્ડ સેવાઓનું વિતરણ કરશે. કંપની હવે કવાયત પૂર્ણ કરવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) અને એલોન મસ્કની સ્પેસએક્સની સુવિધાઓનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. જાણકારોએ જણાવ્યું હતું કે વનવેબને લગભગ 180 એલઈઓ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકવાના બાકી છે અને આ આગામી પાંચથી સાત મહિનામાં પાંચ પ્રક્ષેપણ દ્વારા થવાની સંભાવના છે. દરેક પ્રક્ષેપણ લગભગ 36 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મોકલે છે. બાકીના પ્રક્ષેપણમાંથી પ્રથમ શ્રીહરિકોટામાં ઇસરોની સુવિધાથી બે મહિનાની અંદર કરવાની યોજના છે.