’કોઠાસૂઝ- સફળતાનું પહેલું પગથિયું’ વિષય પર જીનિયસ સંવાદમાં રાજકોટના જાણીતા બાલાજી વેફર્સના એમ.ડી. કનુભાઈ વિરાણી સાથે વાર્તાલાપ
રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા લોકડાઉનના સમયથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા ઉપરાંત લોકડાઉનથી અનલોકના વિવિધ તબક્કાઓમાં સામાજીક સમસ્યાઓ, વાલી-વિદ્યાર્થીઓના અભ્યાસને લગતા પ્રશ્નો, આધ્યાત્મિક મુદ્દાઓ જેવા વિવિધ વિષયો ઉપર ચર્ચા અને માર્ગદર્શન માટે છેલ્લા કેટલાય મહિનાથી દર સપ્તાહે જીનિયસ સંવાદનું આયોજન કરવામાં આવે છે. આ સંવાદ માટે દેશ-વિદેશથી વિષય નિષ્ણાતોને ઓનલાઈન સંવાદ માટે આમંત્રિત કરવામાં આવે છે, જેમાં આગામી રવિવાર ૦૮ નવેમ્બર સવારે ૧૧:૦૦ કલાકે દેશની જાણીતી બાલાજી વેફર્સના એમડી શ્રી કનુભાઈ વિરાણી સાથે ’કોઠાસૂઝ- સફળતાનું પહેલું પગથિયું’ વિષય ઉપર વાર્તાલાપનું આયોજન કરવામાં આવેલ છે. આ સંવાદનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેઇજના માધ્યમથી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.
જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન શ્રી ડી.વી.મહેતા માને છે કે સફળતા મેળવવા માટે શિક્ષણ ખુબ જરુરી છે, પરંતુ શિક્ષણની સાથે વ્યક્તિમાં રહેલી કોઠાસૂઝ, કઈક નવું કરવા માટે સાહસ, સતત શિખતા રહેવુ, વિવિધ કૌશલ્યોમાં પારંગતતા મેળવવી અને દૂરંદેશીતા સાથેના નિર્ણયો વ્યક્તિને સાચી દિશા તરફ લઈ જાય છે અને સફળતા અપાવે છે. દરેક વ્યક્તિના જીવનમાં અગવડતાઓ, વિફળતાઓ અને આફતો આવે જ છે, પરંતુ તે દરેક આફતોને અવસરમાં કે તકમાં પરિવર્તીત કરી શકે તો, તે માણસ કયારેય અસફળ થતો નથી. આપણા સમાજમાં ઘણા મહાનુભાવો એવા છે, જેમણે કદાચ કોઇ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી મોટી પદવીઓ નથી મેળવી પરંતુ તેઓ વ્યવસાયમાં દેશ અને દુનિયામાં તેમની કોઠાસૂઝ અને તેમની કાબેલીયત પુરવાર કરીને સફળતાના શિખરો સર કર્યા છે. એવા જ એક વ્યક્તિ વિશેષ, દેશની જાણીતી નમકીન ઉત્પાદન કંપની બાલાજી વેફર્સના મેનેજીંગ ડાયરેકટર શ્રી કનુભાઇ વિરાણીને આમંત્રીત કર્યા છે, જે ઉદ્યોગસાહસિક બનવા માંગતા યુવાઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કરશે.
કનુભાઇ વિરાણી એ ઉદ્યોગ જગતમાં ખુબ જાણીતુ નામ છે. બાલાજી વેફર્સની શરુઆત વિરાણી ભાઇઓએ ૧૯૮૨ની સાલમાં ફકત ૧૦,૦૦૦ ના મુડી રોકાણ સાથે પોતાના ઘરઆંગણે નાનકડા શેડમાં બટેટાની વેફર બનાવવાના નાના યુનિટથી કરી હતી જે આજના સમયમાં કરોડોનુ ટર્નઓવર કરતી અને દેશની જાણીતી બ્રાન્ડ બની ચુકી છે. શ્રી કનુભાઇ તેમની સફળતા અંગે જણાવતા કહે છે કે, વ્યક્તિએ સફળ થવા માટે સમય સાથે ચાલવુ ખુબ જ જરુરી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ફકત ભણતર કામ નથી આવતુ તેની સાથે માનવતા, નૈતિકતા, આવડતો અને કોઠાસૂઝ હોવી ખુબ જરુરી જ નહી અનિવાર્ય છે. આપણે ભવિષ્યના વિચારોમાં એટલા બધા રચ્યા રહીએ છીએ કે વર્તમાનને માણી કે જાણી શકતા નથી, તેથી વર્તમાનમાં જીવવુ ખુબ અગત્યનુ છે. માણસે બધા પાસાઓની ગણતરી અને તાગ લગાવીને પોતાના નિર્ણયો લેવા જોઇએ. તેઓ વાલીઓને પોતાના બાળકને બીજાના બાળક સાથે સરખામણી કરવા કરતા તેમનામાં નૈતિકતા, કૌશલ્યો અને માનવતાના ગુણ વિકસે તે બાબતો પર ધ્યાન આપવુ જોઇએ તેવુ સુચન કરે છે. તેઓ યુવાઓને વિચારસરણી બદલવા પર ભાર મુકે છે અને એક ઉદ્યોગસાહસિક બનવા માટે કોઠાસૂઝ, કઈક નવું કરવા માટે સાહસ, સતત શિખતા રહેવુ, વિવિધ કૌશલ્યોમાં પારંગતતા મેળવવી અને દૂરંદેશીતા કેળવવાની સલાહ આપે છે. તેઓ ઉદ્યોગ જગત માટે સ્ટાર્ટ-અપને ખુબ અગત્યનુ માને છે અને આજના યુવાઓને નવા વિચારો સાથે આગળ વધવાની સલાહ આપે છે. કોમર્સ, મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિક બનવા ઇચ્છતા યુવાઓને સફળ થવા વ્યવસાય કે નોકરીમાં કેવા ગુણ કેળવવા જોઇએ તે અંગે આ વકતવ્યમાં ચર્ચા કરાશે.
આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરથી રવિવારને ૦૮ નવેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોડાય શકાશે. આ સેશન દરમિયાન વાલીઓ અને યુવાઓ તેમના મુંજવતા પ્રશ્નો પુછી શકે છે, જેનો શ્રી કનુભાઈ વિરાણી દ્વારા ઉત્તર આપવામાં આવશે. તો સંસ્થાના ચેરમેન શ્રી ડી. વી. મહેતા સર્વેને અને ખાસ કરીને યુવાઓને અને વિદ્યાર્થીઓને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા માટે આમંત્રીત કરે છે. આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન શ્રી ડી. વી. મહેતા અને સીઇઓ શ્રી ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ શ્રી પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.