પ્રકરણ પતાવવા રૂ. પ લાખની માગણી કરી: રાજકોટના દંપતિ સહિત પ સામે નોંધાતો ગુનો
ત્રણ ચાર વર્ષ જુના મિત્ર એવા મોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રાજકોટની પરિણીતાએ પતિ તેમજ અન્ય ત્રણ મળી કુલ પ ના સહારે રૂ. પ લાખની માંગણી કર્યાની (ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. પોલીસે કસુરવાર દંપતિ સહિત પ ને સકંજામાં લઇને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
બનાવની મળતી વિગતો મુજબ મોરબીમાં રવાપર રેસીડેન્સીમાં રહેતા સંજયભાઇ હિરાભાઇ સોમૈયા (ઉ.વ.૪૬) નામના લોહાણા વેપારીને રાજકોટની નાણાવટી ચોક વિસ્તારની અલ્પાબેન આશિષભાઇ મારડીયા નામની મહિલા સાથે ત્રણ-ચાર વર્ષથી મિત્રતા ચાલી આવતી હતી.
પરંતુ થોડો સમય બન્નેની મિત્રતા અટકી ગયા બાદ ફરી ત્રણ મહિનાથી બન્ને સંપર્કમાં આવ્યા હતા. બીજી બાજુ તા.૭ ના રોજ અલ્પાએ સંજયભાઇને રાજકોટ ઘરે બોલાવી પ્રેમ સંબંધનો ડોળ કર્યો હતો.
આવા સમયે સંજયભાઇએ બેદરકારી દાખવી અલ્પાના ઘરે પહોંચી ગયા હતા. જયાં મિત્રતા અને સંબંધને કોરાણે મૂકી અલ્પાએ પતિ આશિષ મારડીયા અને અન્ય ત્રણ શખ્સની મદદથી સંજયભાઇને ધોલ થપાટનો માર ખવડાવી પ્રકરણ સંકેલવા રૂા પ લાખની માંગણી કરી હતી.
દરમિયાન રૂ. ર લાખ આપવા અલ્પા અને તેણીના પતિ સહિતના પ શખ્સોએ ધાકધમકી આપવાનું શરુ કરી સંજયભાઇના ખિસ્સામાંથી રૂ. ૨૨૫૦૦ કાઢી લઇને સંજયભાઇને રવાના કરી દીધા હતા.
આ બાબતે સંજયભાઇ સોમૈયાએ ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અલ્પા આશિષ મારડીયા, આશિષ મારડીયા અને પોલીસનો સ્વાંગ રચનાર અન્ય ત્રણ મળી પ સામે ગુનો નોંઘ્યો છે. પોલીસે કહ્યું કે મારડીયા દંપતિ ઉપરાંતના ત્રણેયને સકંજામાં લેવાયા છે. તપાસ હાથ ધરાઇ રહી છે.
પોલીસનો સ્વાંગ રચનારા ત્રણેય જીઆરડીના કે એસઆરડીના જવાનો?
હનીટ્રેપ ફરીયાદની તપાસ ચલાવતી પોલીસે ‘અબતક’ને જણાવ્યું હતું કે, ફરીયાદી વેપારી સંજયભાઇએ ફરીયાદમાં અન્ય ૩ શખ્સોએ પોલીસની ઓળખ બનાવીને ધમકાવ્યા હોવાનું જણાવ્યું છે. ત્યારે આ ત્રણેય શખ્સ જીઆરડીના જવાનો છે કે એમગાર્ડના ? તે ઓળખ કાર્ડ કર્યા બાદ તપાસમાં ખુલશે.