ફૂડ શાખાએ શંકાના આધારે ગોંડલથી રાજકોટ આવતી બોલરો ગાડીમાં ચેકીંગ કરતા ભેળસેળીયું દુધનો જથ્થો મળી આવ્યો: 500 લીટર શંકાસ્પદ દુધના જથ્થાનો નાશ કરાયો
રાજકોટ શહેરમાં ભેળસેળયુક્ત દુધનો જથ્થો ઠાલવાતો હોવાનો ઘટસ્ફોટ આજે થયો છે. કોર્પોરેશનની ફૂડ શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે ગોંડલમાંથી રાજકોટ શહેર દુધ સપ્લાય કરવા આવતી બોલરો ગાડીમાં ચેકીંગ હાથ ધરાતા તેમાંથી શંકાસ્પદ દુધનો 500 લીટરનો જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ પર નાશ કરી નમૂનો પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ શહેર હલકી ગુણવત્તાવાળો દુધનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હોવાની માહિતી મળતા ડીએમસી આશિષ કુમાર અને ડેઝીગ્નેટેડ ઓફિસર એ.એન.પંચાલના માર્ગદર્શક હેઠળ આજે સવારે કોઠારીયા રોડ પર રમેશભાઇ વેલજીભાઇ સાટોડીયાની માલીકીની બોલરો ગાડી નં.જીજે-14 એક્સ-9071માં તપાસ કરવામાં આવી હતી. આ શખ્સ દ્વારા રાજકોટની અલગ-અલગ ડેરીઓ અને દુધના ફેરીયાઓને દુધનું વેંચાણ કરવામાં આવતું હોવાની તેને કબૂલાત કરી હતી. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન દ્વારા સ્થળ પર દુધની પ્રાથમિક તપાસ કરવામાં આવતા દુધમાં પાણી અને ફોરેન ફેટની ભેળસેળ કરવામાં આવી હોવાનું જાણ થતાં ગાડીના ટેન્કમાં રહેલું 500 લીટર દુધનો નાશ કરવામાં આવ્યું હતું.
સાથોસાથ રમેશ સાટોડીયાએ એવી કબૂલાત પણ કરી હતી કે તેના દ્વારા દુધમાં ભેળસેળ કરવામાં આવે છે. 500 લીટર દુધના જથ્થાનો નાશ કરાયા બાદ મિક્સ દુધનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો જ્યારે કુવાડવા રોડ પણ ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્થળ પર 15 નમૂનાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું અને 6 પેઢીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી છે.