રાષ્ટ્રભાષા તો અતિમહત્વ ધરાવે જ છે…. પણ માતૃભાષા, સ્થાનિક ભાષા એથી પણ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ માત્ર ભાષા નથી હોતી પણ સ્થાનિક વિસ્તાર, રહેણીકરણી દર્શાવતી બોલી હોય છે. શું ગુજરાતીઓને ક્યારેય સપના અંગ્રેજીમાં આવે છે ખરા…!! નહીં ને… એ તો માતૃભાષા ગુજરાતીમાં જ આવશે, આ પરથી સાબિત થાય છે કે કેટલું મહત્વ છે માતૃભાષાનું..!! આવી જ રીતે માતૃભાષાનું મહત્વ અને ઉજળું પ્રદર્શન નિટની પરીક્ષામાં જોવા મળ્યું છે.
મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નિટ- નેશનલ એલિજીબિલિટી એન્ટ્રાન્સ ટેસ્ટનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે. જેમાં અંગ્રેજીમાં ચપળ ચપળ કરતાં વિધાર્થીઓ નહીં પણ સ્થાનિક ભાષાના વિદ્યાર્થીઓનું પ્રભુત્વ જોવા મળ્યું છે. નીટના પરિણામમાં સ્થાનિક બોર્ડના વિદ્યાર્થીઓએ સી.બી.એસ.ઈને પણ પાછળ છોડી દીધું છે..!!
ધારણાથી વિપરીત CBSE પાછળ રહ્યું છે. આ વર્ષના પરિણામોનું વિશ્લેષણ દર્શાવે છે કે 13 સ્થાનિક બોર્ડ પાસે તેમના 50%થી વધુ ઉમેદવારો છે જેઓ આ નિટમાં ક્વોલિફાય થયા છે. જ્યારે નવ બોર્ડમાં ટોચના એક લાખ લાયક ઉમેદવારોમાં તેમના 10% થી વધુ વિદ્યાર્થીઓ છે. કુલ 8.7 લાખ ઉમેદવારો કે જેઓ ટેસ્ટમાં ક્વોલિફાય થયા છે, તેમાંથી 66.5% CBSE સિવાયના અન્ય બોર્ડના છે, જે ટોચના બે લાખમાંથી માત્ર 39% છે.
રાજસ્થાન બોર્ડ 19.8% સાથે ટોચના એક લાખ લાયક ઉમેદવારોના સંબંધિત હિસ્સામાં સૌથી આગળ છે. ત્યારબાદ ઓડિશા 14.9%, જ્યારે CBSEનો 14.5% ટકાનો હિસ્સો છે. રાજ્ય પ્રમાણે 1-10,000 રેન્કિંગમાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સૌથી વધુ ઉમેદવારો છે. સાત રાજ્યોમાં 1-1,00,000ના રેન્ક સમૂહમાં 6,000થી વધુ ઉમેદવારો છે, જેમાં રાજસ્થાન બોર્ડના વધુ છે.
નવ સ્થાનિક બોર્ડ એવા છે જેના 60 ટકાથી વધુ વિધાર્થીઓ પાસ થયા છે. જેમાં સૌથી ટોચના સ્થાને દિલ્હી બોર્ડ આવે છે. દિલ્હીમાં 76.6% નોંધાયેલ છે, ત્યારબાદ ચંદીગઢ (75%) છે. એક લાખથી વધુ ઉમેદવારો અને 50% થી વધુ લાયકાત ધરાવતા રાજ્યોમાં કર્ણાટક (57.6%), કેરળ(58.9%), રાજસ્થાન (66.2%), તમિલનાડુ (54.4%) અને યુપી (53.8%)નો સમાવેશ છે.
આ વર્ષે નીટ-યુજીની કામગીરીમાં નોંધપાત્ર સુધારો દર્શાવનાર બોર્ડમાં ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તર-પૂર્વ વિસ્તારનો સમાવેશ થાય છે. ટોચના એક લાખ લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી પ્રત્યેક 10% કરતા વધુનો હિસ્સો ધરાવતા નવ બોર્ડ AMU (28.1%), રાજસ્થાન (19.2%), ઓડિશા (14.9%), CBSE (14.5%), CISCE (14.3%), પશ્ચિમ બંગાળ (14.3%) છે. 13.7%, બિહાર (10.9%), આંધ્રપ્રદેશ (10.7%) અને હરિયાણા (10.6%)નો સમાવેશ છે.