દરેડ નજીકનો બનાવ અકસ્માત નહીં, હત્યાનો હોવાનું ખૂલ્યું
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. પાસે ગયા સોમવારની રાત્રે એક બાઈકને બોલેરો જીપે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું. જેમા અન્ય એકને ઈજા થઈ હતી. પોલીસે તે બનાવની ઉંડાણપૂર્વક તપાસ કરતા બોલેરો ચાલકે જાણી જોઈને અકસ્માત સર્જી યુવાનની હત્યા નિપજાવ્યાનું ખુલ્યું છે.આર્મીમેન એવા આરોપીએ પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકાથી આ બનાવને અંજામ આપ્યાનું બહાર આવ્યું છે.
જામનગર નજીકના લાલપુર-બાયપાસ પાસે આવેલા જીઆઈડીસી વિસ્તારમાંથી ગઈ તા. ૧૭ ની રાત્રે જીજે-૧૨-બીએન-૩૩૮૬ નંબરના મોટર સાયકલ પર રામસંગ વજેસંગ પરમાર તથા તેમની પાછળ સુખદેવસિંહ રણજીતસિંહ જાડેજા નામના બે મિત્રો પસાર થતા હતા ત્યારે જીજે-૧૨-જે-૩૩૫૯ નંબરની પુરપાટ ધસી આવેલી એક બોલેરો જીપે તેઓના બાઈકને ઠોકર મારતા બન્ને યુવાનો ફંગોળાઈ ગયા હતાં. આ અકસ્માતમાં બન્નેને ગંભીર ઈજા થતાં સ્થળ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી હતી. જયારે બોલેરો ચાલક વાહન મૂકી નાસી ગયો હતો.
ઈજા ગ્રસ્તોને સારવારમાં લઈ જવામાં આવ્યા પછી રામસંગનું મૃત્યુ નિપજયું હતું. જયારે સુખદેવસિંહને સારવાર આપવામાં આવી હતી. જયપાલસિંહ વિક્રમસિંહ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પંચકોશી બી ડિવિઝનના પી.એસ.આઈ. પરમારે ગુન્હો નોંધ્યો હતો.
શરૃ થયેલી તપાસમાં પોલીસને આ બનાવ અકસ્માતનો નહીં પરંતુ હત્યાનો હોવાની પાકી આશંકા ઉભી થતા બોલેરો ચાલકને પકડી પાડવા શરૃ કરાયેલી તજવીજમાં દશરથસિંહ ગોહિલ નામના બોલેરો ચાલકની અટકાયત કરવામાં આવી હતી. તેની પુછપરછ કરાતા આ બનાવ પરથી પરદો ઉચકાયો છે. તેણે જાણી જોઈને આગળ જતાં બાઈકને ઠોકર મારી હોવાનું ખુલતા પોલીસે સઘન પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે કબુલ્યા મુજબ અગાઉથી નકકી કર્યા મુજબ બાઈક પર જતાં રામસંગ અને સુખદેવસિંહને હડફેટે લીધાનું જણાવ્યું છે. તેની પાછળના ખુલેલા કારણ મુજબ અકસ્માત સર્જનાર દશરથસિંહ આર્મીમાં નોકરી કરે છે.
તેના લગ્ન ગયા વર્ષે થયા પછી થોડા દિવસોમાં જ દશરથસિંહને આસામમાં ફરજ પર હાજર થવાનું હોય તે પોતાની પત્નીને જામનગર મૂકી ફરજ પર ચાલ્યો ગયો હતો. જયાંથી હાલમાં તે રજા પર જામનગર આવ્યો હતો તે પછી દશરથસિંહને પોતાની પત્ની સાથે રામસંગને આડા સંબંધ હોવાની આશંકા ઉભી થતાં તેણે રામસંગને પતાવી દેવાનો ઈરાદો બનાવી ગયા સોમવારે રાત્રે સાડા આઠેક વાગ્યે દરેડ જી.આઈ.ડી.સી. ના એપલ ગેઈટ પાસે રામસંગના બાઈકને ઠોકર મારી હતી જેમાં રામસંગનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતુ અને સુખદેવસિંહને ઈજા થઈ હતી.પોલીસે આ શખ્સની કબુલાત પરથી તેની સામે હત્યાની કલમનો ઉમેરો કરી તેની કોરોના ટેસ્ટ કરાવ્યા પછી વિધિવત ધરપકડ કરી છે. આરોપીને પુછપરછ પછી જેલ હવાલે કરવામાં આવ્યો છે.