“પીઆઈ જયદેવ બદલાઈને રીલેક્ષ થવા રાજકોટ આવ્યો હતો તેને બદલે એક પોલીસ સ્ટેશન અને વધારામાં એક બ્રાંચ પણ મળી!”
રાજકોટ શહેર નિમણુંક
પીઆઈ જયદેવ શાંતિ, આરામ અને માનવ સહજ વાસ્તવિક સામાજીક જીવન જીવવાના ખ્વાબો સાથે મુસાફરી કરતો ઉંઝાથી રાજકોટ આવ્યો, બદલી જોઈનીંગ રજા માણીને તે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં પોતાનો બદલી હુકમ લઈ હાજર થયો.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર પણ હજુ બદલીમાં નવા જ આવ્યા હતા તેથી તેઓ પણ પોતાની રીતે તંત્ર ચલાવવા માટે યોગ્ય પીઆઈઓની ગોઠવણી કરવાનાં ચોગઠા ગોઠવતા હતા. તેમણે જયદેવની નિમણુંક અંગે ઈચ્છા જાણી, જયદેવે કહ્યું પોતે હવે સાવ થાકી ગયો છે. કોઈ બ્રાંચ (શાખા)માં નિમણુંક આપી દયો, ગમે તેવી બ્રાંચને હું ઉજળી કરી બતાવીશ, પરંતુ પોલીસ કમિશ્નર તેમના કોઈ માનીતા પીઆઈ અમદાવાદ બાજુથી રાજકોટ શહેરમાં બદલાઈને આવે તેની રાહ જોતા હતા આથી જયદેવની નિમણુંકમાં પણ વિલંબ થયો આ દરમ્યાન રાજકોટના ભકિતનગર પોલીસ સ્ટેશનનાં પીઆઈ એક મહિનાથી રજાઉપર જતા જયદેવને ભકિતનગર થાણાનો ચાર્જ લુક આફટર તરીકે સોંપાયો.
રાજકોટ વિકાસ: ઈતિહાસ ભુગોળ
રાજકોટ શહેર જૂના સમયનું નાના રજવાડાનું નાનકડુ શહેર હતુ. પરંતુ આઝાદી પછી તેનો એવો ઝડપી વિકાસ થયો કે છેલ્લે તો વિશ્ર્વના ઝડપથી વિકસતા પ્રથમ સો (૧૦૦) શહેરોમાં તે સામેલ થઈ ગયેલુ આનું કારણ તેની ભૌગોલીકતા મુખ્ય છે.કેમકે તે સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં (કેન્દ્રમાં) આવેલું છે. સૌરાષ્ટ્રનાં મુખ્ય જીલ્લા અને શહેરો પૈકી જૂનાગઢ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, ધોરાજી, જેતપૂર અને ઉપલેટાથી રાજકોટ લગભગ સો-સો કિલોમીટરના અંતરે આવેલ છે. આથી હાલમાં રાજકોટ શહેરમાં ગ્રામ્ય વિસ્તારોના સુખી સમૃધ્ધ લોકોના મૂડી રોકાણનું મુખ્ય કેન્દ્ર ઉપરાંત શિક્ષણ કેન્દ્ર અને મેડીકલ હબ અને વિવિધ ઉદ્યોગોનું પણ કેન્દ્ર બની ગયું છે. રાજકોટની વસ્તી સતત વધતી જ ચાલી છે. સમગ્ર સૌરાષ્ટ્રના લગભગ તમામ તાલુકા, ગામોના લોકો અહિ આવીને વસેલા છે. જયદેવના મતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ધંધા નોકરી અભ્યાસ વિગેરે કારણોસર આવીને વસેલા ઉમદા લોકો સાથે ગ્રામ્ય વિસ્તારના અમુક ઉઠીયાણ અને રખડતા ભટકતા બેકાર લોકો કમાણીના ટુંકા રસ્તા અખત્યાર કરી જ્ઞાતિ ઓથે આવા ગુન્હા કરવા પણ આવી ગયેલા છે. જેઓ સુંદર અને સંસ્કારી રાજકોટની સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા જણાતા હતા.
ક્રાઈમ બ્રાન્ચ – ગાંધીગ્રામ
ભકિતનગર થાણાના પીઆઈએ એક મહિનાને બદલે અઢી મહિના સુધી સીક રજા લંબાવી પરંતુ જયદેવ પણ ઘર રાજકોટમાંજ હોઈ કોઈ ચિંતા નહિ અને અહિં કયાં લાંબૂ કાઢવું છે તેમ માનીને ચલાવ્યો જતો હતો આ દરમ્યાન પોલીસ કમિશ્નરના પસંદગીના પીઆઈ બદલી કરાવીને રાજકોટ શહેર પોલીસમાં આવી જતા તેમણે પસંદગીના પીઆઈને ડીટેકટીવ ક્રાઈમ બ્રાંચમાં નિમણુંક આપી દીધી સાથે સાથે જયદેવને પણ પ્રિવેન્ટીવ ક્રાઈમ બ્રાંચમાં નિમણુંક આપી પણ વધારામાં નવા રાજકોટ જેવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો પણ હવાલો આપ્યો. જયદેવ ને થયું કે આ તો ‘મુઆ નહિને પાછા થયા’ જેવું થયું, એકી સાથે બે ઘોડા ઉપર સવારી કરવાની !
એ વાસ્તવિક હકિકત છે કે બે જગ્યાના ચાર્જમાં જો એક પોલીસ સ્ટેશન પણ હોય તો પીઆઈ ને મોટાભાગે પોલીસ સ્ટેશનમાં જ સમય આપવો પડતો હોય છે કેમકે થાણા અધિકારી બેક બોન ઓફ ડીપાર્ટમેન્ટ હોય છે, ખાતાની સમગ્ર કાર્યવાહિનો અમલ થાણામાંથી જ થતો હોય છે તેથી થાણામાં હાજરી અનિવાર્ય રહે અને બ્રાંચની કામગીરી તો વધારામાં કે લટકામાં હોય છે.
પ્રિવેન્ટીવ ક્રાઈમ બ્રાંચનું મુખ્ય કામ શહેરનાં માથાભારે અને વારંવાર ગુન્હા કરતા ઈસમો અને આયોજન પૂર્વક ઓર્ગેનાઈઝડ) ગુન્હા કરતા ઈસમો વિરૂધ્ધ પાસા (ગુજરાત નો ખાસ કાયદો પ્રિવેન્શન ઓફ એન્ટી સોસીયલ એકટીવીટી એકટ) ધારા મુજબ આવા ગુન્હેગારોને ડીટેઈન કરવા અંગે દરખાસ્તો તૈયાર કરી કમિશનર પાસે રજૂ કરવાની હોય છે. જેના ઉપરથી તેઓ તેમને મળેલ મેજીસ્ટેરીયલ સતા આધારે આવા ઈસમોને અટકાયત કરી રાજયની દૂર દૂરની જેલોમાં મોકલી આપવા હુકમ કરે છે. જેથી તેના મળતીયા મદદનીશો કે કાવત્રા ખોરો તેનો સહેલાઈથી સંપર્ક કરી શકે નહિ જે હુકમનો અમલ જેતે પોલીસ સ્ટેશનનાં પીઆઈએ કરવો પડે છે. આ ઉપરાંત રીઢા ગુનેગારોને હદપાર કરવાની દરખાસ્તો અને સામાજીક નૈતિક દુષણ દૂર કરવા ઈમોરલ ટ્રાફીક ઈન ગર્લ્સ અને વુમન એકટ તળેની કાર્યવાહી પણ કરવાની રહેતી.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટનું એરપોર્ટ પણ આવતું હતુ અને તે સમયે એરપોર્ટની સુરક્ષાનો હવાલે કેન્દ્રીય સુરક્ષા દળ પાસે ન હતો પણ ગાંધીગ્રામ પીઆઈ પાસે જ રહેતો અને ખાસ તો ઝેડપ્લસ સુરક્ષા વાળા મહાનુભવોની મુવમેન્ટ સમયે આ એરપોર્ટ ખાતે ખાસ વ્યવસ્થા બંદોબસ્ત રાખવો પડતો. વળી ગાંધીગ્રામ રાજકોટનો નવો વિકસેલો વિસ્તાર હોઈ અનેક પ્રકરનાં ગુન્હા પણ બનતા આમ ક્રાઈમ રેટ ઉંચો હતો. છતા જયદેવ બંને ઘોડા ઉપર સવારી કરી બેલેન્સ રાખી ચલાવ્યો જતો હતો.
કોમ્યુનીટી પોલીસીંગ
આ દરમ્યાન પોલીસ રીફોર્મેશન કે પબ્લીક રીફોર્મેશન માટે કોમ્યુનીટી પોલીસીંગનો એજન્ડા કેન્દ્રમાંથી ગુજરાત રાજયમાં આવ્યો તેનો પ્રથમ પ્રયોગ રાજકોટમાં કરવાનું બીડુ રાજકોટના પોલીસ કમિશ્નરે ઝડપ્યું અને તેનો સૌ પ્રથમ પ્રયોગ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કરવા માટે જયદેવની પસંદગી કરી આ કાર્યક્રમ કોમ્યુનીટી પોલીસીંગનો અર્થાત સમાજનું પોલીસ કરણનો હતો પોલીસ કમિશ્નરે તો આવેલ કાર્યક્રમનો એજન્ડા જયદેવને બોલાવીને આપીને જણાવ્યું કે તમારે આની નમુના રૂપ અમલવારી કરી આદર્શ કાર્યક્રમો કરીને બાદમાં તમામ થાણા અધિકારીઓને આનું જીવંત નિર્દેશન આપી તમારે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનોમાં આ કાર્યક્રમનો અમલ થવા માંડે તે રીતે આયોજન કરવાનું છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ જનતા પોતાની સર્વાંગી રક્ષાજાતે જ કરવા પ્રયત્નશીલ થાય તેમજ ગુનેગારોને ઓળખે અને પોલસને ગુનેગારો અસામાજીકોની માહિતી આપે તે હતો આ માટે રાત્રીના સમયે વાળુ પાણી કરી લીધા પછીના સમયે વિવિધ સોસાયટીઓમાં તેમના રહીશો અગ્રગણીઓને એકઠા કરી તેમને સમજાવવાના હતા કે ગુનેગારોથી કઈ રીતે સાવધ રહેવું જેમકે બજારમાં ખરીદી વખતે પીકપોકેટીંગ, ચીલઝડપ ન થાય, વાહનો કેમ સલામત પાર્ક કરવા, રોડ ઉપર જતા રસ્તો ઓળંગતા રાખવાની તકેદારીઓ અકસ્માતથી બચવા, ઘરની સલામતી, બહારગામ જતા રસ્તામાં સામાનની તકેદારી તથા મકાન રેઢુ રાખ્યું હોય તો પોલીસને જાણ કરવાની, સોસાયટીનાં અગ્રણી, ચોકીદાર, પડોશીને જાણ કરવાની બાળકો વૃધ્ધો માટે રાખવાની ખાસ તકેદારી તેમજ વિવિધ પ્રકારની છેતરપીંડી, ઠગાઈથી બચવા માટે રાખવાની તકેદારીઓ વિગેરે જ્ઞાન આપી તેમને જાતે જ સલામતી અર્થે તૈયાર કરવાના હતા તેમજ તેમના ખ્યાલમાં સમજમાં રહેલ શકદારો ગુનેગારોને ઓળખી ઉપલબ્ધ માહિતી પોલીસને તાત્કાલીક પહોચાડી પોલીસ ને કઈ રીતે મદદ રૂપ થવાય તેની સૂચનાઓ કરવાની હતી.
જયદેવે કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ રોયલ પાર્ક દોઢસો ફૂટ રીંગરોડ થી કરી અંબીકાનગર સોસાયટી, પુષ્કરધામ, સોસાયટી વિગેરે જગ્યાઓએ રાત્રીના આ કાર્યક્રમો શરૂ કર્યા. આકાર્યક્રમોને લોકોએ ખૂબ વખાણ્યા અને સહકાર પણ આપ્યો. પરંતુ કાર્યક્રમ ને અંતે લોકો પોતાના જીવન દરમ્યાનના મુજવતા પ્રશ્ર્નો પણ પૂછતા જયદેવ માઈક વડે તેનો ઉકેલ રૂપ જવાબો પણ આપતો અને આરીતે કાર્યક્રમોમાં રાતના સાડા અગીયાર બાર પણ વાગી જતા તેમાં પણ પુષ્કરધામ સોસાયટીમાં થયેલ કોમ્યુનીટી પોલીસીંગના કાર્યક્રમનું વિડીયો રેકોર્ડીંગ તે સોસાયટીમાં રહેતા એક દૂરદર્શનના કર્મચારીએ કરેલું અને તેનું પ્રસારણ ટીવીની દૂરદર્શન ચેનલે સમગ્ર દેશમાં કરેલુ અને તેના ખૂબ વખાણ પણ થયેલા.
આ કોમ્યુનિટી પોલીસીંગના કાર્યક્રમ અંતે થતી પ્રશ્ર્નોતરી અને રજૂઆતોમાં લોકો અનેક પ્રકારનાં અવનવા પ્રશ્ર્નો પૂછતા જયદેવ પણ મુકત મને રાજકારણ સિવાયની બાબતોના ઉતર આપતો અને રજૂઆતોનું વ્યવહારીક કાયદાકીય અને વહીવટી રીતે સ્પષ્ટતા કરી નીરાકરણ કરવા પ્રયત્ન કરી તમામને માનસિક સંતોષ આપતો.
આમ કાર્યક્રમતો સફળ થતા હતા પરંતુ તેની આડ અસરાએ થવા લાગી હતી કે લોકોમાં આડોશ પાડોશ કે સગાસંબંધીમાં પણ થતી નાની અને નજીવી બાબતોની રજૂઆતો અને અરજીઓ પણ પોલીસ સ્ટેશનમાં થવા લાગેલી આથી પોલીસનું કાર્યભારણ ખૂબજ વધી પડયું હતુ એક બાજુ પોલીસ જવાનોનું સંખ્યાબળ ઓછુ જ હતુ. અને ક્રાઈમ રેટ પણ વધારે હતો તેમાં આ કામનો વધારો થયેલો તેથી પોલીસ દળના ફીલ્ડમાં કામ કરતા જવાનો નારાજ થયેલા કે એક તો દૈનિક કામગીરી અને છાસવારે આવતા વી.વી.આઈ.પી બંદોબસ્તમાંથી તાણ્યા તુટતા નથી તેમાં આ દુષ્કાળમાં અધિકમાસની માફક આ બબાલો શરૂ થઈ.
વાડ જ્યારે ચીભડા ગળે…
આ દરમ્યાન એક દિવસ પોલીસ કમિશ્નરનો ટેલીફોન જયદેવ ઉપર આવ્યો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર (વિસી)ને તૂર્ત જ મળો. આ સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ પણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની મુંજકા પોલીસ ચોકી વિસ્તારમાં આવેલો હતો આથી જયદેવ યુનિ. કાર્યાલયમાં વિસીનો તેમની ચેમ્બરમાં મળ્યો ત્યાં ચેમ્બરમાં એક બીજા પ્રધ્યપાક કમ એચ.ઓ.ડી. પણ જયદેવની રાહ જોઈને બેઠા હતા જે પ્રધ્યાપક અને જયદેવ એક બીજાના પરિચયમાં તો હતા જ તેમણે લાક્ષણીક રીતે ચહેરા પર મરક મરક હાસ્ય વેર્યું પરંતુ જયદેવે વિ.સી.ને કહ્યું કે પોલીસ કમિશ્નર સાહેબની સુચનાથી આવ્યો છું શું કામ હતુ ? આથી વી.સી.એ કહ્યું કે અમારે માટે તો બહુ મોટુ કામ છે. પણ તમારા માટે તો ખૂબજ સામાન્ય કહેવાય. વાત એમ છે કે યુનિ. કેમ્પસમાં આવેલી એક પ્રતિષ્ઠિત વિદ્યાશાખાના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ (એચ.ઓ.ડી) તેમની કચેરીમાં આમતો નિયમિત દારૂ પીને જ ફરજ ઉપર આવે છે. પરંતુ હવે હદ થઈ ગઈ છે તેમની ચેમ્બર પણ દારૂની વાસથી ગંધાતી હોય છે, તમે તેનું નિરાકરણ કરો, આ એ જ પ્રોફેસર કે જેઓ તાજેતરમાં એક વિદ્યાર્થીની પાસે ટેલીફોન ઉપર બીભત્સ માગણી કરી હતી ! જયદેવે કહ્યું અમારી પાસે તો એક ઉકેલ છે. ‘લોહાર કી એક’ ! કેમકે પોલીસ માટે તો કાયદેસર કાર્યવાહી કર્યા સિવાય છૂટકો નહોય, છતા જયદેવને થયું કે આ જૂની પૂરાણી બાબતછે પણ અત્યારે જ ઘાટ ઘડાવવાનું નકકી થયું છે. તો નકકી કાંઈક રાજકારણ તો હશે જ, જેથી પોલીસ ઉપર ખોટા આક્ષેપ ન થાય તે માટે તકેદારી તો રાખવી જ પડશે. કેમકે હાલમાં તો યુનિવર્સિટીઓજ કપટખટપટનાં રાજકારણીઓના ઉછેર કેન્દ્રો બની ગઈ છે. જયદેવ માટે તો કોઈ વિકલ્પ હતો જ નહી તેથી તેણે કહ્યું ‘એમ કરો અમે તો કાર્યવાહી કરીશું જ પણ તમો અને યુનિવર્સિટીના રજીસ્ટ્રારને પણ સાથે લઈને અમારી સાથે ચાલો જેથી પોલીસની નિષ્પક્ષ કાર્યવાહી અંગે કોઈ આક્ષેપો ન થાય થોડી અનિચ્છા એ બંને ઉભા થયા અને રજીસ્ટ્રારને પણ સાથે લીધા વિ.સી. પોતે આગળ ચાલી મુખ્ય બિલ્ડીંગમાંથી બહાર નીકળી પહેલા પશ્ર્ચિમ દિશામાં અને થોડુ ચાલી ઉતરદિશામાં રોડે રોડ ચાલતા થયા જેથી જયદેવ તથા તેના જવાનો અને યુનિવર્સિટીના ઉપર જણાવેલ અધિકારીઓ થોડે અંતરે જતા જ નીચી કંપાઉન્ડ વોલ વાળા કેમ્પસમાં આવ્યા અહી બિલ્ડીંગ કાંઈક કલાત્મક રીતે અલગ અલગ કોટેજીઝ (કચ્છના રણમાં લોકો ગરમીથી બચવા જે માટીની ગોળ દિવાલો અને માથે ઘાંસના છાપરા જે પણ ગોળ ગોળ ભુંગા બનાવે છે તેવા) હતા પરંતુ દિવાલો પાકકી અને છાપરા સ્લેબ અને તેના ઉપર વિલાયતી નળીયા નાખેલા તેવા દર્શનીય બનાવ્યા હતા પરંતુ આ દર્શનીય મકાનોમાં ખેલ ખુબ ભુંડો ચાલતો હતો. પ્રવેશ દ્વાર પાસે દિવાલ ઉપર ડીપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ અને તેની નીચે ત્રણ પેટાવિભાગોના નામ હતા. ઈકોનોમીકસ (અર્થ શાસ્ત્ર), હીસ્ટ્રી (ઈતિહાસ) અને સોશ્યોલોજી (સમાજશાસ્ત્ર) આ સમાજ શાસ્ત્રના વિભાગમાં જ અસામાજીક પ્રવૃત્તિ થતી હતી.
બિલ્ડીંગમાં પ્રવેશતા જ ડાબી બાજુના કોટેજ (ભુંગા)માં આ આક્ષેપીત એચ.ઓ.ડી.ની. ચેમ્બર હતી વિ.સી.એ તે તરફ જયદેવને આંગળી ચિંધતા જયદેવ દરવાજો ખોલીને અંદર ગયો. સાથે જવાનો અને પાછળ પાછળ વિ.સી. તથા તેમના સાથીદારો પણ પ્રવેશ્યા સહજ છે. પોલીસને યુનિફોર્મમાં પોતાની અંગત જગ્યામાં પ્રવેશતા જુએ તો કોઈ પણ થથરી જાય જયારે આ તો વળી પાછા પીધેલા છતા તેમણે જયદેવને આવકાર્યો. આખી ચેમ્બર મધપાનની વાસથી મધમધતી હતી અને પ્રાધ્યાપકની આંખો જ પ્રથમ દ્રષ્ટિએ જણાવી રહી હતી કે ઝુમબરાબર ઝુમ જ છે. આથી જયદેવે કહ્યું ‘તમને આ સરસ્વતી મંદિરમાં દારૂપીવાથી શરમ આવવી જોઈએ.‘ દરમ્યાન સમગ્ર રસાલો જે સાથે આવેલો તે જોઈને અને જયદેવના બોલવાથી તેઓ હેબતાઈ ગયા અને ગેંગેં ફેંફે થવા લાગ્યું રસાલામાં સાથે આવેલા અન્ય એચ.ઓ.ડી. કક્ષા પ્રાધ્યપક તેમની લાક્ષણીક મુદ્રામાં ઉભા હતા સોનેરી ફ્રેમના ચશ્મા ધારણ કરેલા અને ડાબો હાથ અદબની અદામાં અને જમણા હાથની કોણી ડાબા હાથના પંજા ઉપર મૂકી જમણા હાથનો અંગૂઠો દાઢી ઉપર અને આંગળીઓ ગાલ ઉપર મૂકીને હોઠમાં મલકી રહ્યા હતા. તેમને લાગ્યું કે પોલીસને મદદ કરવી જોઈએ જેથી તેમણે જયદેવને કહ્યું સાહેબ તે બધુ તો થઈ રહેશે ફ્રીજનું ઠંડુ પાણી પી લો અને તેમણે ફ્રીજ ખોલતાજ જયદેવે તેમાનો નજારો જોયો તો તેમાં પાણીની બોટલો થોડીને વિવિધ પ્રકારના ઈગ્લીશ દારૂની બોટલો અને બીયરના ટીનના ડબ્બા ગોઠવેલા જોવા મળ્યા આથી વિ.સી.એ કહ્યું હવે અમારૂ કામ પૂરૂ અમે જઈ એ?’ જયદેવે કહ્યું પોલીસની તો ફરજ છે જ પણ તમારો પણ આ આંતરિક મામલો છે જેથી પોલીસ દળ ખોટી રીતે વિવાદમાં ન આવે તે માટે ફરિયાદીતો યુનિવર્સિટીના એક પ્રતિનિધિજ થશે અમે ભલે કાર્યવાહી કરી એ આથી વિ.સી.એ કહ્યું આ રહ્યા રજીસ્ટ્રાર તેમની જ ફરિયાદ લઈ લોને? આથી જયદેવે તૂર્ત જ પંચો રૂબરૂ દારૂ પીધેલ અને દારૂના કબ્જા અંગેનું વિગતવારનું પંચનામું કરી રજીસ્ટ્રારની આરોપી પ્રાધ્યાપક વિરૂધ્ધની ફરિયાદ લખી લીધી જેમાં રેઈડમાં કોણ કોણ સાથે આવેલ તેનો પણ ઉલ્લેખ કરીજ દીધો. અને ગાંધીગ્રામ થાણામાં ગુન્હો નોંધાયો પાછળથી જાણવા મળેલું કે આરોપી પ્રાધ્યાપક વિરોધ પક્ષના સભ્ય હતા અને આ એક પ્રકારનો હિસાબ જ થયો હતો. જોકે ગુજરાત રાજયમાં તો દારૂપીવો એ કાયદાકિય અને નૈતિકતાની દ્રષ્ટિએ ગુન્હો જ બને, પણ ખાનગીમાં એવું જાણવા મળેલું કે આરોપી પ્રાધ્યાપક તેમના વિષયના નિષ્ણાંત અને ખાં હતા તેમની ભણાવવાની પધ્ધતિ પણ સારી હતી. અને પીવા સિવાય તેમની બીજી કોઈ જ ફરિયાદ ન હતી.
લોકસભાની ચૂંટણી
આ દરમ્યાન લોકસભાની ચૂંટણી જાહેર થઈ બબાલો વધતી જ ચાલી હતી જયદેવ રાજકોટમાં કોઈક બ્રાંચમાં બેસી રીલેક્ષ થવા બદલાઈને આવ્યો હતો. પણ થયું ઉલ્ટું તે ભરાઈ ગયો હતો બે બે ચાર્જમાં. જોકે પોલીસ સ્ટેશનોમાં તો બબાલો રહે જ પરંતુ ચૂંટણી મતદાનની આગલી રાત્રે ચૂંટણી કમિશન દ્વારા ખાસ સૂચના આવી કે ગત છેલ્લી ચૂંટણીમાં જે વ્યકિતઓ બોગસ મતદાન કરવાના અને ચૂંટણી ને લગતા ગુન્હામાં પકડાયેલા હોય તેમની વિરૂધ્ધ અટકાયતી પગલા લઈ જરૂર પડયે ડીટેઈન પણ કરવા. જયદેવે ગાંધીગ્રામનું ક્રાઈમ લીસ્ટ જોઈને આવી ચાર વ્યંકિતઓને ડીટેઈન કરી પોલીસ સ્ટેશને લઈ આવી મૂકી ગયો. અને પોતે અન્ય કામે બહાર જતા જ રાજકોટની ખાસ સ્ટંટગીરી મુજબ વહાલા દવલાની નીતિ મુજબ જે ચાર ડીટેન્યુને થાણામાં મૂકેલા તે પૈકી એકને અમુક લોકો ટોળામાં આવી ઉપાડી ગયા એકાદ કલાક પછી જયદેવ પાછો થાણામાં આવતા જોયું કે એક ડીટેન્યુ ઓછો હતો જયદેવે હકિકત જાણીને તેને થયું કે ન્યાય અને કાયદો તમામ માટે સમાન જ હોવો જોઈએ તેથી તે પાછો જે ડીટેન્યુને ઉપાડી ગયેલા તેના ઘેર આવ્યો. સહજ છે આવા કબાડા પછી તે ઘેર તો ન જ હોય પણ તેના કુટુંબના અમુક સભ્યો તેમની રીતિ નીતિ મુજબ પોલીસ સાથે દોઢ ડહાપણ કરતા જયદેવે નમુના રૂપ કાર્યવાહી કરવા આવી વ્યકિતઓને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૬ મુજબ ઉપાડી લઈ ફરજની રૂકાવટની ફરિયાદ જાતે જ શ્રી સરકાર તરફે આપી દીધી ! પરંતુ પંચનામુ કરવા તથા અન્ય આનુસંગીક કાર્યવાહી કરવામાં અડધી રાત થાય તે સહજ હતુ વળી વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠીને છ વાગ્યાથી મતદાન અંગે પેટ્રોલીંગ ચાલુ કરવાની હતી જયદેવે ખરે ખર ત્રાસી ગયો હતો. થાકી ગયો હતો. પરંતુ નમુના રૂપ અને સમતા ભરી કાર્યવાહી કર્યા વગર પણ છૂટકો ન હતો. જોકે રાજકોટના રાજકારણીઓ પણ જયદેવની આ મુઢમાર જેવી કાર્યવાહીથી ત્રાસી તો ગયા જ હતા.