- આઇટી કંપનીઓ હવે સ્થાનિકો તેમજ અગાઉથી જ ત્યાં વસતા ભારતીયોને વધુ પ્રમાણમાં નોકરીએ રાખી રહી છે
એક સમય એવો હતો જ્યારે ભારતીય ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઉદ્યોગ યુનાઇટેડ સ્ટેટ્સના એચ-1બી વિઝા પર નિર્ભર હતો, એક બિન-ઇમિગ્રન્ટ વર્ક વિઝા જે કંપનીઓને ઉચ્ચ-કુશળ કર્મચારીઓ લાવવામાં મદદ કરે છે. પણ હવે આ વિઝમાં 56 ટકાનો ઘટાડો નોંધાયો છે.
નાણાકીય વર્ષ 2015 અને 2023 ની વચ્ચે, ટોચની સાત ભારતીય આઇટી કંપનીઓ માટે પ્રારંભિક રોજગાર માટે મંજૂર કરાયેલ એચ-1બી વિઝા અરજીઓની સંખ્યામાં 56% ઘટાડો થયો છે. યુએસ થિંક ટેન્ક નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2015 માં 15,166 થી નાણાકીય વર્ષ 2023 માં 6,732 થઈ ગઈ છે.
કંપની વાઇઝ ઘટાડો જોઈએ તો ટીસીએસ- 75% ઘટાડો, ઇન્ફોસિસ-21% ઘટાડો, વિપ્રો-69% ઘટાડો, એચસીએલ અમેરિકા – 46% ઘટાડો, એલટીઆઈ માઈન્ડ ટ્રી -32% ઘટાડો, ટેક મહિન્દ્રા-62% ઘટાડો, હેક્સાવેર ટેક્નોલોજીસ – 56% ઘટાડો થયો છે.
નિષ્ણાતો માને છે કે તેનું મુખ્ય કારણ એ છે કે ભારતીય વારસો ધરાવતી કંપનીઓએ છેલ્લા દસ વર્ષમાં યુએસમાં સ્થાનિક ભરતીના પ્રયાસો વધાર્યા હતા. રિસર્ચ ફર્મ એવરેસ્ટ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ પીટર બેન્ડર-સેમ્યુઅલે હાઇલાઇટ કર્યું હતું કે ઇન્ફોસિસ જેવી કંપનીઓએ યુએસમાં પણ તેમના ભારતીય પ્રતિભા મોડેલની નકલ કરી છે, જેનાથી એચ-1બી વિઝા કામદારોની જરૂરિયાત ઓછી થઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે વધુ ઓટોમેશન જેવા પરિબળો પણ ભૂમિકા ભજવે છે. જીવનનિર્વાહની વધતી કિંમતે પણ આઇટી કામદારો માટે સ્થળાંતર કરવાનું ઓછું આકર્ષક બનાવ્યું છે.
ઇન્ડસ્ટ્રી બોડી નાસકોમ ખાતે વૈશ્વિક વેપાર અને વિકાસના વાઇસ પ્રેસિડેન્ટ શિવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારતીય ઉદ્યોગે યુએસમાં વિજ્ઞાન ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ટેલેન્ટ પાઇપલાઇનને મજબૂત કરવા માટે લગભગ 1 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.
તેણે 130 થી વધુ કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે કામ કર્યું છે અને લગભગ 255,000 કર્મચારીઓને કુશળ બનાવ્યા છે. નાસકોમ એ પણ અનુમાન લગાવ્યું છે કે ઉદ્યોગે યુએસમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 600,000 થી વધુ નોકરીઓનું સર્જન અને સમર્થન કર્યું છે.