છેલ્લા 24 કલાકમાં રાજ્યના 105 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ જૂનાગઢમાં માણાવદર અને અમરેલીના ખાંભામાં 3 ઈંચ વરસાદ: રાણાવાવ- સાવરકુંડલા- ગઢડામાં 2 ઈંચ જયારે જામનગરના ધ્રોલમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો

આ સીઝનમાં ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે, પરંતુ આગામી દિવસોમાં વરસાદ વધારે ધમાકેદાર બેટિંગ કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની વકી છે. અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ રાજ્યમાં ગુજરાતમાં વરસાદ જમાવટ કરી રહ્યો હોવાની વાત કરી છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટના 7 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Untitled 1 487

છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માણાવદરમાં 3 ઈંચ, ખાંભામાં 3 ઈંચ, રાણાવાવ-સાવરકુંડલા-ગીર-ગઢડામાં 2 ઈંચ, પોરબંદર-કોડીનાર સહિત અનેક વિસ્તારોમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે, મોટાભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. આજે તથા આવતીકાલે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ રહેવાની સંભાવના છે. આ પછી માત્ર (25મી જૂન) દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે તેવી સંભાવના છે.

ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, “પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી છે. જેમાં મોટાભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ રહી શકે છે.” સૌરાષ્ટ્ર માટે આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને દીવનો સમાવેશ થાય છે.દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ બનેલી છે, જેના કારણે ભારે વરસાદ થવાની આગાહી છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને તે ધીમે-ધીમે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત જેવો રાજ્યભરમાં વરસાદ થશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, મહત્વનું છે કે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ઓછો વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લાની વાત કરીએ તો સાવરકુંડલા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. જેસર રોડ રિદ્ધિ સિદ્ધિ ચોક મહુવા રોડ હાથસણી રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સોસાયટીના રસ્તા ઉપર વહેતા થયા વરસાદી પાણી. ભારે વરસાદના કારણે નાના રાજુલાથી નાના રીગણીયા રોડ પર પાણી ભરાયા છે. ગામ લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. વહેલી સવારથી અમરેલી અને આસપાસના ગામમાં વરસાદ વરસી રહ્યો છે.  ખાંભા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભાના મોટાભાગના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે ખાંભાની ધતારવાડી નદી પુર આવ્યું છે. ભાવનગરમાં મહુવા પંથકમાં ચાર દિવસના વિરામ બાદ મેઘરાજનું આગમન થયું છે. ગઈ કાલે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટા બાદ વરસાદનું આગમન થયું છે. કણકોટ, ઉંચા કોટડા, ઓઠા, કસાણ, ખારી, દયાળ, બગદાણા, સહિતના મહુવા પંથકના ગામમાં મેઘ મહેર. વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થતાં જ ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ખૂશીની લહેર જોવા મળી. દરિયાકાંઠાના ગામોમાં વરસાદ નું જોર વધુ જોવા મળી રહ્યું છે.

રાજકોટમા ગોંડલના મોવિયામાં વરસાદી માહોલ વચ્ચે વીજ શોકનો બનાવ બન્યો હતો. વીજ શોક લાગતા ગાયનું થયું મોત. મોવિયા ગામમાં લોખંડનો વીજપોલ આવેલો છે. સ્થાનિક લોકોને પણ વીજ શોક લાગવાનો ભય.  ધોરાજી શહેરમાં  વહેલી સવારથી જ વાદળ છાયુ વાતાવરણ હતું. આ પછી વરસાદ કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી છે. ધોરાજી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સરદાર ચોક,  ગેલેક્સી ચોક, જેતપુર રોડ, જમનાવડ રોડ,બસસ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ છે.

શેત્રુંજી નદીમાં નવા નીરની આવક

ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નવા નીરની આવક થઈ છે, તો બીજી તરફ ખાંભાની ધાતરવડી નદીમાં ચોમાસા પહેલાનું પૂર આવ્યું છે, નદીની આસપાસના ખેતરો પાણીથી તરબળો થયા હતા. અમરેલી શહેરમાં મધરાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ફક્ત 25 મિનિટમાં પોણો ઈંચ ખાબકતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. શેત્રંજી નદીમાં નવા નીર આવતા લોકો પુલ પર રોકાઈને પાણી જોવા ઉમટી પડ્યા હતા

ખરીફ સીઝન શરૂ પરંતુ ધાન્ય પાકમાં ગત વર્ષ કરતા ત્રણ ગણું ઓછું વાવેતર

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારને બાદ કરતા હજુ વરસાદ વ્યાપક નોંધાયો નથી ત્યારે ખરીફ સીઝન શરૂ પરંતુ ધાન્ય પાકમાં ગત વર્ષ કરતા ત્રણ ગણું ઓછું વાવેતર થયું છે. ડાંગર, જુવાર અને મકાઈમાં ઓછું વાવેતર નોંધાયું છે. રાજ્યમાં સરેરાશ વાવેતર સામે ચાલુ વર્ષે કુલ 11.78 ટકા વાવેતર થયું છે. કેટલાક જિલ્લાઓને બાદ કરતા હજુ સાર્વત્રિક વરસાદ ન વરસવાને કારણે અસર દેખાઈ છે જો  કે હવે વરસાદ આવશે તેમ વાવેતરમાં પણ વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.