મુંબઈના અલીબાગમાં ખેતીની જમીન પર અભિનેતા શાહરૂખ ખાનના ગેરકાયદે બંગલો બનાવવાના આરોપમાં આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગે શાહરૂખ ખાન પાસેથી આ મામલે જવાબ માગવામાં આવ્યો છે. શાહરૂખને આઈટી વિભાગે એટેચમેન્ટ નોટિસ જારી કરી છે. આ નોટિસ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ (પીબીપીટી)નું ઉલ્લંઘન કરવા માટે ડિસેમ્બરમાં જારી કરાઈ હતી. મીડિયા અહેવાલોના આધારે આવકવેરા વિભાગે આ મામલે તપાસ કરી હતી.
આઈટી સૂત્રોનાં પ્રમાણે, શાહરૂખના સાસુને પણ આ મામલે એક નોટિસ મોકલવામાં આવી હતી. આ અગાઉ અલીબાગ બંગલાના નિર્માણને રાયગઢ કલેક્ટરે પણ ગેરકાયદે ગણાવ્યું હતું. એ સમયે કલેક્ટરે શાહરૂખ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી. અતિક્રમણ ગણીને તેને હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી પણ એ સમયે શાહરૂખ સ્ટે લાવતા આ કામ રોકી દેવાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ‘સમગ્ર ફાર્મહાઉસ 19,960 ચો.મી. ના વિસ્તારમાં ઉભુ કરાયું છે. જેમાં સ્વિમિંગ પૂલ અને પ્રાઇવેટ હેલીપેડ પણ છે. શાહરુખ ખાને આ દેજા વુ ફાર્મ્સને કોઈપણ જાતની સિક્યોરિટી વગર રુ. 8.5 કરોડની લોન આપી હતી.’
IT ડિપાર્ટમેન્ટને શંકા છે કે આ રુપિયા દ્વારા દેજા વુ ફાર્મ્સના નામે જમીન ખરીદવામાં આવી હતી. અહીં આવેલ થલ ગામની આ જમીન ખેતીવાડીની જમીન છે અને તેનો ઉપયોગ ફક્ત ખેતી માટે કરવાનો હોવાનું સરકારી કાગળીયામાં ઉલ્લેખ છે. આ જમીનને કંપનીના નામે એ શરતે કરવામાં આવી હતી કે તે અહી આગામી 3 વર્ષમાં ખેતી શરુ કરશે. જોકે 2011માં આજગાંવકરની જગ્યાએ નમિતા છિબાને દેજા વુ ફાર્મ્સની ડિરેક્ટર નીમવામાં આવી.
રમેશ છિબા, સવિતા છિબા અને નમિતા છિબા શાહરુખ ખાનના ક્રમશઃ સસરા, સાસુ અને સાળી છે. તો અલિબાગ લેન્ડ રજિસ્ટાર ઓફિસે આ જગ્યા પર ગેરકાયદે સ્વિમિંગ પૂલ બાંધવા મામલે CRZના નિમયોના ઉલ્લંઘન અંગે પહેલા જ નોટિસ પાઠવી દીધી છે. જ્યારે આ અંગે શાહરુખ ખાન પાસેથી સ્પષ્ટતા જાણવા માટે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ તેના પ્રવક્તાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો ત્યારે કોઈ રિપ્લાય આવ્યો નહોતો. તો શાહરુખના સીએ રાજારામ આજગાંવકરે પણ કોઈપણ ફોન કે મેસેજીસના જવાબ આપ્ય નહોતા.