ઈન્વેસ્ટીગેશન વીંગના રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ સર્વેની કામગીરી: કરણપરા વિસ્તારમાં આંગડીયા પેઢીમાં મેગા સર્ચ ઓપરેશન; ગઈકાલ સાંજથી શરૂ થઈ હતી તપાસ; અનેક બેનામી વ્યવહારો ખૂલ્યા; કરોડોના ગોટાળા બહાર આવવાની શકયતા
રાજકોટ ઈન્કમટેક્ષ વિભાગ નવા નાણાંકીય વર્ષે એક પછી એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે. શરૂઆતથી જ કરચોરોને પકડી પાડવા સર્ચ સર્વેની કામગીરીમાં રાજકોટ આઈ.ટી. કમરકસી રહ્યું છે. અઠવાડિયા પૂર્વે લેબર કોન્ટ્રાકટરોને ત્યાં દરોડા પાડયા બાદ ગઈકાલે સાંજે રાજકોટની આર.સી. આંગડીયા પેઢીમાથી રૂ. ૭૫ લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.લોકસભાની ચૂંટણી આગામી દિવસોમાં હોય જે અંતર્ગત ૫૦ હજારથી વધુની રોકડ રકમની હેરાફેરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ આયકર વિભાગે આર.સી.આંગડીયા પેઢીમાં સર્ચ સર્વેનું ઓપરેશન હાથ ધરી ૭૫ લાખથી વધુની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે. આટલી મોટી રકમ કયાંથી કઈ રીતે આવી તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે.ઈનકમ ટેક્ષ ઈન્વેસ્ટીગેશન વીંગના રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાંજે શહેર મધ્યે આવેલ કરણપરા વિસ્તારની આર.સી. આંગડીયા પેઢીમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ગઈકાલ સાંજથી શરૂથયેલો સર્વે આખી રાત ચાલ્યો હતો અને અનેક બેનામી દસ્તાવેજો, સાહિત્ય મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જ ૭૫ લાખ જેવી મોટી રકમ જપ્ત કરાઈ છે.ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલા મેગા ઓપરેશનમાં હજુ વધુ ગોટાળા ભર્યું સાહિત્ય કબ્જે થવાની સંભાવના છે.રાજકોટ આવકવેરા વિભાગનાએક પછી એક મોટા સર્ચ સર્વે ઓપરેશનની અનેક કરચોરોમાં ખળભળાટ મચ્યો છે.