વેબસાઇટ આ રીતે ધીમી રહેશે તો પાંચમી સુધીમાં રિટર્ન ફાઇલીંગ મુશ્કેલ
હાઇટેક ઇન્ડિયાની વાતો વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ઠપ થઇ ગયેલું આયકર વિભાગનું વેબ પોર્ટલ મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધી બંધ જ રહ્યું હતું. સાંજે પાંચ વાગ્યે શરૂ થયું પરંતુ અત્યંત સ્લો ચાલતું હોવાથી લોકોને રિટર્ન ફાઇલ કરવામાં ખૂબ જ તકલીફ પડી હતી. આખો દિવસ લોકો રિટર્ન ફાઇલ કરવા માટે બેસી રહ્યા પરંતુ રિટર્ન ફાઇલ થઇ શક્યું નહોતું. વેબ પોર્ટલ બંધ જ હોવાથી આયકર વિભાગની તમામ કામગીરી જ ઠપ થઇ ગઇ હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને ટેક્સ ક્ધસલ્ટન્સના મતે જો આ રીતે વેબ પોર્ટલ ચાલે તો પાંચમી ઓગસ્ટ સુધી પણ રિટર્ન ફાઇલ થવું અશક્ય છે.
ઇનકમ ટેક્ટ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસ આયકર વિભાગનું વેબ પોર્ટલ બંથ થઇ જતાં આ મુદત વધારીને પાંચમી ઓગસ્ટ કરવામાં આવી છે. સતત ત્રણ દિવસ સુધી રિટર્ન ફાઇલ નહિ કરી શકેલા લોકો મંગળવારે સવારથી જ રિટર્ન ફાઇલ કરવા માટે બેસી ગયા હતા. મંગવારે પણ વેબ પોર્ટલ ઠપ જ રહ્યું હતું. આ મુદ્દે આયકર વિભાગના અધિકારીઓને ફરિયાદ કરતાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ તેવો સરકારી જવાબ જ મળતો હતો.
દિવસ દરમિયાન લોકોએ પોતાના ટેક્સ ક્ધસલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે રિટર્ન ફાઇલ કરાવવા માટે પોતાની ડિટેઇલ લઇને બેસી રહ્યા હતા. તેમ છતાં રિટર્ન ફાઇલ ન થતાં લોકો નિરાશ થયા હતા. છેક સાંજ સુધી લોકો પ્રયાસ કરતા રહ્યા હતા. ત્યારે સાંજે પાંચ વાગ્યે વેબ પોર્ટલ એક્ટિવ થઇ હતી. લોકોની વ્યાપક ફરિયાદ છે કે વેબ પોર્ટલ ખૂબ જ સ્લો ચાલતી હોવાથી લોકોને રિટર્ન ફાઇલ કરવામાં તકલીફ પડી હતી. મોટા ભાગના લોકો રિટર્ન ફાઇલ કરી જ શક્યા નહોતા. વેબ પોર્ટલ ઠપ હોવાથી રિટર્ન ભરવા ઉપરાંત પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવાનું બંધ જ થઇ ગયું હતું. જો કે લોકોને આયકર વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી છે. તે લોકો વેબ પોર્ટલ બંધ હોવાથી તેના જવાબો પણ આપી શક્યા નહોતા. વેપારી સંગઠનો દ્વારા પણ આ ધાંધિયાને કારણે આયકર વિભાગ સમક્ષ વેબ પોર્ટલ યોગ્ય રીતે ચાલે તેવી વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.