રાજકોટ આઇટી એસોસિએશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પાસે આઇટી પાર્ક બનાવવા માટે સરકાર પાસે જગ્યા માંગી
બેંગ્લોર, ચેનઇ સહિતના શહેરો પર હોવી નિર્ભર નહીં રહેવું પડે, રોજગારી તકો પણ ઉભી થશે.
કોરોના કાળમાં આઇટી ક્ષેત્રમાં ૩૦થી ૩૫ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે જેઅન્ય ક્ષેત્રોની સરખામણીમાં ખૂબ જ વધુ છે
અબતક, રાજકોટ
સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ક્રાંતિ સર્જવા અને લોકોને વધુ ડિજિટલ તરફ આગળ લાવવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર એ છે કે રાજકોટ ખાતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક બનશે જેનો સીધો જ ફાયદો માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દરેક ઉદ્યોગોને મળી રહેશે. આઇટી પાર્ક બનતાની સાથે જ વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારોને આ સ્કીમનો લાભ ખૂબ સારી રીતે મળશે. હાલના તબક્કે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારું પોટેન્શિયલ હોવા છતાં પણ બેંગલોર, ચેન્નાઇ , પુના અને દિલ્હી ઉપર નિર્ભર રહેવું પડે છે જે હવે રહેવું નહીં પડે અને એક જ જગ્યાએથી તમામ પ્રકારના પ્રશ્નોનું નિવારણ આવી શકશે. રાજકોટ આઇટી એસોસિયેશને આ અંગે રાજ્ય સરકારને માહિતગાર કરતા માંગણી કરી હતી કે રાજકોટને આઇટી પાર્ક મળવું જોઈએ અને જેનો હકારાત્મક અભિગમ પણ સરકાર દ્વારા દાખવવામાં આવ્યો હતો.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક માટે હાલ જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ બની રહ્યો છે તે આસપાસમાં જ કોઈ સારી જગ્યા મળે તે અંગે રાજ્ય સરકારને માંગ પણ કરવામાં આવેલી છે અને સતત સેક્રેટરી સાથે આ અંગે બેઠકોનો દોર પણ શરૂ થયો છે જે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ખૂબ જ સારા સમાચાર છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની જો વાત કરવામાં આવે તો વધુ ને વધુ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ડીજીટલાઇઝેશન સહિતના મુદ્દાઓ ધ્યાને લેવામાં આવતા હોય છે ત્યારે આ તમામ મુદ્દે રાજકોટ સૌરાષ્ટ્રમાં ખૂબ સારી રીતે કાર્યો થઇ રહ્યા છે પરંતુ જે યોગ્ય ગોઠવણ થવી જોઈએ તે થઈ શકી નથી પરિણામે જ્યારે આઇટી પાર્કનું નિર્માણ થશે તો એક યોગ્ય ક્લસ્ટર ઊભો થશે અને તેનો સીધો જ ફાયદો સૌરાષ્ટ્રના દરેક ઉદ્યોગકારોને મળશે.
ખુબજ મોટી માત્રમાં રોજગારીની તકો ઉદ્ભવીત થશે
કોરોના કાળમાં દરેક ઉદ્યોગો અને માટી અસરનો સામનો કરવો પડ્યો હતો પરંતુ એકમાત્ર આઇટી એક જ એવું ક્ષેત્ર છે કે જ્યાં ૩૦ થી ૩૫ ટકા નો વિકાસ દર જોવા મળ્યો હતો જેથી તે વાત સ્પષ્ટ થઈ રહી છે કે રાજકોટમાં જ્યારે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી પાર્ક બનશે તે સમયે રોજગારીની ખૂબ મોટી તકો ઊભી થશે બીજી તરફ હાલના વિદ્યાર્થી વર્ગ આઇટી ક્ષેત્રમાં પ્રવેશ મેળવી રહ્યા છે જેથી આઉટસોર્સિંગ સહિતના પ્રશ્નો પર પણ પૂર્ણવિરામ મુકવામાં આવશે.
અર્થતંત્રમાં આઇટીનું મહત્વ અનેરું
કોઈપણ ઉદ્યોગ દેશના અર્થતંત્ર માટે ખૂબ મહત્વપૂર્ણ પરિબળ સાબિત થતું હોય છે ત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અર્થતંત્ર માટે જીવાદોરી સમાન છે અને અર્થતંત્રને બેઠું કરવા માં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સિંહફાળો રહેશે ત્યારે રાજકોટમાં આઇટી પાર્ક ઊભો થતાં જ રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થામાં અંશે સુધારો આવશે અને રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારની પણ આવક બમણી થશે. હાલ દરેક ઉદ્યોગોને it ની જરૂરિયાત સૌથી વધુ પ્રમાણમાં પડતી હોય છે કારણ કે સમય પસાર થતાં વધુને વધુ ઉપયોગ ટેકનોલોજીનો થવા લાગ્યો હશે ત્યારે હાલના તબક્કે એક ઓર્ગેનાઈઝ ક્ષેત્ર ન હોવાના કારણે દરેક કામ અન્ય જગ્યાઓ પર થતા હોય છે પરંતુ રાજકોટમાં જ પાર્ક સ્થાપિત થતાં સમય નો પણ બચાવ થશે અને ઝડપી નિવારણ આવશે.