બી- સફલ અને સ્વાતિ ગૃપ આવકવેરા વિભાગના નિશાના ઉપર : તપાસનો ધમધમાટ
અબતક, રાજકોટ : ઈન્કમટેક્સ વિભાગે આજે અમદાવાદ શહેરમાં બી- સફલ અને સ્વાતિ ગૃપ પર રેડ કરી છે. નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ તથા અશોક અગ્રવાલને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં બે મોટા માથા આઈટી વિભાગની ઝપેટમાં આવ્યાં છે. તે ઉપરાંત શહેરમાં નામાંકિત બ્રોકરને ત્યાં પણ તપાસ આદરવામાં આવી છે. તેમજ કુલ 22 સ્થળો પર દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આઈટીના અધિકારીઓ દ્વારા શહેરમાં બે મોટા બિલ્ડરો અને જાણિતા બ્રોકરોને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ વિવિધ દસ્તાવેજો ચકાસી રહ્યાં હોવાની જાણકારી મળી છે. નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ અને સ્વાતિ ગ્રુપ વાળા અશોક અગ્રવાલને ત્યાં હાલમાં આઈટીના અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે. ઈન્કમટેક્સના સુપર ઓપરેશનમાં અમદાવાદના બે મોટા માથા ઝપેટમાં આવ્યાં છે.
ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે ગત આઠમી સપ્ટેમ્બરે બિલ્ડર, તેમજ જાણીતા બ્રોકર દીપક અજિતકુમાર ઠક્કર અને યોગેશ કનૈયાલાલ પૂજારાનાં ઘર અને ઓફિસો પર દરોડો પાડ્યો હતો, જેમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ડાયરીઓ અને હિસાબી દસ્તાવેજો ઉપરાંત કમ્પ્યુટર, લેપટોપ, પેન ડ્રાઇવ વગેરે માહિતી મોટા પ્રમાણમાં મળી આવી હતી.