- કુરુક્ષેત્ર ગુરુકુલમાં પ્રાકૃતિક ખેતી પર કિસાન ચૌપાલ ચર્ચાનું આયોજન
- ખેતરના અવશેષ ખેતરમાં જ રહેવા દો તો ખાતરની જરૂર નહીં પડે : શ્યામસિંહ રાણા, કૃષિ મંત્રી, હરિયાણા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે જણાવ્યું કે, ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતીને જૈવિક કે ઓર્ગેનિક ખેતી સમજીને તેને અપનાવવામાં સંકોચ કરે છે, પરંતુ પ્રાકૃતિક ખેતી સંપૂર્ણપણે ભિન્ન અને ખેડૂતોને અત્યંત લાભદાયી છે. કુરુક્ષેત્ર, ગુરુકુલમાં આયોજિત પ્રાકૃતિક ખેતી કિસાન ચૌપાલ ચર્ચામાં ભાગ લઈ રહેલા ખેડૂતોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન આપ્યું હતું. કિસાન ચૌપાલ ચર્ચામાં હરિયાણાના કૃષિ મંત્રી શ્યામસિંહ રાણા, પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક પદ્મશ્રી ડૉ. હરિઑમ, ડૉ. બલજીત સહારણ, અને પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટે કાર્યરત ICAR ના કૃષિ નિષ્ણાતો તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે, વીતેલા 40 વર્ષોથી દેશમાં જૈવિક ખેતીનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે, પરંતુ આજ સુધી જૈવિક ખેતીનું અસરકારક મોડલ ઊભું થઇ શક્યું નથી. તેનું કારણ છે કે, જૈવિક ખાતર બનાવવા માટે વપરાતા અર્થ વર્મા-અળસીયા વિદેશી છે, જે ફક્ત ગોબર ખાય છે અને હેવી મેટલ છોડે છે. એ ઉપરાંત, જૈવિક ખેતીમાં ખર્ચો વધુ છે અને ઉત્પાદન ઓછું છે, જેના કારણે આ ખેતી પદ્ધતિ લોકપ્રિય બની શકી નથી.
તેનાથી ઉલટું, પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો ખૂબ ઓછો છે અને ઉત્પાદન પૂરતું મળે છે. આ ઉપરાંત, ખેડૂતોને પ્રાકૃતિક ઉત્પાદનો માટે દોઢથી બે ગણા ભાવ મળે છે. પ્રાકૃતિક ખેતીમાં ફક્ત એક દેશી ગાયના ગોબર અને ગોમૂત્રથી ખેડૂત 30 એકર જમીન પર ખેતી કરી શકે છે. ખેડૂતને બજારમાંથી ખાતર, કીટનાશક વગેરે ખરીદવાની જરૂર પણ પડતી નથી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશભરમાં પ્રાકૃતિક ખેતીનું વ્યાપક અભિયાન આદરવામાં આવ્યું છે અને મોટાપાયે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આગામી બે વર્ષમાં આ આંકડો બમણો થશે તેવી આશા છે.
હરિયાણાના કૃષિમંત્રી શ્યામસિંહ રાણાએ પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તેમણે હરિયાણામાં પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયનું પાલન કરનારા ખેડૂતોને રૂ. 30 હજારની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, પ્રકૃતિમાં હસ્તક્ષેપ કરવાના પરિણામો હંમેશા જોખમી હોય છે. આજે ખેતીમાં ઉત્પાદન વધારવા માટે જે પેસ્ટિસાઇડ્સ, યુરિયા, ડીએપી અને જંતુનાશકોનો અંધાધૂંધ ઉપયોગ કરવામાં આવે છે, તેના દુષ્પરિણામો કૅન્સર, હાર્ટ એટેક, બીપી, અને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે. ખેતીમાં જંતુનાશકો અને યુરિયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને ખેડૂતો જમીનને બંજર બનાવી રહ્યા છે. પીવાના પાણીમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે, ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે, પ્રાકૃતિક ખેતી અપનાવે.
તેમણે ખેડૂતોને અપીલ કરી કે, પાકના અવશેષો ખેતરમાં જ નાખે અને તેમાં આગ ન લગાવે, કારણ કે ખેતરના અવશેષો ખેતરમાં ખાતરનું કામ કરશે. ગુરુકુલમાં રાજ્યપાલએ બૂકે આપીને હરિયાણાના કૃષિ મંત્રી શ્યામસિંહ રાણાનું સ્વાગત કર્યું હતું. આચાર્ય દેવવ્રત સાથે કૃષિમંત્રી રાણાએ ગુરુકુલ ફાર્મની મુલાકાત લીધી, જ્યાં 15 ફૂટથી ઊંચી શેરડીને જોઈને તેઓ આશ્ચર્યમાં ઘરકાવ થઈ ગયા હતા. ફાર્મ પર મંત્રી શ્યામસિંહ રાણાએ કમલમ્, જાંબુ, સફરજન, આંબા, લીચીના બાગ અને લીલાં શાકભાજી વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ગુરુકુલ ફાર્મમાં કૃષિમંત્રી અને આચાર્ય દેવવ્રતએ ગરમાગરમ ગોળનો સ્વાદ લીધો હતો. ફાર્મની મુલાકાત બાદ તેમણે ગુરુકુલની ગૌશાળા, શાળા ભવન, આર્ય મહાવિદ્યાલય અને એન.ડી.એ. બ્લોકની મુલાકાત લીધી હતી. આ અવસરે ગુરુકુલના પ્રમુખ રાજકુમાર ગર્ગ, ઉપપ્રમુખ સતપાલ કંબોજ, નિદેશક બ્રિગેડિયર ડૉ. પ્રવીણ કુમાર, પ્રિન્સિપાલ ડૉ. સુબે પ્રતાપ, રામનિવાસ આર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.